આપના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. સિસોદિયાને રાઉજ એવેન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની રિમાન્ડ અંગે સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન જ ઈડીએ સિસોદિયાની રિમાન્ડ લંબાવવાની માગણી કરી હતી અને કોર્ટે પણ માગણી મંજૂર કરતાં સિસોદિયાની રિમાન્ડ 5 દિવસ સુધી વધારી દીધી હતી. હવે સિસોદિયા 22મી માર્ચ સુધી રિમાન્ડમાં રહેશે.
ઈડીએ કોર્ટને જણાવ્યું હતુંકે આલોક શ્રીવાસ્તવે કેટલીક મહત્ત્વની માહિતી આપી છે અને એ બાબતે તપાસ કરવી છે. આ જ આધારે સી. અરવિંદની પણ પૂછપરછ કરવાની છે, ત્યારબાદ સી અરવિંદ, સંજય ગોયલ અને ગોપીકૃષ્ણાને સામસામે કરાવવાના છે.
ઈડીએ એવું પણ જણાવ્યું હતું કે આ બાબતની ફરિયાદ મળતાં જ 22મી જુલાઈના મોબાઈલ બદલ્યો હતો અને પુછપરછમાં સિસોદિયા નહીં જણાવી શક્યા કે આખરે તેમણે જૂના ફોનનું કર્યું શું એટલે ઈલેક્ટ્રોનિક ડેટા બાબતે પણ તેમની પૂછપરછ કરવાની છે. ઈડી દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે સિસોદિયાના કોમ્પ્યુટરમાંથી મળેલાં માર્ચ, 2019ના દસ્તાવેજોમાં પાંચ ટકાનું કમિશન હતું, જે સપ્ટેમ્બર, 2022માં વધીને 12 ટકા કરવામાં આવ્યું હતું.
સિસોદિયાના વકીલે આ બાબતે જણાવ્યું હતું કે જે વાતો ઈડી કહી રહી છે આ જ બધી વાતો સીબીઆઈ પણ કોર્ટમાં કહી ચૂકી છે. એટલે એમાં કંઈ નવું નથી. વકીલે જણાવ્યું હતું કે સાત દિવસમાં માત્ર 12થી 13 કલાક પુછપરછ કરવામાં આવી છે.
આ બાબતે સ્પષ્ટતા આપતા ઈડી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે દરરોજ સિસોદિયાની પાંચથી છ કલાક પુછપરછ કરવામાં આવી હતી અને ગુરુવારે 16મી માર્ચના પણ 6 કલાક પુછપરછ કરવામાં આવી હતી.