બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
વેલેન્ટાઇન ડે નજીકમાં જ છે અને તેને ઉજવવા યુવાનો થનગની રહ્યા હશે. જ્યારે પ્રેમનો તહેવાર આવી રહ્યો છે ત્યારે યુવાનોની સાથે વેપારીઓ પણ તેમના આયોજન સાથે તૈયાર હશે. કારણ કે તે વેપારીઓ માટે પોતાના ઉત્પાદનોના વેચાણ કરવાની વિશાળ તકો લાવે છે. વેલેન્ટાઇન ડેની મોટી વિશેષતા તે છે કે આ દિવસ માટે લોકો તેમના પ્રિયજનોને આપવા ભેટો અને અનુભવો પર મોટી રકમ ખર્ચવા આતુર હોય છે. માત્ર યુગલો માટે જ નહીં, પણ વેલેન્ટાઈન ડે એ પરિણીત દંપતીઓ, પોતાના સાથીદાર માટે, સિંગલ મિત્ર માટે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો સુવર્ણ મોકો છે.
આ દિવસની વિશેષતાને મોટી તક તરીકે ધ્યાનમાં લઇ વેપારીઓ આને લગતાં વળગતાં ઉત્પાદનો બનાવે છે, નવીનતા લાવે છે તેમના ઉત્પાદનોમાં અને જરૂર પડે સ્પેશ્યલ પ્રમોશનલ સેલ આયોજે છે જેના થકી તેઓ ક્ધઝ્યુમરને આકર્ષી શકે. ક્ધઝ્યુમર પણ આવાં નવાં ઉત્પાદનો અને સેલની રાહ જોતો હોય છે. પાછલાં અમુક વર્ષોના અભ્યાસ મુજબ આ સમયમાં ઉત્પાદનો અને સેવાઓના વેચાણનો દર ઉત્તરોત્તર વધતો જઈ રહ્યો છે અને ભારે ખરીદીનો તહેવાર બની રહ્યો છે. વેલેન્ટાઈન ડે પર મોટા ભાગે જ્વેલરી, ચોકલેટ, રમકડાં, રેડીમેડ ગારમેન્ટ્સ, મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કાંડા ઘડિયાળો જેવા લોકપ્રિય ગિફ્ટ આર્ટિકલના વેચાણ થાય છે. ઉત્પાદનોની સાથે સાથે હોટેલ બૂકિંગ્સ, હોલીડે પેકેજ, ગિફ્ટ કાર્ડ જેવી સેવાઓને પણ આનો લાભ મળે છે. આ ઉત્સવ પાશ્ર્ચાત્ય દેશની દેન છે અને આપણને લાગશે કે આ ફક્ત શહેરોમાં મનાવાય છે પણ એક અભ્યાસ મુજબ આ સમય દરમિયાન ગ્રામીણ અને નાનાં શહેરો પણ આને મનાવવા લાગ્યા છે અને ખર્ચ કરવામાં તેઓ શહેરી લોકોને પાછળ મૂકી દે છે.
