હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી અનુસાર, ગુરુવારે સવારે મુંબઈના ઉપનગરો અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મુંબઈ ઉપનગરોના દહિસર, બોરીવલી વિસ્તારમાં ગઈ રાતથી જ ઝરમર વરસાદ પડી રહ્યો છે. થાણે, દિવા, ડોમ્બિવલી, કલ્યાણ, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર અને ગ્રામીણ વિસ્તારોમાં ગુરુવારે સવારથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે કામ પર જતા કામદારોની સંખ્યામાં ઘટાડો થયો છે. અચાનક પડેલા વરસાદને કારણે ઘરની બહાર નીકળેલા નોકરી ધંધે જનારા લોકોને અટવાવાનો વારો આવ્યો હતો.

જો આગામી કેટલાક કલાકો સુધી ઝરમર વરસાદ ચાલુ રહેશે તો રોડ ટ્રાફિક અને લોકલ ટ્રેન સેવાઓને અસર થવાની શક્યતા છે.થોડા દિવસો પહેલા કમોસમી વરસાદથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને ભારે નુકસાન થયું હતું. તે પછી માર્ચ મહિનામાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળે છે. એકંદરે આ અચાનક વરસાદ દરેક માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન મુંબઈમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તો હવે જોવું રહ્યું કે વરસાદ મુંબઈકરોની માથાકૂટમાં કેટલો વધારો કરશે.