મહાવીરે સાચા અર્થમાં મનુષ્ય બનવાનો અને સુખ-શાંતિથી જીવવાનો માર્ગ બતાવ્યો છે

ધર્મતેજ

જિનદર્શન-મહેન્દ્ર પુનાતર

મહાવીર પ્રભુએ આ જગતને સત્ય, પ્રેમ અને અહિંસાનો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો છે. જીવનને આનંદમય, આદર્શપૂર્ણ અને ઉત્કૃષ્ટ બનાવવા માટેનો આ સાચો માર્ગ છે. અશાંતિ અને ઉપદ્રવોથી ખદબદતા અત્યારના આ જગતમાં મહાવીરનાં વચનો એટલાં જ યથાર્થ રહ્યાં છે. ૨૫૦૦થી વધુ વર્ષ પહેલાં તેમણે જે ચેતના જગાવી હતી તેની જ્યોતિ ચોમેર ઝગમગતી રહી છે. મહાવીરના વચનો શાશ્ર્વત છે, સદાકાળ છે. તેમાં માનવ સ્વભાવ અને જીવનની સૂક્ષ્મ બારીકાઈનું નિરીક્ષણ છે. મનુષ્ય થવું બહુ કઠિન છે. ભગવાન મહાવીરે સાચા અર્થમાં મનુષ્ય બનવાનો માર્ગ બતાવ્યો છે. તેમણે કહ્યું છે કે ઇન્દ્રિયો શિથિલ થાય એ પહેલાં ધર્મનું ચિંતન કરો અને જીવનને સુધારો. બધા જ ઉપદ્રવો મનની અંદરના છે. શત્રુ, મિત્ર, સારું નરસું બધુ મનની અંદર જ છે. બહાર ક્યાંય નથી. મન પર વિજય મેળવવો એ ખરો વિજય છે.
ભગવાન મહાવીરે કહ્યું છે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. જે મનુષ્યનું મન આવા ધર્મમાં સદા સંલગ્ન છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે. ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર થવું. મહાવીરે ધર્મની એક પરિભાષા કરી છે. ધર્મ સ્વભાવ છે. જેઓ પોતાની આંતરિકતામાં જીવતા હોય તેઓ પરમ આનંદ અને મંગલને પ્રાપ્ત કરે છે. વાસનાઓ જ્યારે અટકી જાય ત્યારે એ પરમ આનંદની સ્થિતિ હોય છે. વાસનાની દોડમાં અટકી જવામાં આત્માનું અસ્તિત્વ છે. જે સ્વયંમાં છે, સ્થિર છે એ શક્તિનું નામ આત્મા છે.
મહાવીરની દ્રષ્ટિએ ધર્મ એટલે અહિંસા સંયમ અને તપ. આમાં ધર્મનો તમામ સાર આવી જાય છે. અહિંસા આત્મા છે. તપ શરીર છે અને સંયમ પ્રાણ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રત જીવનમાં પાળવાને ધર્મ કહ્યો છે. આમાં જીવનની તમામ બાબતો આવી જાય છે.
અહિંસાનો અર્થ છે પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ. આપણા થકી મન વચન અને કાયાથી કોઈને દુ:ખ પહોંચવું જોઈએ નહીં. કોઈ જીવને ઈજા પહોંચાડીએ, મારી નાખીએ તો જ હિંસા થાય છે એવું નથી. કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે દુ:ખ પહોંચાડીએ એ પણ હિંસા જ છે. મહાવીર કહે છે રાગ, દ્વેષ, ક્રોધ, માન માયા, લોભ, તૃષ્ણા અને લાલસા એ પણ હિંસાના સૂક્ષ્મ સ્વરૂપો છે. હિંસાનો અર્થ છે બીજાને દુ:ખ દેવાની ઈચ્છા આકાંક્ષા, હિંસાનો અર્થ છે બીજાને દુ:ખ આપીને સુખ પ્રાપ્ત કરવાનો પ્રયાસ. કેટલાક લોકોને બીજાને ત્રાસ આપવામાં મજા આવે છે તો કેટલાક પોતાને ત્રાસ આપીને દુ:ખી થયા કરે છે. તેઓ દુ:ખી થવાનાં કારણો શોધી કાઢે છે. આ બધા હિંસાના સૂક્ષ્મ સ્વરૂપો છે. જીવનનો આનંદ અને સુખ આપણા પોતાનામાં છે અને તે આપણા પોતાના થકી મળવાનું છે. માણસ બીજાને દુ:ખ આપીને કદી સુખ મેળવી શકે નહીં.