આ દિવસ માટેની માર્કેટિંગ વ્યૂહરચના પહેલેથી તૈયાર કરવી પડશે. અલગ પ્રકારના ગ્રાહકો હોય છે, એક જે અગાઉથી બધી તૈયારીઓ કરશે અને બીજો છેલ્લી ઘડીએ દોડશે. આ બંને પ્રકારને ધ્યાનમાં રાખી કોમ્યુનિકેશન બનાવો. આ ખેલ થોડા દિવસોનો છે અને તેથી આક્રમક અભિગમ અપનાવવો પડશે. સૌપ્રથમ તમારા ઉત્પાદનો કે સેવાઓ આ દિવસ અને ગ્રાહકને સંબંધિત બનાવો. આ ખાસ દિવસ છે અને તેથી ખાસ પ્રકારના ઉત્પાદનોજ ખરીદાશે અથવા ઉત્પાદનોને આ દિવસ સાથે જોડવા પડશે. ત્યારબાદ લોકોમાં તાકીદે ખરીદવાની અપીલ કરવી પડશે. જો હમણાં નહિ ખરીદો તો રહી જશોની ચીમકી આપવી પડશે. આમ રહી જઈશુની ચિંતા ગ્રાહકને તાત્કાલિક પગલાં લેવાની ફરજ પાડે છે. છેલ્લી મિનિટની ભેટો અથવા ભેટના કોમ્બો માટે – જો ગ્રાહક વેલેન્ટાઇન ડે ઝુંબેશ દરમિયાન બે અથવા વધુ વસ્તુઓ ખરીદે તો ડિસ્કાઉન્ટ ઓફર કરો. કોશિશ કરો કે તમે બધાની પહેલા તમારુ પ્રમોશન શરૂ કરો અને અંત સુધી ચાલુ રાખો. આનાથી તમારી બ્રાન્ડની અવેરનેસ અને રિકોલ વધશે. આ ઉપરાંત વેલ પ્લાન્ડ અને છેલ્લી ઘડીનો બંને ગ્રાહકોને તમે તમારો માલ વહેંચી શકશો. વેલેન્ટાઇન ડે પ્રમોશન માટે, તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરો. તે તમને યોગ્ય પ્રેક્ષકો સુધી પહોંચવામાં મદદ કરશે. ક્ધટેન્ટ મહત્વનો ભાગ ભજવશે, રોમેન્ટિક, ભાવનાત્મક, રમૂજી ક્ધટેન્ટ લોકોને ગમશે. રસપ્રદ સ્પર્ધાનું આયોજન કરો સોશિયલ મીડિયા પર જેથી ગ્રાહક તમારી બ્રાન્ડ સાથે સંલગ્ન થાય. એન્ગેજિંગ ક્ધટેન્ટ ગ્રાહકને તમારી બ્રાન્ડ સાથે જકડી રાખશે. આ સમય દરમ્યાન તમારા ગ્રાહક સાથે રોમાન્સ કરો, તેમને વિશેષ અનુભવ કરાવો, તેમને નવા ઉત્પાદનો, આકર્ષક ડિસ્કાઉન્ટ, મફત સોગાદો વગેરેથી ખુશ કરો. તેમને લાગવું જોઈએ કે તમેજ તેના ખરા વેલેન્ટાઈન છો.
ઓનલાઇન કે પછી રિટેલ સ્ટોર તમારુ જે પણ માધ્યમ હોય તેને સારી રીતે સુશોભિત કરો. જીવંત વાતાવરણ, રંગીન સુશોભન, ખાસ અનુભવ, સુસંગત સંગીત આ બધાથી ગ્રાહકને આકર્ષો. ગ્રાહકો તેમના પ્રિયજનો માટે ખરીદી શકે તેવી અનન્ય ભેટો સાથે સુંદર સ્ટોરફ્રન્ટ અને સામગ્રી બનાવીને તેમને મદદ કરો. આ સમય અપસેલ અને ક્રોસ સેલ માટે અનુકૂળ છે. તમારી પાસે પહેલેથી જ તમારા સ્ટોરમાં અમુક ઉત્પાદનો છે જે સેટ તરીકે દર્શાવી વેચી શકાય છે. ઉદાહરણ તરીકે, કસ્ટમાઈઝ્ડ વાયરલેસ ચાર્જર જે વ્યક્તિગત ફોન કેસ સાથે સંપૂર્ણ રીતે જાય છે. મેચિંગ હૂડીઝ, ટી મગ, કાનની બુટ્ટી સાથે પેન્ડલ, ચામડાના બૂટ અને બેલ્ટ અને આવી શક્યતાઓ લગભગ અનંત છે. અપસેલ અને ક્રોસ સેલની જેમ જો તમને યોગ્ય ભાગીદાર મળે તો તમે બીજી બ્રાન્ડ સાથે કોલોબ્રેટ અર્થાત્ સહયોગ કરી શકો છો. તેઓ તમારી ગ્રાહકની પહોંચને વિસ્તૃત કરશે અને તમારી બ્રાન્ડમાં વિશ્ર્વસનીયતા વધારશે, તમને ગ્રાહકો માટે વિશ્ર્વાસપાત્ર બ્રાન્ડ બનાવશે.
