નાશિક: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી)ની બસ સાત વાહન સાથે ટકરાયા બાદ સળગીને ખાક થઈ ગઈ હોવાની ઘટના નાશિક જિલ્લામાં બની હતી. બે બસની વચ્ચે ફસાઈ ગયેલી બે બાઈક પણ સળગી ઊઠી હતી, જેને કારણે ગંભીર રીતે દાઝેલા બાઈકસવારોનાં મોત નીપજ્યાં હતાં. બસ સળગી ઊઠતાં જ મદદે આવેલા સ્થાનિક રહેવાસીઓએ બસની બારીના કાચ તોડી પ્રવાસીઓને બચાવી લીધા હતા.
પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત નાશિક-પુણે હાઈવે પર પળસે ગામ નજીક ગુરુવારે સવારે ૧૧.૪૫ વાગ્યાની આસપાસ થયો હતો. પુણેના રાજગુરુનગરથી નાશિક આવી રહેલી બસની બ્રેક ફેલ થઈ હતી. ચાર બાઈક અને બે એસયુવી સાથે ટકરાયા બાદ બસ સિન્નરથી આવી રહેલી બીજી એમએસઆરટીસીની બસ સાથે ભટકાઈ હતી.
આ વિચિત્ર અકસ્માતમાં બે બસ વચ્ચે ફસાઈ ગયેલી બન્ને બાઈક સળગી ગઈ હતી, જેને કારણે બાઈકસવાર બે જણનાં દાઝી જવાથી મૃત્યુ થયાં હતાં. મૃતકોની ઓળખ મેળવવાના પ્રયાસ પોલીસે હાથ ધર્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ રાજગુરુનગરથી આવેલી બસ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. આખી બસ સળગીને ખાક થઈ ગઈ હતી. દરમિયાન બસને સળગતી જોઈ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. સળગતી બસની બારીના કાચ તોડી સ્થાનિકોએ ૪૩ પ્રવાસીને બચાવી લીધા હતા. અમુક પ્રવાસી નજીવા દાઝ્યા હતા, જ્યારે એક ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જખમીઓને સારવાર માટે નાશિક મહાપાલિકાની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
દરમિયાન બનાવની જાણ થતાં નાશિક રોડ ફાયર સ્ટેશનથી બે ફાયર ટેન્ડર્સ અને શિંગાડા તળાવ ફાયર સ્ટેશનથી એક રેસ્ક્યૂ વૅન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કલાકની જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
પ્રથમદર્શી રાજગુરુનગરથી આવેલી બસની બ્રેક ફેલ થઈ હોવાનું જણાયું હતું. જોકે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. અકસ્માત અને ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોને કારણે અમુક કલાક સુધી વાહનવ્યવહારને અસર થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નાશિક જિલ્લામાં જ નાશિક-ઔરંગાબાદ હાઈવે પર ૮ ઑક્ટોબરે થયેલા અકસ્માતમાં ૧૩ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે ૩૫ જણ ઘવાયા હતા. એક ટ્રક સાથે ટકરાયા પછી ખાનગી બસમાં આગ લાગતાં આ કરુણ ઘટના બની હતી.
MSRTCની બસ સાત વાહન સાથે ટકરાયા પછી સળગી ઊઠી: બેનાં મોત
RELATED ARTICLES