મૈંને આજ તક કભી ઈન્સાન બેચે-ખરીદે નહીં હૈ…

મેટિની

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

એક વખત એવું બન્યું, વડોદરાની એક શેરી પાસેથી પસાર થઈ રહેલા એક ભાઈએ શેરીમાંથી આવતો ગીતનો અવાજ સાંભળ્યો. આ ગીતના શબ્દો હતા, ‘મેરે દુશ્મન તૂ મેરી દોસ્તી કો તરસે…’ ફિલ્મ ‘આયે દિન બહાર કે’ માટે આનંદ બક્ષી સાહેબે લખેલું અને મોહમ્મદ રફી સાહેબે ગાયેલું ગીત સાંભળી ભાઈ રોકાઈ ગયા અને શેરી તરફ વળ્યા. એક જુવાન આબેહૂબ રફી સાહેબની તરહથી જ ગીત ગાઈ રહ્યો હતો અને થોડાક લોકો સાંભળતા હતા. આ જુવાનને ભાઈ પોતાની મ્યુઝિકલ પાર્ટી ‘મેલોડી મેકર્સ’ માટે પૂના લઈ ગયા અને વડોદરાના શબ્બીર શેખનું ગાયક તરીકે શબ્બીર કુમાર નામકરણ કર્યું. પછીથી શબ્બીર કુમારે ‘એક શામ રફી કે નામ’ના કાર્યક્રમો શરૂ કર્યા અને ચાલ્યા. સંગીતકાર ઉષા ખન્નાએ શબ્બીર કુમારને પહેલી તક આપી હિન્દી ફિલ્મ ‘તજુરબા’માં બીજા ચાર ગાયકો સાથે. એ પછી શબ્બીર કુમાર ગાયક તરીકે પુષ્કળ ગીતો ગાઈ ચૂક્યા અને દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, રજનીકાંત, કમલ હસન, મિથુન ચક્રવતી જેવા સુપરસ્ટાર માટે પણ ગીતો ગાઈ ચૂક્યા. શબ્બીર કુમારની સમગ્ર કારકિર્દીમાં સુપરહિટ ગીતો પુષ્કળ છે જ, પણ આખી ફિલ્મનાં ગીતોનું બ્લોકબસ્ટર આલબમ હોય એવી ફિલ્મોમાં ‘બેતાબ’
મોખરે છે.
(૧) જબ હમ જવાં હોંગે જાને કહાં હોંગે…, (૨) તેરી તસવીર મિલ ગઈ…, (૩) બાદલ યું ગરજતા હૈ, ડર કુછ ઐસા લગતા હૈ…, (૪) પરબતોં સે આજ મૈં ટકરા ગયા, તુમને દી આવાઝલો મૈં આ ગયા…, (૫) અપને દિલ સે બડી દુશ્મની કી ઈસલિયે મૈંને તુમસે દોસ્તી કી…
રાહુલ રવૈલનું ડિરેક્શન ‘લવ સ્ટોરી’માં ઝળકી ઊઠેલું, પણ દુનિયાની એકમાત્ર ફિલ્મ આ ‘લવ સ્ટોરી’ છે જેમાં ફિલ્મના ડિરેક્ટરનું નામ જ પરદા પર નથી આવતું! મૂળ તો નિર્માતા રાજેન્દ્રકુમારની સાથે રાહુલ રવૈલને સખત વાંધો પડી ગયેલો એટલે રાહુલ રવૈલે પોતાનું નામ ફિલ્મના ડિરેક્ટર તરીકે પાછું ખેંચી લીધેલું અને કોર્ટમાં જઈને ઓર્ડર પણ લઈ આવેલા કે નિર્માતાએ ડિરેક્ટર તરીકે કોઈ બીજાનું પણ નામ મૂકવાનું નથી!
ડિરેક્ટર તરીકે નામ ન હોવા છતાં ફિલ્મજગતમાં બધા જાણતા જ હતા કે ‘લવ સ્ટોરી’ રાહુલ રવૈલનું સર્જન છે.
ધર્મેન્દ્રએ પોતાના દીકરા સનીને લોન્ચ કરવા ડિરેક્ટર તરીકે રાહુલ રવૈલ પર પસંદગી ઉતારી અને રાહુલે થોડાક શબ્દોમાં એક શેક્સપિયરની વાર્તા સંભળાવી દીધી એટલે ધર્મેન્દ્રએ પ્રતિભાવ આપ્યો કે ‘ઓહ, દિલીપ કુમારની ‘આન’ ફિલ્મની રિમેક બનાવવી છે, એમ!’
