એક બોક્સની કિંમત ચારથી પાંચ હજાર
મુંબઈ: આંબા ખાનારાઓ માટે આનંદના સમાચાર છે. આફ્રિકન દેશ મલાવીથી હાફૂસ મહારાષ્ટ્રમાં દાખલ થયા છે. મુંબઈની એપીએમસી માર્કેટમાં મલાવી દેશથી આ હાફૂસની આવક શરૂ થઇ ગઇ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ મલાવી આંબાની મોટી માગ છે. છેલ્લાં પાંચ વર્ષથી મલાવી આંબાની આવક ભારતમાં થઇ રહી છે. આ આંબાના ભાવ એક ડઝનના ચારથી પાંચ હજાર ગણવા પડે એમ છે.
એપીએમસી ફ્રૂટ માર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેએ આ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે સામાન્ય
રીતે ૧૫મી નવેમ્બર સુધીમાં મલાવી આંબા આવતા હોય છે, પણ સીઝન થોડી લંબાઈ જવાને કારણે ૨૬મી નવેમ્બરે આ આંબા આવ્યા હતા. એક બોક્સમાં ૩ કિલો આંબા હોય છે, જેમાં ૯થી ૧૬ આંબા આવતા હોય છે. એક બોક્સની કિંમત ચારથી પાંચ હજાર રૂપિયા થવા જાય છે. મલાવી દેશની વસતિ દોઢ કરોડની આસપાસ છે. ત્યાંનું હવામાન પણ કોંકણ જેવું જ છે. ૨૦૧૧માં મલાવીના અમુક ખેડૂતોએ ભારતમાં આવીને કોંકણમાંથી આંબાની કલમો લીધી હતી અને ત્યાંની ૪૫૦ એકર જમીન પર તેને ઉગાવવામાં આવી હતી. મલાવીથી ૮૦૦ બોક્સ મુંબઈની એપીએમસી માર્કેટમાં આવ્યા હતા.