મુંબઈઃ મહારાષ્ટ્રમાં રામ નવમીની શોભાયાત્રા પૂર્વે ઔરંગાબાદમાં હિંસા થઈ હતી, જ્યારે મલાડમાં પણ બે જૂથની વચ્ચે મારામારી અને પથ્થરમારાના બનાવ બન્યા હતા. મલાડમાં હિંદુ સંગઠન દ્વારા દર વર્ષે રામ નવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે, જે અન્વયે ગઈકાલે શોભાયાત્રા વખતે બે પક્ષ આમને સામને આવી ગયા હતા. શોભાયાત્રામાં મલાડના માલવણી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બે જૂથ આમનેસામને આવી ગયા હતા અને ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક પહોંચીને તેમને અલગ અલગ કર્યા હતા. મલાડમાં પરિસ્થિતિ અંકુશમાં રહી હોવા છતાં શોભાયાત્રા પર કરવામાં આવેલા પથ્થરમારાને લઈ ભાજપ (ભારતીય જનતા પક્ષ)ના નેતા દ્વારા માલવણી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો તથા ઘાયલ થયેલા યુવકના મેડિકલ રિપોર્ટ પણ પોલીસ સ્ટેશનના અધિકારીને આપવામાં આવ્યા હતા.
Maharashtra | Tension prevailed for some time during the Ram Navami procession in Malvani area but the police handled it & the situation is under control. One person suffered minor injuries in the incident. Legal action is being taken & further probe is underway: Ajay Bansal, DCP… pic.twitter.com/KXMrNO3zLi
— ANI (@ANI) March 31, 2023
આ મુદ્દે કોઈ કેસ તો કરવામાં આવ્યો નથી, પરંતુ પથ્થરમારા અને બે જૂથ વચ્ચેની મારપીટના ફોટોગ્રાફ અને વીડિયો પણ વાઈરલ થયા હતા. અત્યાર સુધીમાં આ મુદ્દે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. અમુક અજ્ઞાત લોકો દ્વારા માહોલને ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિને અંકુશમાં લાવી દેવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. શોભાયાત્રા વખતે પથ્થરમારામાં એક વ્યક્તિ ઘાયલ થઈ છે તથા એના મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે વધુમાં જણાવ્યું હતું. ઔરંગાબાદમાં પણ બે જૂથ વચ્ચેની મારામારીને લઈ 13 વાહનને આગ ચાંપવામાં આવી હતી, જ્યારે પથ્થરમારામાં પણ 10 પોલીસ ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં થયેલી હિંસા મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા છે, કારણ કે સરકાર, પોલીસ, ગૃહ પ્રધાનનું અસ્તિત્વ નથી, મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન ક્યાં છે? સંભાજીનગરમાં કારણ વિના હિંસા થઈ હતી, કારણ કે બીજી એપ્રિલે મહાવિકાસ આઘાડીની રેલી છે. આ હિંસા સરકાર પ્રેરિત હતી, એવો રાઉતે દાવો કર્યો હતો.