Homeઉત્સવ"વેપારમાં સ્પર્ધાને દુશ્મન નહિ, મિત્ર બનાવો

“વેપારમાં સ્પર્ધાને દુશ્મન નહિ, મિત્ર બનાવો

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

આપણને ગમે કે ના ગમે કોમ્પિટિશન અર્થાત્ સ્પર્ધા તે કોઈપણ વાત હોય, પછી તે શાળામાં વિદ્યાર્થીઓમાં હોય કે પછી રમતગમતના મેદાન પર હોય કે પછી વેપારમાં હોય તેમાં જોવા મળશે. ઘણા લોકોને કહેતા જોવામાં આવે છે કે આ સ્પર્ધા ના હોવી જોઈએ કારણ તેના થકી લોકોમાં તણાવ જોવા મળે છે અને બિનજરૂરી વાતાવરણ ઊભું થાય છે જે સ્વાસ્થ્યની સાથે ઘણીવાર સંબંધમાં પણ સમસ્યાઓ ઉભી કરે છે. ગમે તે કહો પણ સ્પર્ધા રહેવાની છે, ફર્ક તેટલો છે કે તમે તેને કઇ રીતે જોવો છો. અને જયારે વેપારની વાત આવે ત્યારે તો આ વાત ફક્ત સામાન્ય નથી પણ અત્યંત આવશ્યક પણ છે. ઘણીવાર વેપારીઓના મોઢે સાંભળવામાં આવે છે કે અમારી સામે કોઈ સ્પર્ધા છે જ નહિ. આમ બોલવાવાળા વેપારીઓ કદાચ વેપારને સમજ્યા નથી અથવા પોતાની શેખીમાં ધંધો કરે જાય છે. ધંધો થઇ રહ્યો છે, નફો થઇ રહ્યો છે તેનો અર્થ તે નથી કે તમે સ્પર્ધામુક્ત વાતાવરણમાં જીવી રહ્યા છો. આજની તારીખે જો તમારે વેપારમાં ટકવું હશે તો સ્પર્ધાને ના ફક્ત અપનાવવી પડશે પણ તેને સમજવી પડશે અને તેના સહારે તમારી વ્યૂહરચના બનાવવી પડશે.
કેટલાક વ્યવસાયો સ્પર્ધાને દુશ્મન તરીકે જુએ છે. કેટલાક કિસ્સાઓમાં, આ વધુ પ્રેરણા તરફ દોરી શકે છે. સ્પર્ધા વિવિધ પરિબળો પર આધારિત છે. જ્યારે બે કંપનીઓ એકબીજા સાથે સ્પર્ધામાં હોય છે, ત્યારે તેઓ સમાન ઉત્પાદનો અથવા સેવાઓ પ્રદાન કરે છે. બંને કંપનીઓ એક જ ઉદ્યોગમાં કામ કરતી હોવાથી અને ગ્રાહકને સમાન મૂલ્ય ઓફર કરતી હોવાથી, તેઓ સામાન્ય રીતે સમાન પ્રેક્ષકોને આકર્ષે છે. આ એવી પરિસ્થિતિઓ બનાવી શકે છે જ્યાં એક કંપની ગ્રાહકો માટે વધુ અનુકૂળ હોય અને બીજી કંપની તેમાંથી વધુ ગ્રાહકોને આકર્ષવા માંગે. આવા સમયે સ્પર્ધા ઘણીવાર કંપનીઓને તેના પોતાના ઉત્પાદનો અને સેવાઓને વધુ આકર્ષક લાગે તે માટે નવીનતા અને વ્યૂહાત્મક માર્કેટિંગ પ્રથાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે મજબૂર કરે છે.
કંપનીઓ સામાન્ય રીતે સ્પર્ધાની આસપાસ તેમની મુખ્ય માર્કેટિંગ અથવા સેલ્સ કે પછી વેપારની વ્યૂહરચના બનાવે છે. સ્પર્ધાને સમજીને, કંપનીઓ જાણી શકે છે કે ગ્રાહકની કઈ જરૂરિયાતોને સ્પર્ધા પૂરી કરે છે. ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો અથવા સેવાઓ, વધુ સારી વોરંટી, સારી ગ્રાહક સેવા અથવા ગ્રાહકોના મુખ્ય મૂલ્યો આવી અને બીજી ઘણી વાતો તમે સ્પર્ધા થકી જાણી શકો. એકવાર કંપની પ્રતિસ્પર્ધીનું વિશ્ર્લેષણ કરે છે, ત્યારે જાણે છે કે વર્તમાન ગ્રાહકને વધુ સારી રીતે અપીલ કરવા માટે તેમની માર્કેટિંગ વ્યૂહરચનામાં કેવા બદલાવ લાવવા છે જે તેમને વધુ બેહતર બનાવે જેથી ઘરાક સાથેનો નાતો વધુ ગાઢ બને અને તેમને માલ વેચવો આસાન થાય. સ્પર્ધાથી ડરો નહિ તેનો તક તરીકે ઉપયોગ કરો. સ્પર્ધા હંમેશાં તમને સતર્ક રાખશે કારણ જો પડકારો નહિ હોય તો માણસ સ્વભાવ તરીકે આપણે સુસ્ત બની જશું અને બધી વાતોને ગ્રાન્ટેડ તરીકે લેવા લાગીશું.
આજના સમયે સ્પર્ધાના પ્રકારો સમજવા પણ જરૂરી છે. જેમ કે, પ્રત્યક્ષ અર્થાત્ ડાયરેક્ટ સ્પર્ધા જ્યાં બે કંપનીઓ સમાન ઉત્પાદનો અથવા સેવાઓ પ્રદાન કરે છે અને લગભગ સમાન મિશન અથવા વ્યવસાય લક્ષ્યો ધરાવે છે. ઉદાહરણ તરીકે, મોબાઈલની બે બ્રાન્ડ લગભગ સમાન કિંમતે સમાન પ્રકારનાં મોબાઈલ ઓફર કરી શકે છે અને સમાન મૂલ્યો ધરાવે છે, તેમ છતાં તેમના ઉત્પાદનોને એકબીજાથી અલગ પાડે છે. પ્રત્યક્ષ સ્પર્ધકો ઘણીવાર આ પ્રક્રિયામાં એકબીજાનો અભ્યાસ કરે છે, જ્યાં તેઓ જાણે છે કે તેમના સ્પર્ધકોને કયું પરિબળ સફળ બનાવે છે અને તે સફળતાનો અનુભવ કરવા માટે તેઓ કઈ પ્રક્રિયાઓ અથવા માર્કેટિંગ યુક્તિઓ અપનાવી શકે છે.
આજે જયારે સમય બદલાયો છે સાથે ક્ધઝ્યુમર બદલાયો છે અને તેની વર્તણૂક બદલાઈ છે ત્યારે પરોક્ષ અર્થાત્ ઈન્ડાયરેક્ટ સ્પર્ધા પણ વધી છે. આપણે પ્રત્યક્ષ સ્પર્ધાને જાણી તેને માટે પોતાને તૈયાર કરીયે છીએ પણ પરોક્ષ સ્પર્ધાનું શું! આને સમજવા માર્કેટ સાથે સાથે ક્ધઝ્યુમરનો અભ્યાસ જરૂરી છે. પરોક્ષ સ્પર્ધા એ છે જ્યારે બે કંપનીઓ વિવિધ ઉત્પાદનો અથવા સેવાઓ પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, સમય પસાર કરવો છે તો મુવી જોવી કે પછી મોલમાં ટહેલવા જવું કે પછી કાફેમાં જઈને આનંદ લૂટવો. બીજું ઉદાહરણ જોઈએ તો, કાર ખરીદવી છે ત્યારે કાર ખરીદું કે નવા જમાનાની કેબ સેવાઓ જેવી કે, ઓલા ઉબરનો ઉપયોગ કરવો. બંને કિસ્સાઓમાં તમારે બે લેવલ પર પ્રત્યક્ષ અને પરોક્ષ સ્પર્ધાનો સામનો કરવો પડશે. આથી મારી વ્યૂહરચના ફક્ત મારા વેપારને ધ્યાનમાં લઈને નહિ પણ મારા વેપારને બીજી કઈ પ્રવૃત્તિઓ કે પછી કયા ઉત્પાદનો રિપ્લેસ કરી શકે છે તેનો પણ અભ્યાસ સ્પર્ધક તરીકે કરવો પડશે.
