ઔરંગાબાદ: કર્ણાટક સાથેના સરહદી વિવાદમાં રાજ્ય સરકારનો કાનૂની કેસ મજબૂત હતો, એવું રવિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં સરહદી વિવાદની લડાઇમાં ગંભીર ન હોવાના વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢતાં ફડણવીસે કહ્યું હતું કે આવી શંકાઓને કોઇ અવકાશ નથી. રાજ્ય સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે. હવે અમે સિનિયર એડવોકેટ હરીશ સાલવેનો સંપર્ક કર્યો છે અને અમને આશા છે કે તેઓ અમારા કેસનું પ્રતિનિધિત્વ કરશે.
અહીં પત્રકારો સાથે વાતચીત કરતાં ફડણવીસે એનસીપીના વડા શરદ પવારની ટીકાને ગંભીરતા લીધી નહોતી, જેમણે તાજેતરમાં કહ્યું હતું કે નેતાઓએ સત્તામાં આવ્યા પછી પોતાના પગ જમીન પર રાખવા જોઇએ.
અમે અમારી જમીન જાણીએ છીએ… અમે જમીન પર જ ચાલીએ છીએ… અમે જમીન પરના લોકોના સંપર્કમાં
છીએ. તેથી તેમણે પહેલાં તપાસ કરવી જોઇએ કે કોણ હવામાં છે, એવું ફડણવીસે પવારને વળતો જવાબ આપતાં જણાવ્યું હતું.
દરમિયાન મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલા સીમાવિવાદના મુદ્દે શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિવિધ પક્ષો સાથે બેઠક બોલાવી છે. આ અંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશના ટોચના કાનૂની નિષ્ણાતોને જોડીને આ કેસને કોર્ટ સમક્ષ મજબૂત રીતે કરવો જોઇએ. સીમાવિવાદ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.