પ. બંગાળના નેતા અને તૃણમૂલ કૉંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજી તેમની ચાર દિવસીય મુલાકાતે દિલ્હી પહોંચી ગયા છે. તેઓ આજે પીએમ નરેન્દ્ર મોદીને પણ મળવાના છે. મમતા અને મોદીની મુલાકાત પહેલા પશ્ચિમ બંગાળના ભાજપના નેતા અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કેન્દ્રને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, મમતા રાજકીય સંદેશ આપવા માટે આવી બેઠકોનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું, “મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની બેઠકોનો ઉપયોગ કરીને સંદેશ મોકલે છે કે સેટિંગ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને મમતાની જાળમાં ફસાવું જોઈએ નહીં.
દિલ્હી પહોંચેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા બેનર્જી અહીં પાર્ટીના સાંસદોને મળ્યા હતા. મમતાએ તેમની સાથે સંસદના વર્તમાન સત્ર અને 2024ની લોકસભા ચૂંટણી વિશે ચર્ચા કરી હતી.
બેનર્જી આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. સૂત્રોએ જણાવ્યું કે મોદી સાથેની બેઠકમાં તેઓ પશ્ચિમ બંગાળના જીએસટી લેણાં અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે. મમતા બેનર્જી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળી શકે છે.આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી 7 ઓગસ્ટે નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે શનિવારે DMK, TRS અને AAP જેવા બિનકોંગ્રેસી વિપક્ષી નેતાઓ સાથે પણ બેઠક યોજાવાની છે.
તેમની ચાર દિવસની દિલ્હી મુલાકાત દરમિયાન મમતાદીદી મીડિયાને સંબોધિત કરે તેવી શક્યતા નથી કારણ કે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટરજી શિક્ષક ભરતી કૌભાંડમાં ઇડીના સ્કેનર હેઠળ છે.