સ્પર્ધાથી ઉત્પાદનોની ઉચ્ચ માંગ વધે છે અને તેના કારણે આવકમાં વધારો થઈ શકે છે. ઉદ્યોગમાં વધુ નવીનતા અર્થાત્ ઇનોવેશન દ્વારા વધુ સારા, વધુ વિશ્ર્વસનીય ઉત્પાદનો બનાવી શકાય છે જેના થકી તમારો ગ્રાહક તમને પસંદ કરશે. તમને હંમેશાં તમારા વ્યાપાર માટે જાગૃત રાખે છે, જે વ્યવસાયોને વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરી શકે છે. વધુ સારી ગ્રાહક સેવા, જે ગ્રાહકની વફાદારી અને બ્રાન્ડ પ્રત્યે પ્રતિબદ્ધતા વધારી શકે છે. જેમ તમે સતર્ક થાવ છો તેમ તમારા કર્મચારીઓ પણ સતર્ક રહે છે અને તેમની કાર્યક્ષમતા વધે છે જેના કારણે તમારો ખર્ચ ઘટાડી શકાય છે અને આઉટપુટ વધારી શકાય છે. આના કારણે વ્યાપારમાં સફળતા જોવા મળે છે જે કંપનીને વધુ ઝડપથી વિકાસ કરવામાં અને તેના લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરી શકે છે.
સ્પર્ધા કંપનીઓને ચોક્કસ ફાયદાઓ આપે છે, પરંતુ ધ્યાનમાં લેવા માટેના કેટલાક ગેરલાભો પણ છે. તેના પર પણ ઊડતી નજર દોડાવીએ. સ્પર્ધાના અભ્યાસ માટે વિશ્ર્લેષણ અને માર્કેટિંગ પ્રયાસો પર વધુ ખર્ચ થઇ શકે છે. ઉત્પાદનો અને સેવાઓ સુધારવા માટે વધુ દબાણ આવે છે અને તેને બનાવવા માટે સમય અને રોકાણ લાગે છે. જયારે તમે પોતાને સ્પર્ધામાં આગળ રાખો છો ત્યારે તમારી કંપની તરફ ગ્રાહકોની અપેક્ષાઓ તમારા તરફ વધી જાય છે. વિવિધ બ્રાન્ડ હોવાથી અને બધી સમાન ગ્રાહકને ટાર્ગેટ કરતી હોવાથી ગ્રાહકો માટે સંભવિત મૂંઝવણ થઇ શકે છે કે કઈ બ્રાન્ડ ખરીદવી. કર્મચારીઓ પર ચોક્કસ રીતે કામગીરી કરવા માટે વધુ દબાણ આવી શકે છે.
અંતે આપણે વેપાર કરીયે છીએ નફો કમાવવા. કોઈપણ વેપારી એમ નહિ ઈચ્છતો હોય કે નુકસાન કરું કે પછી બસ હવે વધુ નથી કમાવવું. વધુ સ્પર્ધા સાથે, વ્યવસાયો સંભવિતપણે તેમના બજારમાં એક વિશિષ્ટ સ્થાન બનાવી શકે છે, જે ગ્રાહકના ધ્યાનને આકર્ષવા, વફાદારી જાળવવા જેને આપણે બ્રાન્ડ લોયલટી કહીયે છીએ અને આવકમાં વધારો કરી શકે છે. સ્પર્ધાનો અર્થ અથવા મકસદ તે હોવો જોઈયે કે કંપની હંમેશાં ગ્રાહક સેવા, કામગીરી, માર્કેટિંગ વ્યૂહરચનાઓ અને તેના મુખ્ય ઉત્પાદનો અને સેવાઓમાં સુધારો કરવાનો પ્રયાસ કરતી રહે. આ તમામ પરિબળો કંપનીની આવકમાં ફાળો આપી શકે છે અને સંભવિત રીતે નફો વધારી શકે છે.
સ્પર્ધા તમારા વ્યવસાયની કસોટી કરી શકે છે, પરંતુ તે ઘણી ફાયદાકારક બાબતો તરફ દોરી જાય છે. સ્પર્ધાને જો દુશ્મન તરીકે જોશો તો તમારી શક્તિઓ તેને માત કરવામાં લગાડશો પણ જો તેને મિત્ર બનાવશો તો તે તમને સર્જનાત્મક બનવા અને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવાની ફરજ પાડશે. આના થકી તમને અને ગ્રાહક બંનેને ફાયદો થાય છે, તેઓ તમારા ઉત્પાદનો કે સેવા ખરીદવા પાછા આવતા રહે છે અને આ રીતે તમારો માલ વધુ વેચાતા તમારા નફામાં વૃદ્ધિ થાય છે.

RELATED ARTICLES

Most Popular