(તસવીરો: હરેશ સોની જૂનાગઢ)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જૂનાગઢના ભવનાથના શિવરાત્રિના મેળાનો બુધવારથી શુભારંભ કરવામાં આવ્યો હતો. અખાડાના મહામંડલેશ્ર્વર હરીગિરિ મહારાજ અને મહામંડલેશ્ર્વરો, ભક્તો, ભવનાથના સાધુ સંતો જૂનાગઢના સત્તાધીશોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરના હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચના કરી વિધિવત ભક્તિમય વાતાવરણ વચ્ચે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જૂનાગઢમાં પવિત્રતાથી ઢંકાયેલી ભવનાથ તળેટી આદિ-અનાદિ કાળથી ચાલતી આવતી પાવનકારી પરંપરાઓ મુજબ ૧૫મી ફેબ્રુઆરી બુધવારે નોમના દિવસે ભવનાથ મહાદેવની ધર્મ ધજાનો ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરવામાં આવી હતી. મહામંડલેશ્ર્વર મહેન્દ્રાનંદ ગિરિ મહારાજે શિવરાત્રિના મેળાની શરૂઆત થતા જણાવ્યું હતું કે, ભવનાથમાં જૂના અખાડામાં, આવાહન અખાડામાં, અગ્નિ અખાડામાં અને ભારતી આશ્રમ ખાતે તમામ જગ્યાએ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જે મેળાની પરંપરા છે તે અનુસાર મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. શિવરાત્રિના મેળામાં તમામ પ્રકારના અન્નક્ષેત્રો શરૂ કરી દેવામાં આવ્યા છે અને ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સાથે ભારત વર્ષનો શ્રેષ્ઠ મેળો એટલે શિવરાત્રિનો મેળાની આજથી શરૂઆત થઈ છે જે ૧૮મી ફેબ્રુઆરી સુધી મેળો રહેશે. ૧૮મી ફેબુ્રઆરીએ શિવરાત્રિની રાત્રે નાગા સાધુઓની રવેડી નીકળશે અને મૃગી કુંડમાં શાહી સ્નાન થશે અને મેળાની પૂર્ણાહુતિ થશે. બીજા દિવસે ગોલા પૂજન શરૂ કરી દેવામાં આવશે. ચાર દિવસના મહાશિવરાત્રિ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી આવતા હોય છે. આગામી ચાર દિવસ સુધી ભવનાથ તળેટી ખાતે શિવ ઉપાસકો નાગા સંન્યાસીઓ અને દૂર દૂરથી આવતા ભાવિકોની આ પવિત્ર મેળાની મજા માણશે. દેશભરમાંથી આવેલા નાગા સંન્યાસીઓએ મેળામાં પાવનકારી ધજા પૂજનનો ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ: ભવનાથ મંદિરે સાધુ સંતોએ ધ્વજા ચડાવી
RELATED ARTICLES