Homeધર્મતેજમાણસ કોઈને કોઈ વસ્તુથી બંધાયેલો છે

માણસ કોઈને કોઈ વસ્તુથી બંધાયેલો છે

લોભ અને મોહમાંથી મુક્ત થવાનું એટલું સહેલું નથી

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

લોભ અને મોહ એ માણસના બે મોટા શત્રુઓ છે. આ બંને છુપા રુસ્તમ જેવું કામ કરે છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, તારું મારું આ બધું તેમાંથી ઊભું થાય છે. મોહ કેટલીક વખત બહાર ડોકિયું કરે છે. પરંતુ લોભ બિલકુલ દેખાતો નથી. મોહ માણસની આંખોમાં દેખાય, ક્રોધ ચહેરા પર નજરે પડે પણ લોભ ઉપર છેલ્લી રીતે દેખાતો નથી. લોભી માણસ પણ પોતાનો લોભ છુપાવી શકે છે. લોભના કારણે ભેગું કરવાની અને પરિગ્રહની ભાવના વધે છે . કોઈ વસ્તુ છૂટતી નથી.અને મોહથી માણસ કોઈને કોઈ વસ્તુ સાથે બંધાતો રહે છે. આપણે આપણામાં નથી જીવતા પણ કોઈ બીજી વસ્તુઓમાં જીવી રહ્યા છીએ. કોઈનો મોહ ધનમાં તો કોઈનો પદ પ્રતિષ્ઠામાં હોય છે. જેના તરફ મોહ હોય તે આપણા જીવનનું કેન્દ્ર બની જાય છે. તેના વગર આપણે જીવી શકતા નથી. જેનો મોહ ધનમાં હોય તેને બીજી કોઈ રીતે મહાત કરી શકાય નહીં. પરંતુ તેનું ધન ચાલ્યું જાય કે લૂંટાઈ જાય કે જાય તો તે મરી ગયો સમજો. જેમનો મોહ પદ પ્રતિષ્ઠામાં હશે તેમને આ છીનવાઈ જાય તો જીવવા જેવું નહીં લાગે. કોઈ સ્ત્રી પાછળ મોહીત હોય અને એ સ્ત્રી તેને દગો આપે તો તેનું જીવન આકારુ થઈ પડશે. કોઈ પુત્રના, તો કોઈ પત્નીના મોહમાં અંધ બની જાય છે. આપણે જેની સાથે બંધાયેલા હોઈએ તે આપણા જીવનનું લક્ષ્ય અને કેન્દ્ર બની જાય છે. અને આપણે તેની ચાલે ચાલવું પડશે. તેના દુ:ખનો પરિતાપ પણ આપણે સહન કરવો પડશે. જ્યાં આપણો જીવ લગાવી દીધો છે તેના આપણે ગુલામ બની જઈશું
મોહ અને આસક્તિ એવી ચીજ છે જેમાં આપણે નાની, નકામી વસ્તુઓ સાથે બંધાઈ જઈએ છીએ. અને તેને છોડવાનું મુશ્કેલ બને છે. લોભી ધનથી બંધાયો રહે છે. તે રૂપિયા ગણ્યા કરે છે. અને વારંવાર તેનું રટણ કર્યા કરે છે. દાન આપીને તમે તેને યાદ કર્યા કરો તો એ સાચું દાન નથી. દાનમાં તો આપીને ભૂલી જવાનું હોય છે. ત્યાગમાં મનથી મુક્ત થવાનું છે.
સંત કબીરના શિષ્યોમાં શ્રીમંતો સાથે નિર્ધન અને મધ્યમ વર્ગના લોકો પણ હતા. કબીર એક વખત ત્યાગનો મહિમા સમજાવતા હતા. ત્યારે એક શિષ્યે કહ્યુ કે અમારી પાસે કશું જ નથી તો પછી અમે શેનો ત્યાગ કરીએ ? કબીરે પૂછ્યું તમારી પાસે શું નથી. એક જણે કહ્યું મારી પાસે સારું ઘર નથી. બીજાએ કહ્યું મારી પાસે મોટું ખેતર નથી. ત્રીજાએ કહ્યું મારી પાસે ઢોર ઢાખર નથી. એક સ્ત્રીએ કહ્યું મારી પાસે સારાં કપડાં અને સોનાના ઘરેણા નથી.
