સત્યનું પ્રાગટ્ય-ભગવાનની સમાધિનું પરમ નિમિત્ત

ઉત્સવ

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

એક દિવસ એક વ્યક્તિએ ભગવાનને પૂછ્યું, ભગવાન! આપની સાધનાનું બળ શું છે? એવું શું છે જે આપની સાધનાને strong કરે છે?
ભગવાને કહ્યું, મારી સમીક્ષા મારી સાધનાનું બળ છે. મારી સમીક્ષા જ મને સાધનામાંpush up
કરે છે.
કોઈપણ સ્થિતિને સમજવામાં અને સ્થિતિઓના નિર્ણય સુધી પહોંચવામાં મારી સમીક્ષા મને ખૂબ જ સહાયરૂપ થાય છે. મારી સમીક્ષા મને સત્યની એવી અમૃતમય અનુભૂતિ કરાવે છે, જેના કારણે જગતના દરેક પ્રકારના પાપમય વ્યવહારથી મુક્ત થઈ જવાય છે.
ભગવાને સમીક્ષાને સ્વયંની સાધનાનું બળ બતાવ્યું છે.
ભગવાનની સમક્ષ બે પ્રસંગો હતાં અને ભગવાન મહાવીર એ બંને પ્રસંગોની સાથે સમીક્ષા કરી રહ્યાં હતાં. એક પ્રસંગ હતો સ્વયંની પુત્રી પ્રિયદર્શનાના જન્મ પછીના એ થોડા સમયનો અને બીજો પ્રસંગ હતો સ્વયંના માતા-પિતા રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાની વિદાયનો!
ભગવાન મહાવીર બંને પ્રસંગોનું analysis કરતાં હતાં.
રાજમહેલમાં આનંદ- આનંદ છવાયેલો છે. રાજા-રાણી અને ભાઈ નંદીવર્ધન સૌના ચહેરા પર ખુશી છવાયેલી છે. પત્ની યશોદાના આનંદનો પાર નથી. કેમ કે, એમણે એક સુંદર બાલિકાને જન્મ આપ્યો છે. રાજમહેલમાં એક વ્હાલી બાલિકાનું આગમન થયું છે.
ભગવાન મહાવીરની સમક્ષ બીજો પ્રસંગ છે, જ્યાં એકદમ ઉદાસી છે, કેમ કે, માતા-પિતાની સ્મશાન યાત્રાની તૈયારી ચાલે છે. ભાઈ નંદીવર્ધન અને રાજમહેલના એક-એક વ્યક્તિના ચહેરા પર ઉદાસી છે.
ભગવાન મહાવીર એક ક્ષણ આંખ બંધ કરે છે, બંને દૃશ્યોને નજર સમક્ષ લાવે છે અને સમીક્ષા કરે છે. એક તરફ માની ગોદ છે અને એમાં એક નાનકડી બાલિકા સૂતી છે અને બીજી તરફ સ્મશાનની ગોદ છે જ્યાં માતા-પિતા આંખ બંધ કરીને સૂતા છે. પ્રિયદર્શના માની સ્નેહભરી ગોદમાં સૂતી છે અને રાજા-રાણી સ્મશાનની લાકડીઓથી ગોઠવેલી ગોદમાં સૂતાં છે. પ્રિયદર્શના અલ્પકાલ માટે સૂતી છે અને માતા-પિતા ચિરકાલ માટે સૂતા છે.
એક વ્યક્તિના આગમનનો આનંદ છે અને એક વ્યક્તિની વિદાયની વેદના છે. ભગવાન મહાવીર સમીક્ષા કરતાં-કરતાં ભૂતકાળમાં ચાલ્યા જાય છે.
જે દિવસે મહારાજા ચેડાને ત્યાં માતા ત્રિશલાનો એક બાલિકારૂપે જન્મ થયો હશે ત્યારે તેમના રાજમહેલમાં કેટલો આનંદ થયો હશે. જે દિવસે ક્ષત્રિયકુંડ નગરમાં પિતા સિદ્ધાર્થનો જન્મ થયો હશે ત્યારે અખા નગરમાં કેટલો આનંદ આનંદ થયો હશે.
આજે એ માતા-પિતાની વિદાય થઈ છે, ત્યારે બધાં કેટલાં દુ:ખી અને ઉદાસ થઈ ગયાં છે. કેવા આંસુ વહાવી રહ્યાં છે.
ક્યારેક આનંદનો માહોલ તો ક્યારેક આંસુનો માહોલ, આ જ તો સંસાર છે.
