માંડવીના ગોધરામાં જર્જરિત ટાવર પર લહેરાતો તીરંગો ઉતારવા ચઢેલા યુવકનું ટાવર તૂટતા મોત

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છના બંદરીય માંડવી તાલુકાના ગોધરા ગામની અંબેધામ શાળામાં બનેલી એક કરુણાંતિકામાં તિરંગો ઉતારવા વાઈફાઈ નેટવર્કના ટાવર પર ચડેલાં યુવકનું જર્જરિત ટાવર તૂટી પડતાં નીચે પટકાવાથી મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી.
આ અંગે પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અંબેધામ શાળાના વાઇફાઇ ટાવર પર દેશના ૭૬માં સ્વાતંત્ર પર્વની ઉજવણી માટે ’હર ઘર તિરંગા’ અંતર્ગત ફરકાવવામાં આવેલા તિરંગાને ઉતારવા ટાવર પર ચડેલો ગોધરા ગામનો રહેવાસી અને અહીં નોકરી કરતો હતભાગી ૨૪ વર્ષીય જીગર શાંતિલાલ સાવલા ટાવર પર ચડ્યો હતો. ટાવર જર્જરિત હોવાથી અચાનક તૂટી પડતાં લોખંડના કટાયેલા એંગલો સહીત ૨૪ ફૂટ જેટલી ઊંચાઇએથી જીગર નીચે પટકાયો હતો જેમાં તેને માથામાં ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે માંડવી બાદ ભુજ ખસેડાયો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.
હાલ પોલીસે આકસ્મિક મોત થવા અંગેની નોંધ લઇ, જર્જરિત ટાવર ઉપર ચઢીને રાષ્ટ્રધ્વજ નીચે ઉતારવા મૃતકને કોણે ફરજ પાડી તે જાણવા સહિતની તપાસ હાથ ધરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.