મણિપુર ભૂસ્ખલન: અત્યાર સુધીમાં 81 લોકોના મોત, CM બિરેન સિંહે ઈતિહાસની સૌથી દર્દનાક દુર્ઘટના ગણાવી

ટૉપ ન્યૂઝ

મણિપુરના નોની જિલ્લાના તુપુલમાં 29 જૂને થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 81 લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં ટેરિટોરિયલ આર્મીના 18 જવાનોનો સમાવેશ થાય છે. હજુ પણ સંખ્યાબંધ લોકો ફસાયેલા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે સરકારના પ્રધાનો સાથે ઘટનાસ્થળની મુલાકાત લઇ બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાન એન બિરેન સિંહે મૃત્યુ પામેલા લોકોના પરિવારને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.


મુખ્યપ્રધાન એન બિરેન સિંહે આ ઘટનાને મણીપુર રાજ્યના ઈતિહાસની સૌથી દર્દનાક ઘટના ગણાવતા કહ્યું હતું કે, ‘રાજ્યના ઈતિહાસની આ સૌથી ખરાબ ઘટના છે. આ દુર્ઘટનામાં 81 લોકોએ જીવ ગુમાવ્યા છે. 18 ટેરિટોરિયલ આર્મીના જવાનોના મૃતદેહોને બહાર કઢાયા છે. હજુ પણ 55 લોકો ફસાયેલા છે. માટીના થરને કારણે તમામ મૃતદેહોને બહાર કાઢવામાં હજુ 2-3 દિવસનો સમય લાગશે.’

મુખ્યપ્રધાન એન બિરેન સિંહે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ‘તુપુલમાં ભૂસ્ખલનથી  વિનાશ પામેલા સ્થળની મુલાકાત લીધી અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. કામગીરીને ઝડપી બનાવવા માટે ‘થ્રુ વોલ ઇમેજિંગ રડાર’ સાથે ભારે મશીનરી પણ તૈનાત કરવામાં આવી છે.’ NDRF અને આર્મી દ્વારા બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.

મણિપુરના નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પર બુધવાર, 29 જૂને મોડી રાત્રે એક વિશાળ ભૂસ્ખલન થયું હતું. જીરીબામથી રાજધાની ઇમ્ફાલ સુધીની રેલ્વે લાઇનની સુરક્ષા માટે એક આર્મી કેમ્પ ત્યાં તૈનાત કરાયો હતો. રેલ્વે લાઈનની સુરક્ષા માટે 107 ટેરિટોરિયલ આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બુધવારે મધ્યરાત્રિની આસપાસ ભૂસ્ખલન થતા ફરજ પર હાજર આર્મીના જવાનો સહીત સંખ્યાબંધ લોકો માટીના થર નીચે દટાયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.