મણિપુરના રાજ્યપાલ લા ગણેશનને બંગાળના રાજ્યપાલ તરીકે શપથ લીધા, CM મમતા બેનર્જીએ કર્યું સ્વાગત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

West Bengal: મણિપુરના રાજ્યપાલ લા ગણેશને સોમવારે સાંજે રાજભવન ખાતે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવે તેમને શપથ લેવડાવ્યા હતા. ગણેશનને મણિપુરની સાથે પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. શપથ સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાજર રહ્યા હતા. તેમણે નવનિયુક્ત રાજ્યપાલનું સ્વાગત કર્યું, પરંતુ વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીને આમંત્રણ મોકલવામાં આવ્યું ન હતું. જેને લઈને વિવાદ સર્જાયો છે.

“>

નોંધનીય છે કે NDA તરફથી જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા બાદ તેમણે બંગાળના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી આ પદ ખાલી હતું. જે બાદ લા ગણેશનને મણિપુરની સાથે બંગાળના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પદ પરથી જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકાર્યું હતું. મુખ્યપ્રધાન મમતા બેનર્જીના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે સારા સંબંધો નહોતા. વિવાદ બાદ મમતા બેનર્જીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ધનખડને બ્લોક કરી દીધા હતા.
નવા રાજ્યપાલના શપથ સમારોહ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. મમતા બેનર્જીએ રાજ્યપાલનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. જે બાદ મમતા બેનર્જી નવા ગવર્નર સાથે ટી પાર્ટીમાં સામેલ થયા હતા. આ પ્રસંગે મમતા બેનર્જી અને નવા ગવર્નર પણ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
પશ્ચિમ બંગાળ સરકારના કૃષિ પ્રધાન શોભનદેવ ચટ્ટોપાધ્યાયે કહ્યું, ‘છેલ્લા ત્રણ વર્ષમાં અમે એક અસાધારણ પાત્ર જોયું છે. આના પહેલા જે રાજ્યપાલ હતા એમના જેટલા નીચા સ્તરે કોઈ નથી ઉતર્યું. મને આશા છે કે નવા રાજ્યપાલ સારો સંબંધ જાળવી રાખશે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.