બિહારમાં ગયા જીલ્લામાં 22 વર્ષ સતત મહેનત કરી પહાડ ખોદીને રસ્તો બનાવનાર ‘માઉન્ટેન મેન’ તરીકે જાણીતા દશરથ માંજી સૌને યાદ હશે. ત્યારે ગુજરાતના ડાંગ જીલ્લામાં પણ એક એવા જ વ્યક્તિની આથક મહેનતનો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના ચેરાપૂંજી તરીકે ઓળખાતા ડાંગ જિલ્લામાં વરસાદ તો પુષ્કળ માત્રામાં પડે છે પરંતુ પાણી સંગ્રહ કરવા સરકારની યોજનાના લાભથી વંચિત છે. ડુંગરાળ અને પથરાળ પ્રદેશ હોવાના કારણે સરકારની યોજનાઓ અહી સુધી પહોંચી શકી નથી. જેથી સ્થાનિક લોકોને કોતરોમાં દૂર દૂર પાણી ભરવા જવું પડે છે. જેને કારણે લોકોનું જીવન દુષ્કર બન્યું છે. ત્યારે ડાંગ જીલ્લાના વાસુર્ણા ગામનાના એક ખેડૂતે સતત 20 વર્ષ સુધી અથાક મહેનત કરીને જાતેજ 32 ફૂટનો કૂવો ખોદી પાણીની વ્યવસ્થા કરી હતી.
ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવાથી 17 કિ.મી.ના અંતરે આવેલા વાસુર્ણા ગામમાં રહેતા 60 વર્ષીય ખેડૂત ગંગાભાઈ પવારને ખેતીના પાણી માટે કુવાની જરૂર હોવાથી વારંવાર ગામના સરપંચને રજૂઆત કરી હતી. પરંતુ તેમની અરજી તરફ ધ્યાન ન અપાતા ખેડૂતે જાતે જ તેમના ખેતરમાં એકલા હાથે કૂવો ખોદવાનું શરુ કર્યું હતું. ચાર ચાર વખત નિષ્ફળતા મળવા છતાં આશા ગુમાવ્યા વગર 20 વર્ષ સુધી સતત કામ કરતા રહી 32 ફૂટ ઊંડો કુવો ખોદવામાં સફળ રહ્યા હતા.
તેમણે પહેલો કુવો 10 ફૂટ ખોદયા બાદ સખત ખડક નીકળતા તેનું કામ પડતું મૂકી બીજો કૂવો ખોદવાની શરૂઆત કરી હતી, તેનું પણ આઠ નવ ફૂટ ખોદકામ કરતા તેમાં પણ ખડક આવતા ત્રીજા કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું. ત્રીજા કુવામાં ૧૫ ફૂટ એ પાણી નીકળ્યું હતું પરંતુ તે પણ સિંચાઈ યોજનામાં અન્ય ખેડૂતોને ફાળવી દેતાં ગંગાભાઈએ ચોથો કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું. ચોથો કુવો 15 ફૂટ ખોળ્યા બાદ ફરીથી ખડક નીકળતા તેને પડતો મૂકી ગત વર્ષે પાંચમા કુવાનું ખોદકામ શરૂ કર્યુ હતુ. એકલા હાથે 14 મહિના સુધી દિવસ રાત સખત મહેનત કર્યા બાદ 32 ફૂટ ઊંડા ખોદાયેલા કુવામાં પાણી નીકળતા અંતે તેમને સફળતા મળી હતી.
હવે ખેડૂતે કહેવું છે કે કૂવો તો જાતે ખોદ્યો પણ હવે સરકાર કૂવાનુ પાકું બાંધકામ કરી આપે તો પાણી માટે પડતી મુશ્કેલીમાં રાહત થશે.
