IPL 2022 Finalની ટિકિટ ચેન્નઈ સુપર કિંગ્સે મેળવી લીધી છે અને આ સાથે જ ચેન્નઈ અત્યાર સુધીમાં 14 સિઝન રમીને 10 વખત ફાઈનલમાં પ્રવેશ મેળવી ચુક્યુ છે. આ વખતે કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોનીએ ગુજરાત ટાઈટન્સ સામે 172 રનના સ્કોરને સુરક્ષિત રાખવા માટે પોતાના અનુભવનો અહેસાસ મેચ જોનારા સૌને કરાવ્યો હતો. ધોનીએ આ મેચમાં એવા એવા નિર્ણયો લીધા હતા કે જે ચેન્નઈની જીત માટે મહત્વની ચાલ સમાન સાબિત થાય હતા. સિઝનની સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલી ટીમ ગુજરાત ટાઈટન્સને ઓલ આઉટ કરીને સીએસકેએ આ જીત મેળવી હતી. આ મેચ દરમિયાન સીએસકેની જીતની સાથે સાથે ધોનીને ફિલ્ડ અંપાયર સાથે દલીલ વિશે પણ ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. આ દલીલ પળભરની જ નહોતી, આ દલીલને કારણે અમુક મિનિટો માટે રમત રોકી દેવામાં આવી હતી અને દલીલ ચાલુ રહી હતી.
હવે તમને એવો સવાલ થશે કે, આખરે ધોની અને અમ્પાયર વચ્ચે શુ ઘર્ષણ થયુ હશે? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. વાત જાણે એમ છે કે, એક નિયમને લઈ કેપ્ટન તરીકે ધોની અમ્પાયર સાથે દલીલ કરી રહ્યો હતો. દલીલ કરવા પાછળનું કારણ પણ ખૂબ જ સ્વાભાવિક હતું કે, ચેન્નાઈને ફાઈનલની ટિકિટ મેળવવાની હતી. આવી પરિસ્થિતીમાં ધોની તમામ પાસાઓનો વિચાર કરીને જ મેચમાં આગળ વધે એ ખૂબ સ્વભાવિક છે. ધોની પથિરાણાને બોલિંગ માટે એટેકમાં લગાવવા માંગતો હતો અને અમ્પાયરે તેને એવું કરતો અટકાવ્યો હતો અને આમ કરવા પાછળ ક્રિકેટનો જ એક નિયમ જવાબદાર છે.
ગુજરાત તરફથી રાશિદ ખાન અને વિજય શંકરની જોડી બેટિંગ કરી રહી હતી અને આ બંનેની પાર્ટનરશીપ મેચનું પાસુ ગુજરાત તરફ કરી દેવા માટે સક્ષમ હતી. આવા સંજોગોમાં ચેન્નાઈની એક ચૂક ફાઈનલ માટેની રાહ વધારે લંબાવી શકે એમ હતી. જેને ધ્યાનમાં રાખીને મથિષા પથિરાણાને 16મી ઓવર લઈને આવવા માટે ધોનીએ ઉતાર્યો હતો. અમ્પાયરે પથિરાણાને બોલિંગ કરતા પહેલા જ અટકાવી દીધો હતો. ધોની આ વાતને લઈ કેપ્ટન તરીકે દલીલ કરવા માટે સીધો જ ફિલ્ડ અમ્પાયર પાસે પહોંચી ગયો હતો. જ્યાં તેણે અમ્પાયર સાથે કેપ્ટન કૂલે મથિરાણાને બોલિંગ આપવા માટે થઈને ચર્ચા કરવા લાગ્યો હતો.
ધોની પથિરાણાને બોલિંગ માટે ઉતારવા માટે મગજમાં બધા કેલ્ક્યુલેશન સાથે તૈયાર હશે એ વાતમાં કોઈ શંકા જ નથી. આ માટે તેણે 16મી ઓવર પથિરાણા પાસે જ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. પથિરાણાને અમ્પાયરે એક નિયમ મુજબ અટકાવી દીધો હતો. આ નિયમ બોલરના બ્રેક બાદ ફિલ્ડમાં રહેવા સંબંધિત છે. પથિરાણા બોલિંગ કરવા માટે આવ્યો એ પહેલાં તે મેદાનની બહાર બ્રેક લઈને ગયો હતો એટલે તે સીધો બોલિંગ કરી શકે નહીં તેવો ક્રિકેટનો નિયમ છે. જેને લઈ અમ્પાયરે તેને અટકાવી દીધો હતો.
નિયમ એ કહે છે કે, બોલર જેટલા સમય માટે બ્રેક લઈને મેદાનની બહાર જાય છે એટલો જ સમય મેદાનમાં ફિલ્ડીંગ દરમિયાન વિતાવવો જરુરી છે અને ત્યાર બાદ જ તે ફરી બોલિંગ માટે એટેક પર આવી શકે છે. એનો અર્થ એ થયો કે પથિરાણાએ જેટલો સમય મેદાનની બહાર વિતાવ્યો એટલો સમય મેદાનમાં વિતાવવો બોલિંગ કરવા માટે જરુરી હતો. જોકે, અમ્પાયર સાથે કેપ્ટન કૂલે લગભગ ચારેક મિનિટ જેટલો સમય ખર્ચ્યો હતો અને આ ચાર મિનિટમાં પથિરાણાનો મેદાનમાં હાજર રહેવાનો સમય થઈ ગયો હતો. એટલે કે તે હવે બોલિંગ કરવા માટે નિયમાનુસાર યોગ્ય થઈ ગયો હતો. આમ અમ્પાયર સાથે ચર્ચા અને રકઝકમાં સમય વિતાવીને પણ ધોની નિયમાનુસાર 16મી ઓવર પોતાના ગણિત મુજબના બોલર પાસે કરાવવામાં સફળ રહ્યો હતો.