નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ વન-ડેની સિરીઝના આવતીકાલે શ્રીગણેશ થશે. આ સિરીઝની શરુઆત હૈદરાબાદથી થશે. રોહિતની કેપ્ટન્સી હેઠળ શ્રીલંકા સામેની ત્રણ મેચમાં શ્રીલંકાનો 3-0થી પરાજય થયો. જો રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ટીમે લંકાને વ્હાઈટ વોશ કર્યો હતો તો કેપ્ટન રોહિત શર્મા જ રહેવો જોઈએ કે પછી હાર્દિક પંડ્યા એ વિવાદ હજી શમ્યો નથી.
હાલમાં ટવેન્ટી-20 ટીમની કેપ્ટન્સી હાર્દિક પંડ્યા પાસે છે તો વન ડેની કેપ્ટન્સી પણ તેને આપવામાં આવે એવી માગણી જોર પકડી રહી છે, પરંતુ રોહિત શર્માના ગળામાંથી કેપ્ટન્સીની વરમાળા કાઢીને હાર્દિકના ગળામાં પહેરાવવાનું કંઈ એટલું સહેલું નથી.
પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર આ વર્ષના અંતમાં ભારતમાં વન-ડે વર્લ્ડકપ યોજાવવાનો છે, ત્યાર બાદ જ હાર્દિક પંડ્યા વન-ડે ટીમનો કેપ્ટન બનવાનો માર્ગ મોકળો થશે. આ સિવાય જો હાર્દિક પંડ્યાને વન-ડે ક્રિકેટ ટીમના કેપ્ટન બનવું હશે તો પોતાને વધારે ફિટ રહેવું પડશે. ટવેન્ટી-20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને પીઠનો દુઃખાવો છે અને તેમાંથી તે ભલે સાજો થઈ ગયો હોય પણ ફરી તેને આ દુઃખાવો ના ઉદ્ભવે એના માટે સમયાંતરે રેસ્ટ આપવો જ રહ્યો. એટલે તે એક સાથે સળંગ સીરિઝ રમી શકે નહીં. વન-ડે બાદ તરત જ ટી-20 રમવું પંડ્યા માટે સહેલું નથી અને આ જ કારણ છે કે વન-ડેનો કેપ્ટન બનવા માટે પંડ્યા માટે દિલ્હી હજી દૂર છે…