(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સૌથી વધુ લોકસંખ્યા ધરાવતા અને સૌથી વધુ ઘનતા ધરાવતા મલાડ પી-ઉત્તર વોર્ડનું વિભાજન લાંબા સમયથી અટવાઈ ગયું છે. તે માટેનું કારણ હવે ઑફિસની જગ્યાના અભાવનું આપવામાં આવી રહ્યું છે.
મલાડ પી-ઉત્તર વોર્ડના વિભાજનની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. જોકે કામ હજી આગળ વધ્યુંં નથી. ઑફિસ માટે પાલિકા પ્રશાસનને જગ્યા મળી રહી નથી ત્યારે મલાડ (પૂર્વ)માં પઠાણવાડી પરિસરમાં પાલિકાએ ચોક માટે આરક્ષિત કરેલી જગ્યા ઑફિસ માટે વાપરવાની માગણી થઈ રહી છે.
મલાડ પૂર્વ અને પશ્ર્ચિમનો સમાવેશ રહેલા પી-ઉત્તર વોર્ડમાંં મુંબઈની સૌથી વધુ લોકસંખ્યા છે. પૂર્વમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનથી પશ્ર્ચિમમાં અરબી સમુદ્ર, ઉત્તરમાં ક્રાંતી નગર, આપ્પા પાડા તો દક્ષિણમાં ચિંચોલી બંદર સુધી પી-ઉત્તર વોર્ડ ફેલાયેલો છે. વોર્ડ મોટો હોવાથી વર્ષોથી તેનું વિભાજન કરવાની માગણી થઈ રહી છે. લગભગ ૧૮ વોર્ડ રહેલા આ મોટા વોર્ડમાં નાગરી સુવિધા પૂરી પાડવામાં પણ પાલિકાને નાકે દમ આવી ગયો છે. તો નાગરિકોને પણ વોર્ડની ઑફિસમાં પોતાના કામ માટે જવું ભારે મુશ્કેલીભર્યું છે.
તેથી વર્ષોથી પી-ઉત્તર વોર્ડનું વિભાજન કરીને મલાડ (પૂર્વ)ને પી-પૂર્વ અને મલાડ (પશ્ર્ચિમ)ને પી-પશ્ર્ચિમ વોર્ડ બનાવવાની માગણી પર પ્રશાસન કામ કરી રહી છે. નવા વોર્ડ માટે ઑફિસ બનાવવી આવશ્યક છે ત્યારે મલાડ મોટો વિસ્તાર હોવા છતાં પાલિકાને પોતાની ઑફિસ બનાવવા માટે જગ્યા નથી મળી રહી.
પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે ૨૦૨૨-૨૩ના બજેટમાં પી-ઉત્તર વોર્ડના વિભાજનની જાહેરાત કરી હતી.