ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો બદલાવ: જીગ્નેશ મેવાણી સહિત 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરાઈ

આપણું ગુજરાત

Ahmedabad: આવનાર વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ના સંગઠનમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. એક પછી એક નેતાઓના રાજીનામાં બાદ કોંગ્રેસ સફાળી જાગી હોય એમ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખ(president)ની નિમણૂંક કરવામાં આવી છે જેમાં જીગ્નેશ મેવાણીનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે જીગ્નેશ મેવાણી અપક્ષ વિધાનસભ્ય છે જેમને કોંગ્રેસનો બહારથી ટેકો છે.
કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં 5 વિધાનસભ્ય, 2 નેતાનો સમવેશ થાય છે. આ યાદીમાં લલિત કગથરા, અમરીશ ડેર, રૂત્વીજ મકવાણા, જીગ્નેશ મેવાણી, હિંમતસિંહ પટેલ, કાદીર પિરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો સમવેશ થાય છે.
આ પ્રમુખોની પસંદગીમાં કોંગ્રેસ દ્વારા રાજ્યના જાતીય સમીકરણનું પુરતું ધ્યાન રાખવામ આવ્યું હોય એવું લાગે છે. કડવા પાટીદાર સમાજના લલિત કગથરા, દલિત સમાજના જિગ્નેશ મેવાણી, કોળી પટેલ સમાજના રૂત્વીજ મકવાણા, આહીર સમાજના અમરીશ ડેર, ગુર્જર અને પરપ્રાંતિય સમાજના હિંમત સિંહ, લઘુમતી સમુદાયના કાદીર પીરજાદા અને ક્ષત્રીય સમાજના ઇન્દ્રવિજય સિંહને કાર્યકરી પ્રમુખ બનાવી કોંગ્રેસે ગુજરાતના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા દરેક સમાજના લોકો સુધી પહોંચવા યોજના બનાવી છે.

કોંગ્રેસે જાહેર કરેલી કાર્યકારી પ્રમુખોની યાદી

આ ફેરફાર ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં આ સૌથી મોટો સંગઠનાત્મક ફેરફાર માનવામાં આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં પહેલા એક જ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હતા જે પાટીદાર નેતા હતા. તેમના રાજીનામા બાદ પદ ખાલી હતું. ત્યારે હવે 7 કાર્યકારી પ્રમુખ નીમવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓની દિલ્લીમાં કોંગ્રેસ હાઈકમાન સાથે બેઠક મળી હતી. ત્યારે જ આ નિર્ણય લેવામાં આવ્યો હોય એવું માની રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.