તમારા વફાદાર ગ્રાહક માટે અલગથી સ્કીમ બનાવો જેથી તેને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળી છે તેની અનુભૂતિ થાય. કસ્ટમ ગિફ્ટ ગાઈડથી લઈને ડિસ્કાઉન્ટ સુધી અથવા પ્રોમો કોડ સાથેના સ્પેશિયલ વેલેન્ટાઈન ડે કાર્ડ – તમારા નિયમિત ગ્રાહકો માટે વિચારી શકાય. ખુશ ગ્રાહકો તમારા વ્યવસાય વિશે તેમના મિત્રો, પરિવારો અને પરિચિતોમાં
વાત કરશે અને તેઓ વધુ ડીલ્સ અને ઉત્પાદનો માટે પાછા આવતા રહેશે. સ્પેશ્યલ સેલ લાવવાનું વિચારી શકાય જેથી વધારેમાં વધારે
ગ્રાહકો આ દિવસને માણી શકે. ક્ધઝ્યુમર માટે આ મોટી રાહત હશે કારણ તે કે તેને મનગમતી બ્રાન્ડ સસ્તા ભાવે મળી જશે જે કદાચ સેલ વગર જો તે લેવા જાય તો મોંઘી પડે. કસ્ટમરની આ માનસિક્તાનો લાભ લઈ સેલ પ્લાન કરી શકાય. સંદેશો તે ના હોવો જોઈએ કે તમને પરવડે તેથી સેલ છે, પરંતુ તમે પણ આ ખાસ દિવસને દિલ ખોલીને ઉજવો તેથી આ સેલ છે.
તમારી વેલેન્ટાઇન ડેના માર્કેટિંગની સફળતા તમારા આયોજન દ્વારા અને તમે તમારા ગ્રાહકો સાથે કેટલી સારી રીતે કનેક્ટ થાઓ છો તેના દ્વારા નક્કી કરવામાં આવે છે. ઉત્પાદનોની ડિઝાઇન બોલ્ડ અને આકર્ષક રાખો, પ્રેમાળ બનો અને તમારા પ્રચારો સાથે ઉદાર બનો. લોકોને ગમતી વસ્તુઓ અને નવીનતા આપો જેનો તેઓએ ક્યારેય વેલેન્ટાઇન ડેની ભેટ તરીકે વિચાર કર્યો ન હોય.
તમારા ગ્રાહકોને તેમના જીવનસાથી, ગર્લ / બોય ફ્રેન્ડ્સ કે પછી સહકાર્યકરો પ્રત્યે તેમનો પ્રેમ વ્યક્ત કરવામાં સહાય કરો. વેલેન્ટાઇન ડે માર્કેટિંગ પ્રવૃત્તિઓ માટે વહેલી તૈયારી કરવાનું શરૂ કરો, પરંતુ છેલ્લી ઘડીના ખરીદનાર વિશે ભૂલશો નહીં, અને સફળતા માટે તમારી જાતને સેટ કરવા માટે આ માર્કેટિંગ ઝુંબેશ વિચારોનો ઉપયોગ કરો. વેલેન્ટાઇન ડે એ તમારી બ્રાન્ડ માટે બોટમ લાઇન અર્થાત્ નફો વધારી વેપારને પ્રોત્સાહન આપવાની એક મહત્ત્વની તક છે. તમારા ખરીદદારોને આ દિવસ સંપૂર્ણ રીતે પસાર કરવામાં મદદ કરી શકે તે બધું આપીને, તમે આ ખરીદદારો સાથેના તમારા જીવનભરના સંબંધોને સુધારી શકો છો. જો આમ થશે તો તમારો ગ્રાહક તમારો જીવનભરનો વેલેન્ટાઈન બનીને રહેશે.