સાત સમુંદર પાર મૈં તેરે પીછે પીછે આ ગયી

મેટિની

૧૯૬૨માં હોલીવૂડમાં જેમ્સ બોન્ડ અવતર્યો અને એની વાંહે વાંહે આપણે ત્યાં પણ જાસૂસી ફિલ્મોનો દોર શરૂ થયો, જેને સાયન્સ ફિક્શન ફિલ્મ તરીકે ખપાવવાનો પ્રયાસ થયો

રવિકાંત નાગાઇચ: ભારતીય બોન્ડના બાપા

હેન્રી શાસ્ત્રી

ભૂપિન્દર સિંહ અને સાવન ગીતોના લેખની આવશ્યકતાને કારણે બે સપ્તાહ પહેલાં અધૂરી રહેલી સાયન્સ ફિક્શન ફિલ્મોની વાત આજે આગળ વધારીએ. અગાઉ દારા સિંહની ‘ચાંદ પર ચઢાઈ’ અને સત્યજિત રાયના રગદોળાયેલા સ્વપ્ન ‘ધ એલિયન’ની વાત આપણે કરી હતી. એ વાતના અનુસંધાનમાં એક મહત્ત્વની ઘટનાનો ઉલ્લેખ જરૂરી છે.
આજથી ૬૦ વર્ષ પહેલાં જેમ્સ બોન્ડની પહેલી ફિલ્મ Dr. No રિલીઝ થઈ હતી. ૧૧ લાખ ડોલરના ખર્ચે બનેલી આ ફિલ્મ આશરે છ કરોડ ડોલરનો વકરો કરવામાં સફળ રહી હતી. ફિલ્મની ભવ્ય આર્થિક સફળતાએ ૧૯૬૦ના દાયકામાં Spy Films -જાસૂસી ફિલ્મોનો દોર શરૂ કર્યો. એમાં From Russia with Love, Goldfinger, To Trap a Spy, The Spy With My Face, Thunderball, Funeral in the Berlinવગેરેનો સમાવેશ થાય છે. વિદેશી ફિલ્મોથી પ્રભાવિત થવાનો અનોખો ઈતિહાસ ધરાવતી હિન્દી ફિલ્મની વાર્તા બોન્ડનાં બાળોતિયાં પહેરે એ માટે ઝાઝી રાહ ન જોવી પડી. અલબત્ત, સાયન્સ ફિક્શનની વ્યાખ્યા અનુસાર ફિલ્મ બનાવવાની કદાચ ત્રેવડ નહોતી અને એટલે આ જાસૂસી ફિલ્મોને સાયન્સ ફિક્શન ફિલ્મનું લેબલ લગાડી દેવામાં આવ્યું.
ખણખોદ અને ખાંખાંખોળા કરતાં જાણવા મળે છે કે રવિકાંત નાગાઇચ દિગ્દર્શિત ‘ફર્ઝ’ (૧૯૬૭) બોન્ડનો ભારતીય અવતાર ગણી શકાય એવી પ્રથમ જાસૂસ હિન્દી ફિલ્મ હતી. વી. શાંતારામની ફિલ્મોમાં સાવ મામૂલી રોલ કરી ગાડું ગબડાવી રહેલા જિતેન્દ્ર આ ફિલ્મથી જમ્પિંગ જેક જિતુજી બની ગયા. અલબત્ત પાત્ર મૌલિક નહોતું તો વાર્તા સુધ્ધાં મૌલિક નહોતી. Goodachari 116 (૧૯૬૬) નામની તેલુગુ ફિલ્મની રિમેક હતી. તેલુગુ ફિલ્મમાં રવિકાંતજી સિનેમેટોગ્રાફર હતા. સર્વ પ્રાથમિક જાણકારી હાથવગી હોવાથી તેમણે તેલુગુ ફિલ્મને જરૂરી મરીમસાલા સાથે હિન્દીમાં બનાવી.
આ સાથે બોન્ડની ફિલ્મના નામને ઉછીનું લઈને કહી શકાય કે ફ્રોમ ઈન્ડિયા વિથ લવ જાસૂસી ફિલ્મોના દોરની દબદબાભેર શરૂઆત થઈ. મજેદાર વાત તો એ છે કે તેલુગુ ફિલ્મ ફ્રાન્સ અને ઈટલીના સહયોગમાં બનેલી Banco a Bangkok પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી હતી. ફિલ્મનો નાયક ગોપાલ કિશન પાંડે ઉર્ફે એજન્ટ ૧૧૬ (જિતેન્દ્ર)ને અન્ય એજન્ટ ૩૦૩ના મોતનું રહસ્ય ઉકેલવાની જવાબદારી સોંપવામાં આવે છે. વાર્તાના આ પ્લોટની સાથે પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ, ભારત-ચીન યુદ્ધ અને હા, હીરો-હિરોઈનના ડાન્સ- રોમેન્સ સાથેનું આ મિસળ દર્શકોને ચટાકેદાર લાગ્યું અને ફિલ્મ સફળ સાબિત થઈ. ત્યાર બાદ આવી રામાનંદ સાગરની ‘આંખેં’. એક ડગલું આગળ વધી ‘આંખેં’માં નક્સલાઈટ્સ સાથેની આંતરિક લડાઈ અને સરહદ પર પાડોશી દેશો સાથેના યુદ્ધની સમસ્યા પર ફોકસ કરી આ બંને મોરચે નજર રાખી શકે એવી આંખોની આવશ્યકતાને પગલે જાસૂસની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. દેશભક્તિ, દેશદાઝ હીરોમાં હોવી જરૂરી ગણાતી હતી, એટલે ‘ધ ટ્રેન’નો નાયક સીઆઈડી પોલીસ ઓફિસર (રાજેશ ખન્ના) પ્રેમિકાના પિતા ગુનેગાર હોવાથી તેની ધરપકડ કરે છે અને પ્રેમિકા સાથેના સંબંધ કરતાં દેશ પ્રત્યેની વફાદારી ચડિયાતી હોવાનું પ્રસ્થાપિત કરે છે.
હોમી વાડિયાએ પણ બોન્ડને સલામી આપતી ‘ખિલાડી’ (૧૯૬૮) બનાવી હતી. એજન્ટ મેડમ એક્સના રોલમાં ફિયરલેસ નાદિયા હતી જે એજન્ટ ૭૦૭ સાથે હાથ મિલાવી અપહરણ કરવામાં આવેલા અણુ વૈજ્ઞાનિકને હેમખેમ લાવવાનું મિશન પૂરું કરે છે. જેમ્સ બોન્ડની ફિલ્મોમાં નજરે પડતાં હતાં એ પ્રકારનાં ગેજેટ્સ દેખાડવાની કોશિશ પણ આ ફિલ્મમાં થઈ હતી. આ ફિલ્મોના વિલન ધનાઢ્ય બિઝનેસમેન કે પછી બદઈરાદા ધરાવતા વૈજ્ઞાનિક રહેતા જે અંગત સ્વાર્થ માટે દેશને વેચી નાખતાં અચકાતા નહીં. વિલનના કોસ્ચ્યુમ્સ પણ વિચિત્ર રહેતા અને એના સંવાદ જાણે કે દુનિયા એના બાપની હોય એ પ્રકારના રહેતા. ૧૯૩૮માં સાગર સ્ટુડિયોએ ‘ડાયનામાઈટ’ નામની ફિલ્મ બનાવી હતી. ફિલ્મના પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે ‘આ ફિલ્મનું રહસ્ય ઉકેલવામાં તમે એવા ગૂંચવાઈ જશો કે માથું ખંજવાળતાં ખંજવાળતાં તમારા માથે ટાલ પડી જશે.’ ફિલ્મમાં વિલન વિજ્ઞાનની મદદથી જગત આખા પર કાબૂ મેળવવા શું શું કરી શકે છે એ દેખાડવામાં આવ્યું છે. રહસ્યવાદ, પૌરાણિક કથા અને વિજ્ઞાનની ભેળ બનાવી તૈયાર થયેલી ફિલ્મોને સાયન્સ ફિક્શન ફિલ્મ તરીકે ખપાવવાના પ્રયાસ થયા છે. ‘એર મેલ’ નામની ફિલ્મનો હીરો જીવના જોખમે ફ્રેન્ડની ફોર્મ્યુલાની રક્ષા કરે છે.
હીરોને કામમાં ફતેહ મળે એ માટે વૈજ્ઞાનિક હીરોમાં અદ્ભુત શક્તિનું નિરૂપણ કરે છે અને હીરો ઊડી શકે છે, બંદૂકમાંથી છૂટેલી ગોળી એને મારી નથી શકતી વગેરે.
વિજ્ઞાન અને પારંપરિક વિદ્યા એક ત્રાજવામાં રાખવાનો એ પ્રયાસ હતો. હીરો અદૃશ્ય થાય એ પણ આ કહેવાતી સાયન્સ ફિક્શન ફિલ્મનું વિશેષ તત્ત્વ રહ્યું છે. ‘મિસ્ટર ઈન્ડિયા’ એનું સૌથી જાણીતું ઉદાહરણ છે. અગાઉ ‘મિસ્ટર એક્સ’, ‘મિસ્ટર એક્સ ઈન બોમ્બે’ અને ‘પ્રોફેસર કી પડોસન’માં આ કમાલ જોવા મળી હતી. એકવીસમી સદીમાં સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવવા માટે સજ્જતા વધી છે અને ‘રા વન’ એનું આગવું ઉદાહરણ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.