માણસ ગમે તેટલો સુંદર બનવાનો પ્રયત્ન કરી લે, કુદરતની તોલે ક્યારેય ન આવી શકે…

ઉત્સવ

૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈ પર કુદરતનું ફાઈન આર્ટ: લદાખ એટલે કુદરતની કવિતા

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

કંઈક અલગ જ વિશ્ર્વમાં કોઈ આપણને મૂકી દે જાણે આપણે કોઈ નવા જ ગ્રહ પર આવી ગયા હોઈએ, જ્યાં નજર કરીએ ત્યાં અલગ અલગ રંગે રંગ્યા હોય એવા પહાડો, સફેદ રૂની પૂણી સમાં વાદળો બરફાચ્છાદિત પહાડોની ટોચ સાથે ગોસિપ કરવા બેસી ગયા હોય એવાં દૃશ્યો, બારીકાઈથી કોઈ કુશળ કારીગરે કોતરીને બનાવ્યા હોય એવા આકારની શિલાઓથી બનેલા પહાડોનો સમૂહ, નાનાં ભૂલકાંઓ ઉત્સાહથી ઉતાવળા પગલે શાળાએ જતાં હોય એમ ઠેર ઠેર વહેતી પાણીની સરવાણીઓ અને પથ્થરો સાથે અથડાવાથી રચાતું કર્ણપ્રિય સંગીત, તળિયું દેખાય પણ ત્વરાથી વહેતી યુવા ક્ધયા જેવી દીસતી વેગવંતી સિંધુ – ખળખળ વહેતી સિંધુનો પ્રવાહ જોઈને મન ટાઈમ મશીનની જેમ સિંધુ સભ્યતાની સંસ્કૃતિ સુધી પહોંચી જાય. અસીમ શાંતિનો સંદેશ આપતા અને શાંતિ સાથે લહેરાતા પ્રેયર ફ્લેગ્સ, નિર્દોષ હાસ્ય સાથે મહાલતા નાનકડા બૌદ્ધ લામાજી, પહાડની ટોચે આવેલા બૌદ્ધ મઠ. આ સઘળું ઉછેટીને મુઠ્ઠીમાં લઈને આવવું હોય તો ભારતનું આ અલાયદું વિશ્ર્વ તમારી રાહ જોઈ રહ્યું છે.
લદાખ વિસ્તારમાં આવેલું લેહ, લદાખનું મુખ્ય મથક છે. સમુદ્રની સપાટીથી આશરે ૧૨,૦૦૦ ફૂટ ઊંચાઈ પર આવેલું આ શહેર નાનકડું છતાં એટલું ખૂબસૂરત છે કે અહીં તમે દિવસોના દિવસો વિતાવી શકો. વિશ્ર્વના સહુથી સુંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત, સૂર્યોદય સમયે વાદળો સાથે રમાતી રંગોની રમત આ બધું જ લેહ શહેરમાં માણી શકાય છે. અહીં કુદરતના દરેક મિજાજને આખા દિવસ દરમ્યાન માણી શકાય છે. ઉનાળામાં ફરવા માટે લદાખથી શ્રેષ્ઠ જગ્યા ભારતમાં બીજી કોઈ જ ન હોઈ શકે. અહીં દરેક પથ્થરમાં શબ્દો રમી રહ્યા હોય એવો અનુભવ થાય. કુદરતે ફાઈન આર્ટમાં, આર્કિટેક્ચરમાં, અપ્લાઇડ આર્ટમાં, સાહિત્યમાં બધે જ પીએચ.ડી. કર્યું હોય એવો ભાસ થાય. લેહ શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ વિશ્ર્વના સહુથી ઊંચાઈ પર આવેલા દુર્ગમ રસ્તાઓ વાહનવ્યવહાર માટે ખૂલી જાય છે અને બુલેટના અવાજથી ધમધમી ઊઠે. વિશ્ર્વભરના લોકો અહીં જીવનની શ્રેષ્ઠ પળો માણવા માટે આવે છે.
