ચારિત્ર્ય પર શંકા કરીને પત્નીને ઉંઘમાંથી ઉઠાડી હત્યા કરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ગાઝિયાબાદ જિલ્લાના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક યુવકે તેની પત્નીને બેઝબોલથી માર્યા પછી તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હોવાનો હિચકારો બનાવ બન્યો હતો. હત્યા બાદ આરોપી યુવક તેના પરિવારના સભ્યો સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતકના પરિવારે સાસરા પક્ષના સાત લોકો સામે દહેજ મૃત્યુનો કેસ દાખલ કર્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ગાઝિયાબાદના કેફે ઓપરેટર ગૌરવના લગ્ન નવ મહિના પહેલા ટીના જયવીર સિંહ સાથે થયા હતા. તે તેની પત્ની સાથે બીજા માળે રહેતો હતો જ્યારે બે ભાઈઓ અને માતા-પિતા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા. ગૌરવના નશાના કારણે લગ્નના થોડા મહિનાઓ બાદ બંને વચ્ચે દહેજ બાબતે ઝઘડો શરૂ થયો હતો. મસૂરી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે પણ ગૌરવ અને ટીના વચ્ચે ઝઘડો થયો હતો.
સોમવારે સવારે ચાર વાગ્યે નશામાં ધૂત ગૌરવે ટીનાને બેઝબોલ વડે માર મારવાનું શરૂ કર્યું હતું. ચીસોના અવાજ છતાં ઘરમાં હાજર સભ્યોમાંથી કોઈએ ટીનાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. ગૌરવ રૂમનો દરવાજો બંધ કરીને ટીનાને ઝૂડતો રહ્યો. જ્યારે ટીના બેહોશ થઈ ગઈ, ત્યારે તેણે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને ઘરેથી ભાગી ગયો.
પોલીસે ગોવિંદપુરમના પાર્કમાંથી ગૌરવની ધરપકડ કરી તેની પૂછપરછ કરી હતી. ગૌરવે જણાવ્યું કે તેના લગ્ન નવ મહિના પહેલા ડિસેમ્બર 2021માં ટીના સાથે થયા હતા. ગૌરવને હંમેશા એમ લાગતું હતું કે ટીના તેને પ્રેમ કરતી નથી પણ, તેના નાના ભાઈની ખૂબ કાળજી લે છે. તેને શંકા હતી કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જોકે, તેને આ અંગે કોઈ પુરાવા મળ્યા નહોતા.
ગૌરવે પોલીસને જણાવ્યું હતું કે તે ટીનાથી અલગ થવા માંગતો હતો. આ માટે તે બે દિવસ પહેલા ઘરેથી ભાગીને જયપુર ગયો હતો. પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા અને રવિવારે તેને ત્યાંથી લઈ આવ્યા હતા. ગૌરવને લાગ્યું હતું કે આવી રીતે તો તે ટીનાથી અલગ થઇ શકશે જ નહીં, તેથી તેણે ટીનાને મારવાનું નક્કી કરી લીધું હતું. રાતના તે ચિક્કાર દારૂ પીને ઘરે આવ્યો. સવારે ચાર વાગે તેણે ટીનાને ભરઉંઘમાંથી જગાડી માર મારવાનું શરૂ કર્યું હતું. તેણે બેઝબોલના બેટથી ટીનાના માથા પર વારંવાર વાર કર્યા હતા, જેને કારણે ટીના બેહોશ થઇ નીચે પડી ગઇ હતી. ગૌરવને લાગ્યું કે ટીના હજી જીવે છે, એટલે એણે દુપટ્ટાથી ટીનાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ ઘરનો દરવાજો ખોલીને જતો રહ્યો હતો.
પોલીસે હત્યામાં વપરાયેલું બેટ અને દુપટ્ટો કબજે કર્યો છે. ગૌરવે પત્ની પર શંકાના કારણે હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.