‘ધ ટેમિંગ ઓફ ધ શ્રુ’ શેક્સપિયરની વાર્તા અને એના પરથી ઢગલાબંધ ફિલ્મો બનેલી છે જેમાંની એક આ ‘બેતાબ’ છે. રાહુલ રવૈલનું સુપર્બ ડિરેક્શન અને જાવેદ અખ્તર પાસે લખાવેલી સ્ટોરી અને પટકથા ઉપરાંત આર. ડી. બર્મનનું અદ્ભુત સંગીત અને આનંદ બક્ષી સાહેબના શબ્દો સાથે સાવ નવી જોડી સની દેઓલ અને અમૃતા સિંહ સાથે માતબર કલાકાર શમ્મી કપૂર, નિરૂપા રોય અને પ્રેમ ચોપરા. આજનો સફળ ગાયક સોનુ નિગમ આ ફિલ્મમાં સની દેઓલના બાળપણની ભૂમિકા ભજવે છે માસ્ટર સોનુ નામથી!
મુખ્ય હીરોને ઘોડા ટ્રેઇન કરતા ટ્રેઇનરની ભૂમિકા કદી હિન્દી ફિલ્મમાં આવી નહોતી અને આ ફિલ્મની શરૂઆતમાં જ પરદા પર એક ટ્રકમાં પહાડી ઇલાકામાં એક તોફાની ઘોડાને બાંધીને લઈ જવાતો હોય એવો લોન્ગ શોટ આવે છે અને ટ્રક જ્યારે સ્થળ પર પહોંચે છે ત્યારે નિરૂપા રોય બહાર આવી ટ્રક લાવનારને પૃચ્છા કરે છે અને એના ઉત્તરમાં તેઓ કહે છે કે રાજા સાહેબે ઘોડો ટ્રઇન કરવા મોકલ્યો છે. કોઈ યુવાન પોતે હોલબૂટ પહેરતો હોય છે એ હીરો સની છે અને એ તોફાની અલમસ્ત ઘોડાને કાબૂ કરીને ફેરવવા લઈ જાય છે અને ‘વિજેતા ફિલ્મ્સ’ બેનરથી ટાઇટલ શરૂ થાય છે અને બેકગ્રાઉન્ડમાં થીમ મ્યુઝિક આર. ડી.નું ‘જબ હમ જવાં હોંગે…’
ફિલ્મ જોઈ રહેલા દર્શકોને ફક્ત ચાર જ મિનિટમાં વશમાં કરી લેતો અદ્ભુત સ્ટાર્ટ અને રેસ્ટ ઓફ હિસ્ટરી સની દેઓલની ડેબ્યુ ફિલ્મ ‘બેતાબ’.
આ ફિલ્મનું એક દૃશ્ય ખૂબ જ લોકપ્રિય થયેલું એ વખતે અને આજે પણ જુઓ તો એ દૃશ્ય સુપર્બ ફિલ્માંકન થયેલું છે – સની દેઓલ ગાયને દોહી રહ્યો છે અને બાજુમાં અમૃતા સિંહ બેઠી બેઠી જોઈ રહી છે ત્યારે સની ગાયનાં આંચળમાંથી સીધી દૂધની પિચકારી અમૃતના ચહેરા પર ફેંકે છે અને અમૃતા મોઢું ખુલ્લું કરીને એ દૂધ પી જાય છે!
‘બેતાબ’ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ કાશ્મીરમાં થયેલું, પણ શમ્મી કપૂરની જાગીર બેંગલોરમાં શૂટ કરેલી. આ લોકેશનની મગજમારી કોઈ દર્શકે ન કરી, કારણ કે વાર્તા કહેવાની સ્ટાઇલ અને દિગ્દર્શકની માવજત એટલી સરસ હતી કે દર્શકોએ બેંગલોર અને કાશ્મીરને એક જ લોકેશન બાજુ બાજુમાં જ છે એમ માની લીધાં! ધુરંધર એડિટર વી. એન. નાયકર સાહેબનું ચુસ્ત એડિટિંગ પણ ફિલ્મની બ્લોકબસ્ટર સફળતામાં ભારોભાર ભાગ ભજવે છે. રાહુલ રવૈલની કારકિર્દીમાં ‘બેતાબ’ ફિલ્મ માથા પર પહેરેલા ફિલ્મરૂપી સાફાની બરોબર વચ્ચે શણગાર કરેલી એક કલગી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.