મુંબઈઃ ઉતરાયણનું પર્વ નજીકમાં છે ત્યારે ગુજરાત એકલામાં નહીં, પરંતુ મુંબઈમાં પણ પતંગની દોરીથી લોકોને ઈજા પહોંચવાના કિસ્સા બની રહ્યા છે, જેમાં સોમવારે મુંબઈમાં એક શખસને ઈજા પહોંચી હતી. આ બનાવમાં 51 વર્ષના આધેડને ગંભીર ઈજા પહોંચ્યા બાદ પ્લાસ્ટિક સર્જરી કરાવવાની નોબત આવી હોવાનું જણાવ્યું હતું.
મુંબઈના વાકોલા ખાતે 51 વર્ષીય શખસ બાઈક લઈને એરપોર્ટ જઈ રહ્યો હતો ત્યારે તેને પતંગની દોરીનો જોરદાર ઘસરકો લાગ્યો હતો, જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ શખસની ઓળખ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર જસબીર સિંહ બતરા (51) તરીકે કરી છે. તે બાઈક લઈને એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો ત્યારે તે અકસ્માતનો ભોગ બન્યો હતો, જેમાં તેના હાથ અને નાક પર ઈજા પહોંચી હતી, જેમાં ટાંકા પણ લેવામાં આવ્યા હતા. શરુઆતમાં તેઓ પાલિકા સંચાલિત વીએન દેસાઈ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે પહોંચ્યા હતા ત્યાર બાદ પ્લાસ્ટિક સર્જરી માટે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા, એવું અધિકારીએ જણાવ્યું હતું. ઉતરાયણ (14મી જાન્યુઆરી)ને ટાણે લોકો પતંગ ચગાવતા હોય છે, પરંતુ તેમને વાહનચાલકોની અવરજવરને પણ ધ્યાનમાં રાખવાનું જરુરી છે, એમ તેમણે જણાવ્યું હતું.