જેમ જેમ ભગવાન મહાવીર સમીક્ષા કરતાં જતાં હતાં, તેમ-તેમ એમનો વીતરાગી બનવાનો નિર્ણય દૃઢ થતો જતો હતો. એમને સમજાઈ ગયું હતું કે, નથી કાંઈ કાયમ, નથી કોઈ કાયમ!
ભગવાન મહાવીરે નિર્ણય કર્યો કે કોઈ ખુશી, કોઈ આનંદ, કોઈ દુ:ખ, કોઈ સ્થિતિ કાયમ નથી. આજની બાલિકા કાલે વૃદ્ધા બનવાની છે. જેનું રૂપ હોય એની જ કુરુપતા હોય. જેનું રૂપ જ ન હોય એની કુરુપતા ક્યાંથી હોય?
એક વાત નિશ્ર્ચિત છે, આ જગતમાં બધું અનિશ્ર્ચિત છે.
માતા-પિતાની વિદાય થતાં ભાઈ નંદીવર્ધનની આંખોમાં આંસુ આવે છે પણ ભગવાન મહાવીરની આંખમાં આસું નથી આવતાં.
યાદ રાખજો, જ્ઞાનીની આંખોમાં ક્યારેય દુ:ખના કારણે આંસુ ન આવે, આવે તો કરુણાના કારણે આવે.
અજ્ઞાનીની આંખોમાં દુ:ખના, વેદનાના, પીડાના તકલીફના આંસુ આવે.
ભગવાન મહાવીર જ્યારે સમીક્ષા કરતાં-કરતાં એના સત્ય સુધી પહોંચી જતાં, ત્યારે એમનું એ સત્ય જ એમની સમાધિનું પરમ નિમિત્ત બની જતું, કારણ કે, સત્યથી શ્રેષ્ઠ કોઈ સમાધિ ન હોય અને ભ્રમથી વધારે કોઈ અસમાધિ ન હોય.
આ જગતમાં જેટલાંને દુ:ખ છે, વેદના છે, તકલીફો છે, તે ભ્રમના કારણે જ છે. સત્યની સમજવાળાને ક્યારેય દુ:ખ ન હોય.
જેનો સંયોગ હોય, એનો વિયોગ હોય જ!
જગતનો એક પણ પદાર્થ એવો નહીં હોય જેમાં બે નો સંયોગ ન હોય.
આત્મા અને શરીર બંનેના સંયોગથી જીવન હતું. બંને જુદા થયાં એટલે મૃત્યુ થયું. એક પણ આત્મા ક્યારેય કાયમ માટે કોઈ એક શરીરમાં શાશ્ર્વત ન રહે. આ સત્યને સ્વીકારવું જોઈએ.
સંયોગ છે તો વિયોગ થવાનો જ છે. મળ્યાં છે તો જુદા પડવાના જ છે.
ભગવાન મહાવીરે બતાવેલાં આ સત્યને સ્વીકારવું જ જોઈએ. આ સત્યને જે સ્વીકારી લે છે તે સમાધિભાવમાં રહી શકે છે. કેમ કે, સ્વયંને અસમાધિ આપવી એને પણ ભગવાને પાપ કહ્યું છે.
જેમને સ્થિતિઓની સમીક્ષા કરતાં આવડી જાય, એમની અંદર સત્ય પ્રગટ થઈ જાય છે.
સત્ય જેમનું પ્રગટી જાય, એમની પાસે સમાધિ હોય.
ભગવાન મહાવીરની સમક્ષ બે સ્થિતિઓ હતી.
એક સાથે બે દૃશ્યોને નિહાળે છે. એક દૃશ્યમાં યશોદા પોતાના હાથમાં વ્હાલી દીકરીને પ્રેમથી રમાડી રહી છે, એના ચહેરા પર આનંદ છે. બીજા દૃશ્યમાં ભાઈ નંદીવર્ધનના ખભ્ભા પર પિતાનો નશ્ર્વર દેહ છે અને આંખોમાં આંસુ છે.
ભગવાન મહાવીરે સમીક્ષા કરી કે ન આનંદ શાશ્ર્વત છે, ન વેદના શાશ્ર્વત છે.
સંયોગથી મળવાવાળો આનંદ ક્યારેય શાશ્ર્વત ન હોય, સ્વથી મળવાવાળો આનંદ જ શાશ્ર્વત હોય.
બહુ સમજવા જેવી વાત છે.
ભગવાન મહાવીરની સમક્ષ રાજમહેલ આવે છે અને ભગવાન એની સમીક્ષા કરે છે. બધાં માને છે કે રાજમહેલમાં તો સુખ જ સુખ હોય પણ આ મહેલમાં પણ ક્યારેક આનંદ અને ક્યારેક આંસુ હોય છે. મારે તો એવા મહેલમાં જવું છે જ્યાં આનંદ અને આંસુ ન હોય, હસવું અને રડવું ન હોય, જ્યાં માત્ર પરમ સુખની, શાશ્ર્વત સુખની અનુભૂતિ હોય.
આ જ રાજમહેલને પિતા સિદ્ધાર્થ પોતાનો મહેલ માનતા હતા. એને સમજાવતાં હતાં, એને કેટકેટલી વસ્તુઓથી શણગારતા હતાં. એના સૌંદર્યમાં વૃદ્ધિ કરતાં હતાં, પણ એ મહેલને છોડીને પિતા ચાલ્યા ગયાં. પિતા પાસે એ વિચારધારા ન હતી કે આ મહેલને ગમે તેટલો શણગારીશ, એક દિવસ તે ખંડેર જ બની જશે. પિતા પાસે એ સમજની ક્ષમતા ન હતી કે આ મહેલ જેને હું મારો માનું છું એને અહીં જ છોડીને મારે ચાલ્યા જવું પડશે.
ભગવાન મહાવીર હર એક સ્થિતિની સમીક્ષા કરતાં હતાં, એટલે એમને સત્ય સમજાઈ ગયું હતું કે, સુખ ગમે ત્યારે દુ:ખમાં પરિવર્તિત થઈ શકે છે અને દુ:ખ, સુખમાં પરિવર્તિત થઈ શકે છે.
માટે જ, ભગવાન મહાવીરે પદાર્થમાં સુખને ન માન્યું. એમણે સત્યમાં સુખને માન્યું અને એટલે જ તેઓ રાજમહેલમાં સુખો છોડી, જંગલમાં સત્યની શોધ માટે નીકળી ગયાં હતાં. સુખની શોધમાં તો અનંત ભવો વીતાવ્યાં, હવે એ ભ્રમમાંથી મુક્ત થઈ, પરમ સત્યની શોધ કરવી એજ મનુષ્યભવની સાર્થકતા છે.
——–
પર્યુષણની પરમ પ્રેરણા

મારી તપની પા… પા… પગલી

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ
જ્યારે આત્મા પ્રત્યે જાગૃતતા આવે છે, ત્યારે જિનશાસનનું મળવું સાર્થક થાય છે.
જિનશાસન મળે છે પુણ્યથી પણ સાર્થક થાય છે સ્વયંની પ્રજ્ઞા અને પુરુષાર્થથી!
સંસારના સર્વ જીવોના દુ:ખનું મૂળ છે, ઈચ્છા!
સંસારનું કારણ છે ઈચ્છા.
ઈચ્છાના મૃત્યુ માટે છે તપ!
Desire or demand ને છોડવાનો પુરુષાર્થ કરવો તેનું નામ તપ.
તપનો હેતુ: ઈચ્છા પર control લાવવો. જીવનમાં અપરિગ્રહ ભાવ લાવવો, આસક્તિને ઘટાડવી.
Desire is the mother of bad qualities.
જૈન દર્શનનો સાર: छंदं निरोहेण उवेइं मोक्खा
જે પોતાની ઈચ્છાનો આગ્રહ છોડે છે, તેનો શીઘ્ર મોક્ષ થાય છે.
સમ્યક તપ- પોતાની ઈચ્છા પર control.
સ્વયં સાથે સ્વયંનો વાસ, એ છે સમ્યક ઉપવાસ!
ઈચ્છા નિરોધ કરાવનારું સર્વશ્રેષ્ઠ તપ છે વિનય!
ઈચ્છા નહીં, ઈચ્છાને જ પૂરી કરી નાખે તે ગુરુ હોય.
ગુરુનું અનુશાસન મળવું, એ શિષ્યની સાર્થકતા હોય છે.
સમર્પિતને સન્માનની ઈચ્છા ન હોય, જેને સન્માનની ઈચ્છા હોય, તે સમર્પિત ન હોય.
પોતાની ઈચ્છામાં રહેવાવાળા અશાંતિને આમંત્રણ આપે છે અને પોતાની ઈચ્છાને છોડવાવાળા સમાધિને આમંત્રણ આપે છે.
જે પોતાના mood પર પ્રભુત્વને પામી લે છે, તે શુકલ લેશ્યાના અધિકારી હોય છે.
આપણે આપણા body સાથે આપણા thoughtsને પણ detox કરવા જોઈએ.
વિવિધ પ્રકારના ઈચ્છા નિરોધ તપ: અઠવાડિયામાં ૨ દિવસ mirror ન જોવું, mirror નો ઉપયોગ ન કરવો. અઠવાડિયામાં ૨ દિવસનો ઉપયોગ ન કરવો, વાળ ન ઓળવા.
