મૈં તુમ્હારે બચ્ચે કી માં બનનેવાલી હૂં

મેટિની

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘ગુડ ન્યુઝ’ની મોસમ પુરબહારમાં ખીલી છે. આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણની સત્તાવાર જાહેરાત પછી કરીના અને કેટરિનાની પ્રેગ્નન્સી વિશે ગુસપુસ ચાલી રહી છે

કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રી

ફિલ્મોમાં જે જોવા મળે છે એની નકલ વાસ્તવિક દુનિયામાં થાય છે કે સમાજમાં જે કંઈ બની રહ્યું છે એનું પ્રતિબિંબ ફિલ્મોમાં દેખાય છે એ રીલ લાઈફ-રિયલ લાઈફના તફાવતની ચર્ચા વર્ષોથી થતી આવી છે. હિન્દી ફિલ્મના ઈતિહાસમાં નંબર વનનું સ્થાન ધરાવતો સદાબહાર સંવાદ ‘મૈં તુમ્હારે બચ્ચે કી માં બનનેવાલી હૂં’ આજકાલ રીલ લાઈફ કરતાં રિયલ લાઈફમાં વધુ ગાજી રહ્યો છે. પ્રિયંકા ચોપડા અને સોનમ કપૂરના ઘરે પારણું બંધાઈ ગયા પછી આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણના ગુડ ન્યુઝ સાંભળી ચાહકો ગેલમાં આવી ગયા છે. વાત આટલેથી નથી અટકતી. અક્ષય કુમાર સાથે ‘ગુડ ન્યુઝ’ નામની ફિલ્મમાં ચમકી ‘સારા સમાચાર’ માટે વલખાં મારતી કરીના કપૂર રિયલ લાઈફમાં ત્રીજી વાર પ્રેગ્નન્ટ બની છે એવી ગપશપ વાયુવેગે ફેલાઈ ગઈ છે. સૈફ અલી ખાન સાથેના મેરેજ પછી બે બાળકોની માતા બની ગયેલી કરીના ત્રીજાનો વિચાર (કદાચ પુત્રી ઝંખના) કરી રહી છે એવી અટકળ બાંધવામાં આવી છે. અલબત્ત કરીના તરફથી આ ગુડ ન્યુઝને સત્તાવાર મોહર નથી લાગી, પણ બેબી બમ્પ સાથે કરીનાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હોવાથી ફેન્સ હરખઘેલા થઈ ગયા છે. વાઇરલ થયેલા ફોટોગ્રાફમાં કરીનાએ લૂઝ ડ્રેસ પહેર્યો હોવાથી એ પ્રેગ્નન્ટ હોવાનું અનુમાન બાંધવામાં આવ્યું છે. સામાન્ય પણે ગ્લેમર ગર્લ્સ પ્રેગ્નન્સી વખતે લૂઝ ડ્રેસ પહેરવાનું પસંદ કરતી હોવાથી બે વત્તા બે બરાબર ચાર જેવી ગણતરી કરવામાં આવી રહી છે. પહેલાં સલમાન ખાન અને પછી રણબીર કપૂર સાથે લગ્નની વાત જેની ચગી હતી એ કેટરિના કૈફ આખરે વિકી કૌશલ સાથે ફેરા ફરી વિવાહના બંધનમાં જોડાઈ ગઈ છે. કેટરિનાના કેસમાં પણ કરીના જેવું જ છે. તાજેતરમાં વાઇરલ થયેલી તસવીરમાં ‘ટાઈગર થ્રી’ની અભિનેત્રી પણ લૂઝ ડ્રેસમાં નજરે પડતાં નેટીઝનો (ઈન્ટરનેટ પર સેલિબ્રિટીની રજેરજ માહિતી મેળવતા લોકો)એ અનુમાન બાંધી લીધું કે ખોળાનો ખૂંદનાર આવવાનો છે. ગમ્મે ત્યારે સત્તાવાર જાહેરાત થશે એવી અટકળ છે. રણવીર સિંહ અને દીપિકાની લવ સ્ટોરી ચાહકોને બહુ જ પસંદ પડી છે. રણબીર કપૂરે દીપિકા સાથે ‘દગો’ કર્યો એવું માનનારાઓની સંખ્યા નાની નથી. દીપિકાએ બહેતર જીવનસાથી પસંદ કર્યો છે એવી લાગણી પણ ચાહકોમાં છે. યુગલ તરીકે શાનથી પેશ આવતી આ અત્યંત લોકપ્રિય જોડી પેરન્ટ્સ બનવાના સમાચારે અનેક લોકોને રાજીના રેડ કરી દીધા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં રણવીર ભવિષ્યમાં અવતરનારાં બાળકો વિશે હોંશે હોંશે વાત કરતો નજરે પડ્યો હતો. સાથે તેણે એમ પણ કહ્યું હતું કે પોતે બાળકો માટે કોંકણી ભાષા શીખી રહ્યો છે. દીપિકાની માતૃભાષા કોંકણી છે. આ વાત થયા પછી થોડા જ દિવસમાં દીપિકાની પ્રેગ્નન્સીના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા.
