નવી દિલ્હી: સીબીઆઈએ રવિવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની લગભગ આઠ કલાકની પૂછપરછ પછી ૨૦૨૧-૨૨ માટે હવે રદ કરાયેલી દારૂની નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં ધરપકડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ પૂછપરછ દરમ્યાન તેમના જવાબો સંતોષકારક નહોતા.
સિસોદિયા બીજા રાઉન્ડની પૂછપરછ માટે સવારે ૧૧.૧૨ વાગ્યે સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. સીબીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી શાખાના અધિકારીઓએ મંત્રીને આબકારી નીતિના વિવિધ પાસાઓ, દિનેશ અરોરા અને એફઆઈઆરના અન્ય આરોપીઓ સાથેના તેમના કથિત જોડાણ અને અન્યો વચ્ચે બહુવિધ ફોન પરથી મેસેજ એક્સચેન્જની વિગતો અંગે પૂછપરછ કરી હતી.
સીબીઆઈ તપાસકર્તાઓ સિસોદિયા દ્વારા આપવામાં આવેલા જવાબોથી સંતુષ્ટ નહોતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ તપાસમાં સહકાર આપતા નથી અને નિર્ણાયક મુદ્દાઓ પર માંગવામાં આવેલી સ્પષ્ટતા તેઓ ટાળી રહ્યા હતા જેના પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઈ ઓફિસ જતા પહેલા સિસોદિયાએ આશંકા વ્યક્ત કરી હતી કે તેમની ધરપકડ થઈ શકે છે. (પીટીઆઈ)