મહાવીરનાં વચનો છે કે સમગ્ર ચૈતન્ય એકસાથે સંકળાયેલું છે. એમાં જે કંઈ ઘટના બને છે તે એક યા બીજા સ્વરૂપે વહેલી કે મોડી સર્વને અસર કરે છે. એક આત્માનો આ વિસ્તાર છે. આપણા જેવો જીવ અને ચૈતન્ય બીજામાં પણ છે. સૌને જીવ વહાલો છે. સૌને સુખ ગમે છે. સૌ કોઈ સુખ મેળવવા અને દુ:ખ ટાળવા મથામણ કરે છે. આપણે જેવું ઈચ્છીએ છીએ એવું બીજા પણ ઈચ્છે છે. એટલે કોઈને દુ:ખ આપવામાં, કોઈનું અપમાન કે અવહેલના કરવામાં કે કોઈની પર અંકુશ રાખવામાં કે કોઈને ગુલામ બનાવવામાં આપણી પોતાની ગુલામી છે. હકીકતમાં જે કોઈ બીજાને બાંધવાનો પ્રયાસ કરે છે તે ખુદ બંધાઈ જાય છે. અહીં સૌ કોઈ પોતાને માલિક સમજે છે. પ્રેમમાં પણ કોઈને બાંધી રાખવાની અને સ્વામીત્વની ભાવના હોય તો પ્રેમ પણ હિંસામાં પરિણમે છે. પ્રેમમાં બંધન આવે ત્યારે પ્રેમ ખોવાઈ જાય છે.
મહાવીર કહે છે તમે જેવું વર્તન બીજા પાસેથી ઈચ્છો છો એવું બીજા પ્રત્યે દાખવો. ધર્મનો આ સાર છે. પરંતુ મહાવીર આગળ વધીને કહે છે જો તમને એવો ખ્યાલ આવી જાય કે બીજો કોઈ બીજો નથી એ તમારા જેવો જ આત્મા, તમારા જેવો જ સુખ દુ:ખનો આકાંક્ષી અને તમારું જ સ્વરૂપ છે તો તમે તેને દુ:ખ પહોંચાડી શકો નહીં. આ સત્ય સમજાઈ જાય તો તમે કોઈને બાંધશો નહીં અને કોઈથી બંધાશો નહીં. અને તેનું દુ:ખ તમારું દુ:ખ બની રહેશે. આવો ભાવ માણસને અહિંસા તરફ દોરી જશે. આપણી હાજરી કે ગેરહાજરી કોઈ માટે જરા સરખી પણ અડચણ ઊભી કરે કે બાધારૂપ નીવડે તો તેમાં પણ હિંસા છે.
