આ એફ્ટર્સથી થાઓ રિલેશનશિપ એન્ક્ઝાઈટીથી મુક્ત

પુરુષ

મેલ મેટર્સ-અંકિત દેસાઈ
રિલેશનશિપ એન્ક્ઝાઈટી વિશે આપણે વાત શરૂ કરી હતી. રિલેશનશિપ એન્ક્ઝાઈટી શું હોય અને શું કામ થાય એ વિશે પણ આપણે ચર્ચા કરેલી. આજે વાત કરીએ જો પુરુષને રિલેશનશિપ એન્ક્ઝાઈટી અનુભવાતી હોય તો એમાંથી બહાર નીકળવા માટે તેણે શું કરવું? આખરે આ બાબત એટલી ગંભીર છે કે જો પુરુષના મનમાં અમુક શંકાઓ ઘર કરી ગઈ તો આજીવન કેટલીક લઘુતાથી કે કેટલીક પીડાઓ સાથે જીવતો રહેશે અને સાથોસાથ તે કારણ વિના પોતાની પાર્ટનરને દુ:ખી કરશે કે જીવનમાં સતત અશાંતિ અને અસંતોષ રહેશે એ વધારાનું!
એના કરતા પુરુષ જો થોડાક એફર્ટ્સ આપે કે જો થોડા પ્રશ્નોના જવાબ શોધ્યા વિના જ તેની રિલેશનશિપ અને તેનું જીવન સોળેકળાએ ખીલી ઊઠે એમ છે. એ માટે સૌથી પહેલાં તો પુરુષે સેલ્ફ રિવ્યુ કરતા શીખવાનું છે.
જેમાં તેણે એ બાબતે વિચાર કરવાનો છે કે આખા દિવસમાં તેમને કેટલી વાર પાર્ટનરના વર્તન કે તેની વાતો પર કુશંકાઓ કરે છે. સાથે જ તેણે શાંતચિત્તે એ વિચાર કરવાનો છે કે શું પાર્ટનર પણ તેમના પર આ રીતની કુશંકાઓ કે આક્ષેપો કરતી રહે છે? કે પછી પુરુષ એકલો જ સતત વહેમાતો રહે છે? જો પુરુષ સતત વહેમાતો હોય તો તેણે પોતાની જાતને ટપારવી પડશે અને
પોતાના સ્વભાવમાં ખેલદિલી આણવી પડશે, જેથી તેના સંબંધમાં મધુરતા આવે.
તો બીજા કિસ્સામાં જો સ્ત્રીને પણ પુરુષ પર શંકાઓ થતી
હોય કે તે પણ પુરુષો પર જાતજાતના આક્ષેપો કરતી રહે છે તો તેણે પાર્ટનર સાથે બેસીને એ વિષય પર ચર્ચા કરવી અને યોગ્ય નીવેડો લાવવો રહ્યો, પરંતુ પુરુષ રિલેશન એન્ક્ઝાઈટીના પ્રશ્નોને લટકતા રહેવા દેશે એક તબક્કે બે પાર્ટનર્સની વચ્ચે એક અંતર ઊભું થશે જે મૌન અને અંતર બંને પાર્ટનર્સને નિરાશાની ગર્તામાં ડૂબાડી દેશે.
આવા કિસ્સામાં પુરુષે જે એક બીજું મહત્ત્વનું કામ કરવાનું છે તે એ કે તેણે તેનો સેલ્ફ કોન્ફિડન્સ વધારવાનો અને તેની
અંદર એક ભાવના કેળવવાની છે કે તે હીન કે નાનો કે નકામો નથી. તેનું પોતાનું પણ એક વ્યક્તિત્વ છે અને તે વ્યક્તિત્વ અત્યંત પ્રચંડ છે.
ઘણીવાર માણસ પોતાના આત્મવિશ્ર્વાસને કારણે જ તેના
મનમાં અમુક પ્રશ્નો ઊભા કરી દેતો હોય છે, જે પ્રશ્નો તેને
અસહ્ય માનસીક પીડા આપતા હોય છે અને તેનો વિકાસ
રૂધતા હોય છે. પુરુષનો ઓછો આત્મવિશ્ર્વાસ જ તેની રિલેશનશિપ પર પણ ઘણી નકારાત્મક અસરો ઊભી કરતો હોય છે.
એટલે પુરુષમાં આત્મવિશ્વાસ હોવો અત્યંત જરૂરી બાબત બની જાય છે.
તો બીજી એક મહત્ત્વની બાબત છે પુરુષે પોતે કે તેની પાર્ટનરને કૂવામાં દેડકા બનવા દેવાનું નથી. ઘણીવાર એવું બનતું હોય છે રિલેશનશિપ શરૂ થયા પછી પુરુષ પોતે સોશિયલ થવાનું ટાળે છે કે નથી તો તે પોતાની પાર્ટનરને સોશિયલ થવા દેતો.
પરંતુ પોતાની દુનિયા સીમિત કરી દેવી એ યોગ્ય વાત નથી. વળી, જો પાર્ટનરના કિસ્સામાં પુરુષ તેને સોશિયલ એક્ટિવિટીઝ કરતા અટકાવતો હશે તો એ એક પ્રકારની હિંસા પણ છે. એના કરતા મિત્રોમાં ભળો, કઝીન્સને મળો અને થોડી સોશિયલ લાઈફ જીવતા રહીને આનંદમાં રહો.
આખરે સોશિયલ લાઈફ એક રિલીફ આપતી હોય છે અને એનાથી મન પ્રસન્ન રહેતું હોય છે. અલબત્ત, સોશિયલ લાઈફમાં પણ એક મર્યાદા સીમા તો બાંધવાની થાય જ છે.
પરંતુ આટલા એફર્ટ્સ અપાશે તો પણ રિલેશનશિપ અત્યંત મજબૂત બનશે અને દાંપત્યજીવન ખરા અર્થમાં અત્યંત મધુર અને પ્રસન્ન રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.