Homeટોપ ન્યૂઝમહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવો: રાષ્ટ્રપતિ

મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવો: રાષ્ટ્રપતિ

આદિવાસી મ્યુઝિયમ: ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલ ખાતે આદિવાસી મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તેમની સાથે હતા. (પીટીઆઈ)
———-
ભોપાલ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે જણાવ્યું હતું કે મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવી એ તેમને સશક્ત બનાવવાનો અસરકારક માર્ગ છે. ભારતને વિકસિત દેશ બનાવવા માટે મહિલાઓની મહત્તમ ભાગીદારીની જરૂર છે, એમ તેમણે અહીં મહિલા સ્વ-સહાય જૂથોની પરિષદને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું.
મુર્મૂએ જણાવ્યું હતું કે આર્થિક સ્વાવલંબન એ મહિલાઓના સશકતીકરણનું અસરકારક માધ્યમ છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વ-સહાય જૂથો અસરકારક રીતે યોગદાન આપી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશમાં ચાર લાખથી વધુ મહિલા સ્વ-સહાય જૂથો સક્રિય છે. આવા જૂથોમાં મહિલાઓની વધુ ભાગીદારી અર્થતંત્ર, સમાજ તેમ જ દેશને મજબૂત બનાવશે. મહિલા સ્વ-સહાય જૂથોને જન ચળવળ બનાવવાનો વિચાર પ્રશંસનીય હતો.
ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મહિલાઓની મહત્તમ ભાગીદારી જરૂરી છે. આપણે એવું વાતાવરણ ઊભું કરવું પડશે, જેમાં મહિલાઓ સ્વતંત્ર અને નિર્ભયતા અનુભવે અને તેમની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકે, એમ મુર્મૂએ જણાવ્યું હતું.
તેમણે મહિલાઓને એકબીજાને પ્રેરણા આપવા અને એકબીજાને મદદ કરવા, એકબીજાના અધિકારો માટે સાથે મળીને અવાજ ઉઠાવવા અને પ્રગતિના માર્ગ પર સાથે મળીને આગળ વધવા હાકલ કરી હતી.
મુર્મૂએ કહ્યું કે ભારતને એક સમયે વિશ્ર્વ ગુરુ માનવામાં આવતું હતું અને જો લોકો સાથે મળીને કામ કરે અને સરકારને ટેકો આપે તો ટૂંક સમયમાં તે દરજજો પાછો મેળવી શકે એમ છે.
આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ ઉત્પાદનો ટ્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગ્રાહકો સુધી પહોંચે છે, એ વાતે એમને આનંદ થયો હતો.
આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ સંબોધન કર્યું હતું. (એજન્સી)

RELATED ARTICLES

Most Popular