Homeઉત્સવમાણસ કપરા સંજોગોમાં હાર ન સ્વીકારી લે તો રસ્તો મળી જ રહેતો...

માણસ કપરા સંજોગોમાં હાર ન સ્વીકારી લે તો રસ્તો મળી જ રહેતો હોય છે

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા દિવસો અગાઉ એક જૂના પરિચિત મળી ગયા. તેમને કોરોનાને કારણે ધંધામાં મોટો ફટકો પડ્યો હતો. અને છેવટે તેમણે એ ધંધો બંધ કરી દીધો. એ પછી તેઓ જીવનથી હતાશ થઈ ગયા છે અને હંમેશાં નિરાશાજનક વાતો જ કરતા રહે છે. આ વખતે પણ તેઓ મને મળ્યા એટલે તેમણે રોદણાં રડવાનું શરૂ કર્યું.
તેમણે કહ્યું કે “મારો ધંધો ખતમ થઈ ગયો. હવે ફરી ઊભા થવાનું મુશ્કેલ છે.
મેં તેમને કહ્યું, “તમારામાં ધંધો કરવાની કુનેહ છે, કશુંક નવું કરો.
તેમણે કહ્યું, “સલાહ આપવી સહેલી છે. વાસ્તવમાં ધંધો કરવો એ લોઢાના ચણા ચાવવા સમાન છે. અને હવે ઉપરથી સરકાર જીએસટીનું તૂત લઈને બેસી ગઈ છે. હવે કોઈ વેપારીઓ અગાઉની જેમ ધંધો નહીં કરી શકે. મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે કોરોનાને કારણે મોટા ભાગના વેપારીઓને ફટકો પડ્યો છે, પણ કેટલાક અપવાદ બાદ કરતા બધા ફરી ધંધો કરવા લાગ્યા છે. કોઈનો ધંધો બંધ થઈ ગયો તો તેમણે બીજો ધંધો શરૂ કર્યો છે. તમે શાંત ચિત્તે વિચારશો તો કોઈ ને કોઈ રસ્તો મળી આવશે.
તેમણે નિરાશ ચહેરે માથું ધુણાવીને કહ્યું, “હું વિચારી વિચારીને ગાંડો થઈ ગયો છું, પણ મને કોઈ રસ્તો સૂઝતો નથી.
તેમની માનસિકતા જોઈને મને એક પ્રાચીન કથા યાદ આવી ગઈ. આ કથા જુદી જુદી અનેક રીતે કહેવાઈ છે.
એક રાજાને તેના પ્રધાને કહ્યું કે, “ફલાણા ત્રણ દરબારીઓ તમારી મજાક ઉડાવતા હતા. તેમને પાઠ ભણાવવો જોઈએ.
રાજાએ તે દરબારીઓને પકડીને કારાવાસમાં નાખવાનો આદેશ આપ્યો. તે દરબારીઓ રાજાના માનીતા હતા એટલે રાજાએ કહ્યું કે “આ ત્રણેયને એક કોટડીમાં પૂરી દો.
એ પછી રાજાએ ત્રણેયને કહ્યું, “તમે ગુનેગાર છો, પણ લાંબા સમય સુધી મને વફાદાર રહ્યા છો એટલે જે કોટડીનો દરવાજો જાળીવાળો છે એમાં પૂરવાની આદેશ આપું છું. એ કોટડીના જાળીવાળા દરવાજા પર તાળું મારી દેવાશે. જો તમે સવાર સુધીમાં એ તાળું ખોલીને બહાર નીકળવામાં સફળ રહ્યા તો હું તમને છોડી મૂકીશ. નહીં તો તમને આકરી સજા કરીશ.
એમાંથી બે દરબારીઓ તો ગભરાઈ ગયા. તેમણે આખી રાત વિચારો કર્યા કે આ તાળું કેવી રીતે તોડવું. એમાંના એક દરબારીએ કહ્યું કે “ક્યાંયથી કરવતનો વેંત થઈ જાય તો સળિયા કાપીને કે દરવાજા કાપીને નીકળી શકાય.
બીજાએ કહ્યું કે, “અત્યારે કરવત ક્યાંથી લાવવી? અને કરવત હોય તો પણ આપણે કરવતથી લાકડું કે લોખંડ કાપીએ તો અવાજ આવ્યા વિના રહે નહીં. વળી, રાજાએ તો તાળું ખોલીને બહાર જવાની શરત મૂકી છે.
