ઉનાળાની ઋુતુ શરૂ થઈ ગઈ છે અને એની સાથે જ ફળોના રાજા તરીકે ઓળખાતા કેરીની સિઝન પણ આવી ગઈ છે. ભાગ્યે જ તમને કોઈ એવું જોવા મળશે કે જેને કેરી ના ભાવતી હોય. આબાલ વૃદ્ધો સૌની પસંદગીનું ફળ છે કેરી અને એમાં ય પાછા આપણે તો રહ્યા તો ગુજરાતી એટલે કેરીની સિઝન શરૂ થાય ત્યારથી લઈને કેરીની સિઝન પૂરી થાય ત્યાં સુધી કેરીના સ્વાદની મજા માણનારા લોકો… હવે તમારા આ સ્વાદમાં જ જરા વધારો કરવા માટે આજે અમે અહીં તમારા માટે ભારતના આ આઠ જગ્યાએ મળતી બેસ્ટ કેરી અને તેની વિશેષતા જેવી ઈન્ટરેસ્ટિંગ માહિતી લઈને આવ્યા છીએ. રખેને કેરીની સિઝનમાં તમારે આ આઠ જગ્યામાંથી કોઈ જગ્યાએ જવાનું થાય તો તમે ભૂ્લ્યા વિના ત્યાંની એ કેરીની મજા માણી શકો..
હાફૂસ, મહારાષ્ટ્ર
સૌથી પહેલાં તો વાત કરીએ આપણા હોમ ટાઉન મહારાષ્ટ્રની. આપણા મહારાષ્ટ્રમાં અલ્ફાન્સો કે હાફૂસ કેરી ખૂબ જ ફેમસ છે. આ કેરી મહારાષ્ટ્રના રત્નાગિરી, રાયગઢ અને કોંકણ વિસ્તારમાં જોવા મળે છે. આ કેરીનો સ્વાદ ખૂબ જ મીઠો-મધૂરો હોવાને કારણે તે ભારતમાં સૌથી વધુ વેચાતી કેરીઓમાંથી એક છે.
બંગનપલ્લી, આંધ્રપ્રદેશ
મહારાષ્ટ્રથી આગળ વધીએ અને આંધ્રપ્રદેશ પહોંચીએ. અહીંની બંગલપલ્લી કેરી ખૂબ જ ફેમસ છે અને તેનું નામ આંધ્રપ્રદેશમાં આવેલા શહેર બંગનપલ્લે પરથી રાખવામાં આવ્યું છે. જ્યાં તેનું સૌથી વધુ ઉત્પાદન થાય છે અને આ કેરી દક્ષિણ ભારતમાં જોવા મળતી સૌથી વધુ ફેમસ કેરી છે.
દશહરી, ઉત્તર પ્રદેશ
પોલિટિકલ સિટી તરીકે ઓળખાતા ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીંની દશહરી જાતની કેરી ખૂબ જ ફેમસ છે દેશના ઉત્તર ભાગમાં મળતી બેસ્ટમાં બેસ્ટ કેરીની જાત છે આ દશહરી. એમાં પણ ઉત્તર પ્રદેશના મલીહાબાદમાં આ દશહરી કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.
કેસર, ગુજરાત
આપણા ગર્વીલા ગુજરાતનું નામ આવે અને આંખો સામે તરી આવેલ મસ્ત મજાની બહારથી લીલીછમ દેખાતી પણ સ્વાદમાં મધથી પણ મીઠી એવી કેસર કેરી. ગુજરાતની આ કેસર કેરી રસ બનાવવા માટે ખૂબ જ બેસ્ટ છે. ગુજરાતની આ કેસર કેરી તેના સ્વાદ અને સુગંધ માટે જાણીતી છે.
તોતાપુરી, કર્ણાટક
તોતાપુરી એક એવી કેરી છે કે જેનો સ્વાદ ખાટ્ટો, મીઠ્ઠો છે. દક્ષિણ ભારતમાં આ કેરીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને અથાણા બનાવવા માટે આ કેરી ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે. આ સિવાય સેલડમાં પણ આ કેરીનો ઉપયોગ કરવામાં આવે છે. લીલા રંગની દેખાતી આ કેરીનો આકાર પોપટની ચાંચ જેવો હોય છે એટલે તેને તોતાપુરી કેરી નામ આપવામાં આવ્યું છે. મુખ્યત્વે દક્ષિણ ભારતના કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિળનાડુમાં આ કેરીનું ઉત્પાદન થાય છે.
લંગડા, બિહાર
લંગડા કેરી ઉત્તર ભારતની ખૂબ જ પોપ્યુલર કેરી છે. લંગડાનો અર્થ દિવ્યાંગ એવો થાય છે. આ કેરીને આ નામ આપવાામાં આવ્યું એ પાછળની સ્ટોરી એવી છે કે આ કેરી પહેલી વખત બનારસ અને અત્યારના વારાણસી ખાતે એક દિવ્યાંગ વ્યક્તિએ તેના ખેતરમાં ઉગાડી હતી. આજે આ કેરીનું ઉત્પાદન ઉત્તર પ્રદેશ, બિહાર સિવાય મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને પંજાબના અનેક વિસ્તારોમાં કરવામાં આવે છે.
હિમસાગર અને કિશન ભોગ, પશ્ચિમ બંગાળ
કિશન ભોગ કેરીનો આકાર ગોળ હોય છે અને સ્વાદમાં આ કેરી ખૂબ જ મીઠ્ઠી હોય છે. પશ્ચિમ બંગાળમાં કિશન કેરી ખૂબ જ પોપ્યુલર છે. આ કેરી સૌથી વધુ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થાય છે. જ્યારે હિમસાગર કેરીની વાત કરીએ તો આ કેરી અનેક પ્રકારની મિઠાઈ બનાવવામાં આને ડ્રિન્ક્સ બનાવવામાં આ કેરીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
ચૌંસા, હિમાચલ પ્રદેશ
ચૌંસા એ ઉત્તર ભારતમાં જોવા મળતી સૌથી વધુ મીઠી કેરી છે. ચૌંસાએ તેના મીઠા સ્વાદ અને ચળકતા પીળા રંગ માટે ખૂબ જ જાણીતી છે. મુખ્યત્વે તો આ કેરી પડોશી દેશ પાકિસ્તાનમાં ઉગાડવામાં આવે છે, પણ ભારતમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન સહિત અન્ય કેટલાક વિસ્તારમાં પણ હવે આ કેરીનો પાક લેવામાં આવે છે.