એક જ વસ્ત્રો ૨ દિવસ સુધી continue પહેરવા.
ભૂખ લાગી હોય, સામે પીરસેલી થાળી તૈયાર હોય, ત્યારે 2 mins થાળીમાં રહેલાં આહારના પદાર્થોને જોતાં રહેવું અને પછી જ ભોજન શરૂ કરવું.
———
પ્રભુ મહાવીરના ચાર સંદેશને અપનાવી પર્યુષણ સફળ બનાવો
આજથી આશરે ૨૬૦૦ વર્ષ પૂર્વે બિહારના ક્ષત્રિયકુંડ નગરમાં રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃદ્ધિ થતાં ‘વર્ધમાન’ નામ અપાયું હતું તેવા અહિંસાના અવતાર અને જૈનધર્મમાં ૨૪મા તીર્થંકર પદે બિરાજમાન થયેલા પ્રભુ મહાવીરસ્વામીના નામથી કોણ અજાણ હોઇ શકે?
પ્રભુ મહાવીરસ્વામીના આત્માએ નયસાર સુથારના ભવમાં ભૂલા પડેલા સંતને ભોજન વહોરાવી સમક્તિ (સાચી સમજણ)ને પ્રાપ્ત કરી ભવકટીની શરૂઆત કરતા ૨૭ ભવમાં પ્રભુના જન્મ-મરણનો અંત આવ્યો? આપણા ભવભ્રમણનો અંત કયારે? વિચારજો. પ્રભુ મહાવીરના ૪ સંદેશને જીવનમાં અપનાવવા પ્રયત્નશીલ બનવાનું ભૂલશો નહીં.
પ્રથમ સંદેશ છે કે મા-બાપના દિલને કહી દુભવશો નહીં. પ્રભુએ ગર્ભમાં પણ માતાને ઠેસ ન પહોંચે તે માટે જ્ઞાનવડે જાણીને હલનચલન શરૂ કરી માતાના ભાવોની પૂર્તિ કરી હતી. આજની પેઢીનો સૂર સંભળાય છે કે મા-બાપનો સ્વભાવ સારો નથી, પણ વિચારજો મા-બાપે જન્મ આપ્યો છે તો સંતાનોનું અસ્તિત્વ છે!
પ્રભુનો બીજો સંદેશો છે કે – તમારા સુખમાં બીજાને ભાગીદાર બનાવો. સુખનો ભોગવટો તમે એકલા ન કરો. તમારા પરિવારને, સાધર્મિકને હાથ લાંબો ન કરવો પડે એવા ઉદાર બનો. પ્રભુ મહાવીર સ્વામીએ દીક્ષા પૂર્વે એક વર્ષમાં ૩ અબજ, ૮૮ કરોડ, ૮૦ લાખ સોનામહોરનું વર્ષીદાન કરેલ. લોભવૃત્તિ અને પરિગ્રહની આસક્તિને છોડવા માટે દાન અતિ જરૂરી છે.
પ્રભુનો ત્રીજો સંદેશ છે કે – શક્તિનું પ્રદર્શન કરશો નહીં. જીવનમાં પુણ્યના ઉદયે પૈસો પ્રાપ્ત થાય છે. માટે પૈસો કે પાવર બતાવવો નહીં. શક્તિનું પ્રદર્શન કરનારા રાવણ અને કૌરવો રાખમાં રોળાઇ ગયા. સિકંદર જેવાને પણ ખાલી હાથે જ જવું પડ્યું!
પ્રભુનો ચોથો સંદેશ છે કે- નિરાશ કદી બનશો નહીં. ‘શુભે યથાશક્તિ પ્રયત્નીયમ્’ વિકટ પરિસ્થિતિમાં પણ નિરાશાને ખંખેરીને મનોબળ મજબૂત બનાવવું. સંકલ્પથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવો આપણે સહુ માનવભવને સફળ બનાવવા પ્રભુ મહાવીરના ચીંધ્યા રાહે ચાલવા પા પા પગલી ભરીએ. પ્રભુના ત્રણ સિદ્ધાંતમાં (૧) આચારે અહિંસા, (૨) વિચારે અનેકાંત અને (૩) વ્યવહારે અપરિગ્રહની ભાવનાને સધ્ધર બનાવીએ. પ્રભુનો ધર્મ ગુણપ્રધાન છે વ્યક્તિ પ્રધાન નથી. તેથી જ કહેવાય છે કે-જૈન ધર્મ જે પાળે તેનો ધર્મ.
“જીના મરના બડા નહીં હૈ, કુછ કર જાના જીવન હોતા
સૌરભ યશ ફૈલા જિસકા, ધન્ય ધન્ય વહ જીવન બનતા.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.