તે બંને ખૂબ જ ડરી ગયા. તેમણે માની લીધું કે આપણે કોઈ કાળે કોટડીમાંથી બહાર નીકળી શકીશું નહીં. આપણી પાસે કોઈ ઓજારો તો છે જ નહીં. હવે રાજા આકરી સજા કરશે એ વિચારથી તે બંનેની ઊંઘ હરામ થઈ ગઈ.
આ દરમિયાન ત્રીજો દરબારી શાંતિથી ઊંઘી ગયો અને નસકોરાં બોલાવવા લાગ્યો! પેલા બંને આખી રાત આકરી સજા વિશે વિચારતા રહ્યા. ત્રીજા માણસને ઘસઘસાટ ઊંઘતો જોઈને તેમને આશ્ર્ચર્ય થયું કે આ માણસને સજાનો ડર નહીં હોય?
આ તરફ રાજાએ તેના ગુપ્તચરોને કહ્યું હતું કે “રાત્રિ દરમિયાન તે ત્રણેય દરબારીઓ કારાવાસમાં શું કરે છે એની મને જાણ કરજો.
રાજાના માણસોએ રાજા પાસે જઈને કહ્યું કે ,”બે દરબારીઓ ડરી ગયા છે તેઓ ઉપરવાળાને પ્રાર્થના કરી રહ્યા છે અને રડી રહ્યા છે, પણ ત્રીજો દરબારી તેની કોટડીમાં આરામથી ઊંઘી ગયો છે.
રાજાને નવાઈ લાગી. બીજે દિવસે સવાર પડી. આખી રાત જાગેલા બંને દરબારીઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે રાજાના કોપથી અમને બચાવી લો. ત્યારે ત્રીજો દરબારી જાગ્યો. તેણે આળસ મરડી અને પછી સ્વસ્થ ચિત્તે બેસીને થોડો વિચાર કર્યો. એ પછી તે દરવાજા પાસે ગયો. તેણે જાળીમાંથી હાથ બહાર કાઢ્યો અને તપાસી જોયું તો ત્યાં તાળું હતું જ નહીં. માત્ર આગળિયો વાસેલો હતો. તેણે આગળિયો ખિલ્યો અને તે બહાર નીકળીને ચાલતો થયો!
પછી સૈનિકો તે ત્રણેયને રાજા સામે લઈ ગયા. રાજાએ ત્રીજા દરબારીને પૂછ્યું કે, “તને ખબર હતી કે ત્યાં તાળું માર્યું જ નથી?
ત્રીજા દરબારીએ જવાબ આપ્યો, “ના, મને ખબર નહોતી, પણ મેં કોશિશ કરી જોઈ. મને વિચાર આવ્યો કે કદાચ તમે તાળું ન પણ માર્યું હોય અને ત્યાં તાળું હતું જ નહીં અને હું બહાર આવી ગયો!
મોટા ભાગના લોકો પેલા બે કેદીઓ જેવી જ ભૂલ કરતા હોય છે.
જીવનમાં ઘણીવાર મુસીબતોરૂપી તાળું લાગી ગયું હોય એવું જણાતું હોય એ વખતે માત્ર એક ધક્કો મારવાની કોશિશ કરવાની હોય છે, પણ આપણે એવું કરતા નથી હોતા. આપણે નકામા ઉધામા કરીએ છીએ. ઘણા લોકો મુસીબતમાંથી બહાર આવવા માટે જ્યોતિષીઓના શરણે જાય છે, ઘણા તાંત્રિક બાબાઓના શરણે જાય છે, ઘણા ઘરમાં વાસ્તુ પ્રમાણે ફેરફાર કરાવે છે, માનતાઓ રાખે છે, બાધા-આખડી રાખે છે, પણ ક્યારેક દરવાજો માત્ર અટકેલો હોય છે. બસ માત્ર કોશિશ કરવાની જરૂર હોય છે.
દુષ્યંતકુમાર લખી ગયા છે: “કયું આસમા મેં સુરાગ નહીં હો સકતા એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારોં.
જીવનમાં મુસીબતો આવી પડે ત્યારે માત્ર કોશિશરૂપી પથ્થર ઉછાળવાનો હોય છે. આફત આવી પડે ત્યારે માણસ હાર ન સ્વીકારી લે તો રસ્તો મળી જ રહેતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular