વિધાન સભામાં હાલમાં મહારાષ્ટ્રનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં મહિલા અને બાલવિકાસ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ લવ જીહાદ બાબતે એક આશ્ચર્યજનક માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં લવ જીહાદના 1 લાખ કરતાં વધુ કિસ્સા નોંધાયા હતા. આ મુદ્દે વિધાન સભામાં ઘમાસાણ થયું હતું. સત્તાધારી અને વિરોધ પક્ષ વચ્ચે આ મુદ્દે હૂંસાતૂસી થઇ હતી. આ અંગે મળતી માહિતી મુજબ સમાજવાદી પક્ષના ધારાસભ્ય અબુ આઝમીએ માંગણી કરી હતી કે મંગલ પ્રભાત લોઢાએ રાજ્યની જનતાની માફી માંગવી જોઇએ. તેમણે કહ્યું કે,’ લોઢાએ ખોટી માહીતી આપી છે. તેથી તેમણે રાજ્યની જનતાની માફી માંગવી જોઇએ. કારણ કે લવ જીહાદ નામની કોઇ વાત અસ્તિત્વમાં જ નથી.’ અબુ આઝમીની આ માંગણીને જિતેન્દ્ર આવ્હાડે પણ સપોર્ટ કર્યો હતો.
આ તમામ વિરોધ વચ્ચે શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલ મંગલ પ્રભાત લોઢાના બચાવમાં મેદાનમાં ઉતર્યા હતા. પાટીલે કહ્યું કે, ‘જેમને એમ લાગે છે કે લવ જીહાદ જેવી કોઇ વસ્તુ નથી હોતી તો તેમણે મારા ગામમાં આવવું જોઇએ. મારા ગામમાં જ આવી બે ઘટનાઓ બની છે. ’ પાટીલે આવ્હાડને કહ્યું કે ‘તમે મુંબ્રામાં રહો છો એટલે બોલશો જ નહીં. તમને એમની (મુસ્લીમ મતદારો) ગરજ છે એટલે બોલી રહ્યા છો.’ ત્યાં લોઢાના સમર્થનમાં ધારાસભ્ય આશિષ શેલાર પણ મેદાનમાં ઉતર્યા હતા. શેલારે કહ્ય કે, ‘મંગલ પ્રભાત લોઢાએ માફી કેમ માંગવી જોઇએ તે હિન્દુ બહેનો માટે વાત કરી રહ્યાં છે શું એટલા માટે એમણે માફી માંગવી જોઇએ?’ જોકે આ તમામ વિવાદમાં અજીત પવારે વચ્ચે પડી વાતને વધતી રોકી હતી. વિરોધ પક્ષ નેતા અજીત પવારે આ વિવાદ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પવારે કહ્યું કે, ‘અધ્યક્ષ મહોદય મને બીજા વિષયો પર બોલવાની પરવાનગી આપો મંગલ પ્રભાત લોઢાએ જે વિષય રજૂ કર્યો છે અને જિતેન્દ્ર આવ્હાડ, ગુલાબરાવ પાટીલ, આશિષ શેલાર આ લોકોએ જે વક્તવ્ય કર્યું છે એમાંથી શું યોગ્ય છે તે લઇ લો અને જે અયોગ્ય છે એને બાજુએ મૂકી આગળનું સત્ર શરુ કરો.’