કબીરે કહ્યું ; ભલે તમારી પાસે કાંઈ નથી છતાં તમે ત્યાગ કરી શકો છો. લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા. એકે કહ્યું તો અમે શું કરીએ ? કબીરે કહ્યું ; તમારી પાસે જે નથી તે ભાવનાનો ત્યાગ કરો. અને સમજો કે તમારી પાસે ઘણું છે. ગરીબમાં ગરીબ માણસ પણ પોતાની પાસે જે કાંઈ હોય તેમાંથી થોડું બીજાને આપી શકે છે. વસ્તુ ભલે આપણી પાસે ન હોય પણ મનથી પણ તેમાંથી છૂટી જઈએ. તેની ઈચ્છા અને એષણા ન રાખીએ તો પણ એ ત્યાગ છે.
ત્યાગની આ વાતને ઓશોએ કબીર અંગેની એક કથામાં યથાર્થ રીતે સમજાવી છે. આપણે ટૂંકમાં તેનો સાર સમજીએ. કબીર કહેતા કે સોનુ માટી છે. કંચન કામિનીથી બચો. તેના દીકરા કમાલને આ વાત ગળે ઉતરતી નહીં. જો સોનું માટી હોય તો તેનાથી બચવું શા માટે ?
કોઈ સોનું ચાંદી કે કોઈ કિંમતી વસ્તુ ભેટ આપવા આવે તો કબીર તેને નકારી કાઢતાં અને કહેતાં આ માટીને મારી પાસે થી લઇ જાવ. બાજુની ઝૂંપડીમાં રહેતો કમાલ ભેટ આપવા આવતાં લોકોને પોતાની ઝૂંપડીમાં બોલાવીને કહેતો આ માટી છે તો અહીં મૂકતાં જાવ. ક્યાં સુધી મોહ રાખશો, છોડો ત્યાગ કરો. ગરીબ ગુરબાઓને કામ લાગશે.
આથી કબીરને ખૂબ દુ:ખ થતું મેં આ માણસને કાઢ્યો અને કમાલે તેની પાસેથી ભેટ લઈ લીધી. લોકો શું વિચારશે ? તેમને થશે કે બાપ દીકરાની આ યુક્તિ લાગે છે. તેથી કબીરે કમાલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા.
કાશી નરેશના કાને આ વાત ગઈ. તેને થયું ચાલો જોઈએ કે વાત શું છે. તે સાચો સંત છે કે ધુતારો છે. તેને કમાલની પરીક્ષા કરવાનું મન થયું. તેને ભેટ આપવા માટે એક કિંમતી હીરો લાવ્યા.
કમાલે તેમને કહ્યું તમે ખરેખર ત્યાગ કરવા માંગો છો ? નરેશે કહ્યું બિલકુલ હું આપને માટે લાવ્યો છું. કમાલે કહ્યું તો પછી લાવી લાવીને આ પથ્થર લાવ્યા. તેને ન ખાઈ શકાય ન તો પી શકાય. ફળ કે મીઠાઈ હોત તો જુદી વાત હતી. આ હીરો મારા માટે શા કામનો ?
નરેશે વિચાર્યું અરે લોકો તો કહેતા હતા કે તે બધું રાખી લે છે. અને આ તો તદ્દન જુદી વાત કરે છે. તેમણે હાથ જોડીને કમાલને કહ્યું મારી આંખો ખુલી ગઈ છે. મેં તો આપના સંબંધમાં કંઈક જુદુ સાંભળ્યું હતું. કાશી નરેશ ઉઠીને હિરો લઈ ચાલવા લાગ્યા તો કમાલે કહ્યું હવે લાવ્યા છો તો આ માટી પાછી ક્યાં લઈ જાઓ છો મૂકી જાવ. એનો મોહ છોડી દો.
કાશી નરેશને થયું આ માણસ તો હદ કરે છે. પહેલા તો એવું લાગ્યું કે મહાત્મા જેવી વાતો કરે છે. હવે બરાબર યુક્તિ કરી રહ્યો છે. પાકો