સંયમ એટલે ધર્મનો માર્ગ અને જીવનનું સંતુલન. મહાવીરનો સંયમનો અર્થ છે મધ્યમાં રહેવું. આ જગતને જેવું છે તેવું જાણવુ. ધર્મ કહે છે જીવનમાં કંઈ પણ અતિ સારું નથી. અતિ લોભ, અતિ ક્રોધ, અતિ ભોજન, અતિ નિંદ્રા, અતિ ધન, આ બધું ક્યાંય ને ક્યાંય દુ:ખ અને મુશ્કેલી ઊભી કરે છે. માણસનું સમગ્ર જીવન બે અતિ પર અટવાયેલું છે. આપણું મન એક અતિ પરથી બીજા અતિ પર જલદીથી સરકી જાય છે. એટલે ઘડીક દોસ્તી, ઘડીક દુશ્મની, ઘડીક પ્રેમ, ઘડીક ધ્રુણા આવી લાગણી અને ભાવો ઊભા થયા કરે છે. મહાવીર ભગવાનનો ઉપદેશ જીવનના તમામ આયામોમાં સંતુલન જાળવવાનો છે. આ માટે તેમણે સમ્યક્ શબ્દનો ઉપયોગ કર્યો છે. કાંઈ વધુ નહીં, કાંઈ ઓછું નહીં. બધુ પર્યાપ્ત. જીવનમાં જે કાંઈ બને તે સ્વાભાવિક બનતું રહે અને તમામનો સ્વીકાર. સુખ આવે તો સુખ દુખ આવે તો દુ:ખ બધાને આવકાર. દુ:ખને ઓછું કરવાનો આ એક માત્ર ઉપાય છે. ધર્મ કહે છે તમે શું કરો છો તેનું મહત્વ નથી. તમે કેવા છો તેનું મહત્ત્વ છે. તમારી પાસે શું છે તેનું નહીં પણ તમારું આચરણ કેવું છે તેની મહતા છે. ધર્મમાં દંભ અને દેખાવને કશું સ્થાન નથી. સંયમી વ્યક્તિઓના જીવનમાં એવી કોઈ ઘટના બનતી નથી જેને પ્રદર્શિત કરવી પડે. હું છું એમ કહેવાની પણ તેને જરૂર પડતી નથી. તેમનું જીવન પારદર્શક હોય છે. અતિ ઉપરથી ઊતરી જઈએ અને મધ્યમ માર્ગ અપનાવીએ તો બધું સરળ છે.
જૈન ધર્મમાં ત્યાગ અને તપશ્ર્ચર્યાનું સવિશેષ મહત્વ છે. તપશ્ર્ચર્યાનો મુખ્ય હેતુ દેહશુદ્ધિ , આત્મશુદ્ધિ, સંયમ અને કર્મ નિર્જરા છે. કષાયોને દૂર કરવા અને કર્મોને ખપાવવા માટે તપ જરૂરી છે. જેમ શરીરની સફાઈ માટે સ્નાન કરીએ, મેલ કાઢીએ તેમ મનની સફાઈ માટે આંતરધ્યાન કરવું જરૂરી છે. તપશ્ર્ચર્યા જ્ઞાનમય અને સાધના પૂર્ણ હોવી જોઈએ. તેનો મુખ્ય ઉદ્દેશ ઈન્દ્રિયો પર કાબૂ મેળવવાનો અને મનને ભટકતું રોકવાનો છે. તપમાં ત્યાગની ભાવના અને મન સ્થિર અને શાંત બનવું જોઈએ. મહાવીરે અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મને શ્રેષ્ઠ મંગલ કહ્યો છે. શરીર સાથેના તાદાત્મ્યને તોડવાની પ્રક્રિયા એટલે તપ.
આ જગતમાં અત્યારે અશાંતિ અને ઉપદ્રવ છે તેનું મુખ્ય કારણ દરેક માણસ પોતાની વાતને સાચી માને છે. હું કહું એ જ સાચું બીજું બધું ખોટું. પોતાના કહેવાતા સત્ય માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. મહાવીરે આ દુનિયા માટે એક મહત્ત્વની વાત કરી છે કે પૂર્ણ સત્યની અભિવ્યક્તિ ક્યારેય થઈ શકતી નથી. દરેકની વાતમાં થોડા સત્યના અંશો રહેલા હોય છે. આવા થોડા થોડા સત્યના અંશો પૂર્ણ સત્ય તરફ દોરી જાય છે. આ વિચારસરણીમાંથી મહાવીરનો શ્યાદવાદનો સિદ્ધાંત ઊભો થયો છે. અનેકાન્તવાદની આ વાત અત્યારના સંદર્ભમાં અતિ મહત્ત્વની છે. સત્ય હંમેશાં અધૂરું પકડાય છે. ભાષાની, તર્કની, બોલનારની, સાંભળનારની એક સીમા હોય છે. સત્ય આ સીમાથી પાર છે. મહાવીરની આ વિચારધારાને જગત જ્યારે યથાર્થ રીતે સમજશે ત્યારે સાચી શાંતિ, મૈત્રી અને સંવાદિતા ઊભી થશે. માનવજાતને અશાંતિ, વેરઝેર અને વિષાદમાંથી ઉગારવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.