એક ખૂબ જ વિચિત્ર અને કરૂણ કહી શકાય એવા કિસ્સામાં એક માણસને તેની માણસાઈ નડી ગઈ હતી અને તેણે જીવ ગુમાવવો પડ્યો હતો. અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલ સામે જ એક કારચાલકે ત્રણ બાઈકસાવરને ઠોકી દીધા હતા. અહીંથી પસાર થનારા અરવિંદ ચૌહાણ આ બાઈકસવારોને બચાવવા ગયો, પરંતુ માથું ફરેલા કારચાલકે તેને જ કાર નીચે કચડી નાખ્યો હતો. અરવિંદ 43 વર્ષનો હતો અને નજીકની સોસાયટીમાં રહતો હતો.
આ બાઈકચાલકોએ કરેલી પોલીસ ફરિયાદ અનુસાર કારચાલકનું નામ ધ્રુવિન ઓડ હતું અને તેની સાથે કારમાં તેના પિતા અને સંબંધી બેઠા હતા. હકીકતમાં બાઈકચાલકો અને કારચાલકો વચ્ચે બાંધકામ સમયે બહાર નીકળતા કાટમાળને લઈને થોડીવાર પહેલા મોટો ઝગડો થયો હતો અને ઝગડાએ હિંસક રૂપ ધરાણ કર્યું હતું. આ દરમિયાન રાજુ ભિખાજી નામના એક શખ્સને માથામાં ભારે ઈજા થતાં તેના બન્ને પિતરાઈ તેને બાઈકમાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. તેઓ હોસ્પિટલ પાસે પહોંચ્યા ત્યાં જ ધ્રુવિનની કારે તેને ટક્કર મારી હતી.
આ આખી ઘટનાથી અજાણ અરવિંદ માત્ર માનવતાના ધોરણે બાઈકસવારોને મદદ કરવા દોડ્યો હતો, પરંતુ કારચાલકોએ તેના પર બે વાર કાર ફેરવી તેને મારી નાખ્યો હતો અને ત્યાંથી ભાગી ગયા હતા. દરમિયાન અન્ય લોકોએ આવી બાઈકસવારોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને પોલીસ બોલાવી હતી. વાસણા પોલીસે ગુનેગારોને પકડી કાર્યવાહી શરૂ કરી છે. જોકે આ આખી ઘટનામાં નિર્દોષ અરવિંદનો જીવ ગયો છે.