લેહ પહોંચવા માટેના બે જ રસ્તા છે, હિમાચલ પ્રદેશના મનાલીથી શરૂ કરીને બે દિવસની મુસાફરી પછી તમે લેહ પહોંચી શકો. આ ઉપરાંત શ્રીનગરથી આ જ રીતે શરૂ કરીને બે દિવસમાં જોઝીલા પાસ થઈને લેહ પહોંચી શકો. આ સિવાયનો સરળ વિકલ્પ દિલ્હીથી લેહની દરરોજે ફ્લાઇટ પણ ઉપલબ્ધ છે. જોકે સીધું જ આટલી ઊંચાઈ પર ફ્લાઈટથી પહોંચવા કરતાં જમીન માર્ગ વધારે હિતાવહ છે. ખરો આનંદ એ રસ્તાઓ પરની મુસાફરીનો છે. એકાદ દિવસ મનાલીમાં વિતાવ્યા પછી લેહ જવા માટે વહેલી સવારે શરૂ કરીએ તો ઝિસ્પા સુધી પહોંચી શકાય, ઝિસ્પામાં રહેવા માટે ખૂબ જ સસ્તા દરે સ્વિસ ટેન્ટ ઉપલબ્ધ હોય છે. ઝિસ્પાની રાત્રે આકાશદર્શન કરવું એ ક્યારેય ન ચૂકી શકાય એવો લહાવો છે. ઝિસ્પાથી ફરી વહેલા શરૂ કરીએ તો સાંજ ઢળતાં પહેલાં જ નજર સામે સ્તોક રેન્જ પાર સૂર્યની સોનેરી ઝાંય કોઈનું પણ મન મોહી લે. લેહ શહેર આવતાં જ કોઈ અજાણ્યા ગ્રહ પર જીવન ધબકતું જોવા મળે. અહીં બધા જ પ્રકારની હોટેલ, હોમસ્ટે ઉપલબ્ધ છે. લેહ પહોંચ્યા પછી એકાદ દિવસ શાંતિ સ્તૂપ, લેહ મ્યુઝિયમ, લેહ પેલેસ, જૂનું લેહ ગોમ્પા અને જર્મન બેકરી જેવી જગ્યાઓ માણી શકાય. અહીં દિવસભર ફરવા માટે ૧,૦૦૦ રૂ. આસપાસ ટેક્સી સરળતાથી મળી રહે છે. અહીં ભાડે બુલેટ, એક્ટિવા બધું જ ખૂબ સરળથી મળી રહે છે. લેહ અહીંના લોકોના સત્કાર અને અહીંની લોક સંસ્કૃતિ માટે વખણાય છે.
લદાખના મુખ્ય અને વિશ્ર્વના સહુથી ખૂબસૂરત વિસ્તાર તરફની મુસાફરી બીજા દિવસે વહેલી સવારથી જ કરી શકાય. ટેક્સી કે બુલેટ મારફતે આ સફર કરવા માટે ઇનર લાઈન પરમિટની જરૂર પડશે. આગળની મુસાફરી મોટા ભાગે ઇન્ટરનેશનલ બોર્ડર હોય એવા અંતરિયાળ વિસ્તારમાં છે. અહીંનાં નાનકડાંશાં ગામડાંઓ ખૂબ જ આકર્ષક હોય છે. અહીં આશરે ૧૦થી ૧૨ ખોરડાઓનાં જ ગામડાં છે. સફરની શરૂઆતમાં જ વિશ્ર્વની સહુથી વધુ ઊંચાઈએ આવેલો મોટરેબલ રોડ ખાર દુંગલા પાસ આવશે. અહીં વિશ્ર્વનું સહુથી ઊંચાઈ પર આવેલું કેફે છે જ્યાં ચાની ચૂસકી લઇ શકાય. ખાલસર આવતાં જ ખળખળ વહેતી શ્યોક નદી સફરમાં સાથે જોડાશે. આંખો પર વિશ્ર્વાસ ન આવે એટલા સરસ ભૂરા રંગના વહેણથી ત્વરાથી વહેતી શ્યોક નદી પાકિસ્તાન તરફ ખૂબ જ પહોળા પટમાં વહેતી અહીં જોવા મળશે. રસ્તામાં નદી સાથે સાથે રેતાળ રણપ્રદેશ અવાચક કરી મૂકશે. નુબ્રા વેલીમાં ડિસ્કીટ આવતાં જ પહાડોમાં વિશાળ શાંતિમય મુદ્રામાં બુદ્ધ ભગવાન દેખાશે જે મૈત્રેય બુદ્ધ છે. અહીં વર્ષો જૂના બૌદ્ધ મઠ છે. ડિસ્કીટમાં રહેવા માટે હોટેલ્સ ઉપલબ્ધ છે, એ સિવાય આગળ જતાં હુન્ડેર આવશે જ્યાં અદ્ભુત રેતીના ઢૂવાઓનું વિશાળ રણ છે. અહીંની રંગીન મિજબાની એટલે નુબ્રા હિમાલયની ભૂમિ મને એટલી આકર્ષે છે કે હું સમય કે કમ્ફર્ટ જોયા વિના જ નીકળી પડું છું.