માતા બનવાની ઉતાવળ કરવામાં ન માનતી આજની ક્ધયા પહેલા બાળકના જન્મ બાદ બેઉ સાથે મોટા થઈ જાય એવી દલીલ અનુસાર પછી બીજું બાળક તરત કરવામાં નથી માનતી. ૨૦૦૭માં અભિષેક સાથે મેરેજ કર્યા પછી ૨૦૧૧માં ઐશ્ર્વર્યા રાયને ત્યાં પારણું બંધાયું અને આરાધ્યાનો જન્મ ૨૦૧૧માં થયો. દીકરી ૧૧ વર્ષની થઈ ગઈ છે ત્યારે બચ્ચન પરિવારની પુત્રવધૂ ફરી ગર્ભવતી બની હોવાના સમાચાર વહેતા થયા છે. હા, દાદાજીએ (અમિતજીએ) હજી બ્લોગમાં જાહેરાત નથી કરી. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર મુલાકાત થઈ અને પછી પ્રેમ થયો જે લગ્નમાં પરિણમ્યો એવાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ પેરન્ટ્સ બનવાનાં છે એની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં રણબીર એવું કંઈક બોલ્યો જેના પરથી નેટીઝનોએ અનુમાન બાંધી લીધું છે કે આલિયા જોડિયા બાળકોને જન્મ આપશે. મા બનવામાં મોડું નથી કરવું એવું માનતી આલિયા તાજેતરમાં ‘ડાર્લિંગ્સ’ ફિલ્મનું પ્રમોશન કરવામાં વ્યસ્ત હતી ત્યારે લોકોને ફિલ્મ કરતાં એની પ્રેગ્નન્સી સંબંધિત જાણકારી મેળવવામાં વધુ રસ હોય એવું લાગતું હતું. પેટમાં બાળક હોય એવી હાલતમાં પ્રમોશન કરતી વખતે સ્ટ્રેસનો અનુભવ નથી થતો એવો સવાલ કરવામાં આવતાં આલિયાએ જોરદાર જવાબ આપી જાણે કે સવાલ પૂછનારની બોલતી બંધ કરી દીધી. ‘જો તમે ફિટ છો, તમારી તબિયત ટનાટન છે, માનસિક સ્વાસ્થ્ય પણ સારું છે તો આરામ કરવાની કોઈ જરૂર જ નથી. કામ કરતા રહેવાથી મને માનસિક રાહત મળે છે. કામ માટે મને લગાવ છે અને બિઝી રહેવાથી સ્ફૂર્તિ રહે છે અને તાજગી લાગે છે. હું તો ૧૦૦ વર્ષની થઈશ ત્યાં સુધી કામ કરતી રહીશ.’ આ વાત જાણી ચાહકોએ તેનાં ઓવારણાં લીધાં, પણ કેટલાક લોકોને એની વાત નથી ગમી અને સોશિયલ મીડિયા પર એની ઝાટકણી કાઢી રહ્યા છે.
———————
લગ્ન વિના બાળક? ‘હે ભગવાન’થી ‘ઈટ્સ ઓકે’
લગ્ન વિના કે લગ્ન પહેલાં બાળકની વાત રીલ અને રિયલ લાઈફમાં કોઈ નવાઈ નથી. ૮૦ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ‘કિસ્મત’માં કુંવારી ક્ધયાને પડદા પર પ્રેગ્નન્ટ થતી જોઈ મોટા ભાગના દર્શકોએ ‘હે ભગવાન’ એવો સિસકારો બોલાવી કેવી કેવી કોમેન્ટ કરી હશે એની કલ્પના કરવી અઘરી નથી. જોકે વાયા ‘આરાધના’ (૧૯૬૯) અને ‘પા’ તેમ જ ‘હે બેબી’માં Out of Wedlock લગ્ન વિના સ્ત્રી માતા બને છે એ વાત દર્શકો માટે સહજથી સ્વીકૃતિની દિશામાં આગળ
વધી રહી છે. અલબત્ત રિયલ લાઈફમાં જો કોઈ અભિનેત્રીની પ્રેગ્નન્સીના સમાચાર ચમકે તો એને ઘૃણાસ્પદ નજરે જોવાના અભિગમમાં બદલાવ આવી
રહ્યો છે.
પશ્ર્ચિમના દેશોમાં તો બાળક મોટું થાય પછી લગ્ન કર્યાં હોવાનાં ઉદાહરણો છે, જ્યારે આપણે ત્યાં હજી વિવાહ વિના વારિસની કલ્પના પ્રત્યે મોં મચકોડવામાં આવે છે. અલબત્ત ૧૯૮૦ના દાયકામાં નીના ગુપ્તાએ દીકરીને જન્મ આપ્યો ત્યારે જે ઊહાપોહ થયો હતો એની સરખામણીમાં આજે એટલો અભાવ નથી જોવા મળતો.
કોઈ ચૂપચાપ ડિલિવરી કરાવી લે છે તો કોઈ ‘નવા મહેમાનની પધરામણી’ વિશે ખુલ્લેઆમ જાહેરાત કરે છે. સારિકા, શ્રીદેવી, અમૃતા અરોરા, નેહા ધુપિયા, કલ્કી કોચલિન, કોંકણા સેન શર્મા, મહિમા ચૌધરી જેવી અભિનેત્રીઓ લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ બની હતી, પણ માતૃત્વ ધારણ કર્યા પહેલાં તેમણે બાળકના પિતા સાથે લગ્ન કરી લીધાં હતાં. નીના ગુપ્તાનો કિસ્સો અલગ છે. વિવ રિચર્ડ્સે પત્ની સાથે છૂટાછેડા લેવાની ના પાડતાં નીના ગુપ્તાએ સિંગલ મધર તરીકે પુત્રીનો ઉછેર કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.