ખેલાડી છે.
પરંતુ નરેશ તો પરીક્ષા લેવા આવ્યા હતા. એટલે તેણે પૂછ્યું હીરાને ક્યાં રાખું ? કમાલ હસવા લાગ્યો અને કહ્યું તો પછી તમે આ હીરાને પાછો લઈ જાવ. તમે પૂછો છો ક્યાં રાખું? તમને હજુ આ હીરો દેખાય છે. આસક્તિ અને મોહ છૂટતો નથી. અરે પથ્થર માટે કોઈ પૂછતું હશે કે ક્યાં રાખું. ઝૂંપડીમાં ગમે ત્યાં તમને મરજી થાય ત્યાં રાખી દો.
નરેશ ખૂબ વિમાસણમાં પડી ગયા હવે શું કરવું. તેમણે હીરાને થેલીમાં મૂકીને ત્યાં ઝૂંપડીના છાપરામાં ઘાસનું પડ હતું તેમાં થેલી મૂકી દીધી. તેમને થયું કે હું બહાર નીકળીશ કે આ ધુતારો હીરો કાઢી લેવાનો છે.
લગભગ ૧૫ દિવસ પછી નરેશ જોવા આવ્યા કે પરિસ્થિતિ શું છે. કમાલ તો મસ્ત બનીને બેઠો હતો. થોડો વખત આડી અવળી વાત કરી પછી પૂછ્યું મેં આપેલા હીરાનું શું થયું ? કમાલે કહ્યું; કયો હીરો ? નરેશે કહ્યું અરે હદ કરો છો તમને પંદર દિવસ પહેલા એક કીમતી હીરો આપી ગયો હતો. શું ભૂલી ગયા? કમાલે કહ્યું હા હવે યાદ આવ્યું તમે એક પથ્થર લાવ્યા હતા અને પૂછતા હતા ક્યાં રાખું. તે તો તમે જ્યાં રાખી ગયા હતા ત્યાંથી કોઈએ લીધો નહીં હોય તો ત્યાં જ હશે અને જો કોઈ લઈ ગયું હશે તો મને ખબર નથી.
નરેશ વિચાર્યું પાક્કો ચાલબાજ છે. હીરો કાઢી લીધો લાગે છે અને કહે છે કોઈ લઈ ગયું નહીં હોય તો તમે જ્યાં મુક્યો હશે ત્યાં હશે અને કોઈ લઈ ગયું હશે તો હું શું કરી શકું ?
તેમ છતાં નરેશે ઊઠીને જોયું તો જ્યાં થેલી ઘાસમાં મૂકી હતી તેમાં હીરો સલામત હતો. કાશી નરેશ કમાલના ચરણોમાં પડી ગયા અને કહ્યું મેં તમને સમજવામાં ભૂલ કરી છે.
કમાલે કહ્યું શા માટે પગમાં પડો છો ? તમે ક્યારેય સમજશો ? તમો હજુ હીરાના મોહમાં છો. આ પગમાં પડવાનું કારણ હીરો પાછો મળી ગયો. જો તે ત્યાં ન મળત અને કોઈ લઈ ગયું હોત તો તમે જરૂર માની બેસત કે મેં જ હીરો કાઢી લીધો છે. હવે મહારાજ તમે તેને છાતીએ વળગાડી લો. તમારે મન હજુ હીરાનું મૂલ્ય છે. હીરો મળી ગયો તો તમે પગમાં પડ્યા અને હીરો ન મળત તો તમે મારી ગરદન કાપી નાખત. એટલે જ મેં આપને પ્રથમ પૂછ્યું હતું કે ખરેખર તમે ત્યાગ કરવા માંગો છો. જેનો મોહ ગયો નથી તે ત્યાગ કઈ રીતે કરી શકે ?
મોહ પર વિજય મેળવવો એટલે બંધનમાંથી મુક્ત થવું જ્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુથી બંધાયેલા રહીશું ત્યાં સુધી મુક્ત બની શકીશું નહીં.
હું કોઈ ઉપર નિર્ભર નથી. કોઈ મને ચલિત કરી શકે નહીં એવી પ્રતીતિ એ આમાંથી મુક્ત થવાનો માર્ગ છે.

RELATED ARTICLES

Most Popular