નુબ્રા વેલીમાં આવેલ રણ અને પર્વતોમાં મને સમુદ્રનો આભાસ મળે છે. રણ અને સમુદ્ર બંને સરખા જ અફાટ અને અમાપ હોય છે એવું જ કંઈક હિમાલયના આ વિસ્તારમાં અનુભવી શકાય છે જો તમે ખરેખર એક મુસાફર તરીકે નુબ્રામાં સમય વિતાવો તો. રોજ ઢળતી સાંજે રેતી સોનેરી આવરણ ધારણ કરીને ધરણીને અદકેરું સૌંદર્ય બક્ષે છે તેના સાક્ષી બની રહ્યા હોઇએ ત્યારે
સરકતી દરેક પળ જાણે એક સુંદર કવિતા જ જાણી લો. હિમાલયનો ઇતિહાસ જોઈએ તો હિમાલયના સ્થાન પર પહેલાં મહાસાગર હતો. મહાસાગરના અવશેષો સાથે વિશ્ર્વનું સહુથી ઊંચું રણ એટલે કારાકોરમ રેન્જનું નુબ્રા. અહીં બે ખૂંધવાળા ઊંટ જોવા મળે છે અને એના પર કેમલ સફારી પણ કરી શકાય છે. અહીં પણ રાત્રે આકાશદર્શન કરી શકાય. અહીં રણમાં જ રહેવા માટે ટેન્ટ મળી રહે છે.
વહેલી સવારે નુબ્રા વેલી છોડીને શ્યોક વેલી થઈને વિશ્ર્વના સહુથી ઊંચા ખારા પાણીના વિશાળ સરોવર પેન્ગોન્ગ લેક જઈ શકાય. આ જગ્યા ભૂરા રંગના દરેક શેડ્સ માટે વિશ્ર્વવિખ્યાત છે. ૧૪૮ કિ.મી. લાંબા અને પાંચેક કિ.મી. પહોળાઈ ધરાવતા આ સરોવરનો મોટા ભાગનો હિસ્સો ચીનમાં આવેલો છે. અહીં સરળતાથી ટેન્ટ અને જમવા માટે પરાઠા તથા સાદું ઉત્તર ભારતીય ભોજન મળી રહે છે. અહીંથી પરત લેહ શહેર અને લેહથી ફરી મનાલી અથવા શ્રીનગર જઈ શકાય. અહીંથી પરત ફરતાં રસ્તામાં સ્તકના અને થિક્સે મોનેસ્ટરી આવે છે ત્યાં જવાની તક ચુકાઈ એમ નથી. સિંધુ નદીના કાંઠે આવેલી બંને મોનેસ્ટરી એના કુદરતી સૌંદર્ય માટે જાણીતી છે.
લદાખને ખૂંદવા માટે મહિનાઓ પણ ઓછા પડે, પણ સરળતાથી લદાખની મુલાકાત લેવી હોય તો આ રીતે ચોક્કસપણે જઈ શકાય છે. અહીં મુસાફરીનો શ્રેષ્ઠ સમય જૂનથી ઓક્ટોબર છે.
કેટલું વહાલ ઊપજે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.