ઉદ્ધવ ઠાકરેને જે ડર હતો આખરે એ જ થયું, મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં રાજ ઠાકરેની એન્ટ્રી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શિવસેનામાં બળવો કરી અલગ જૂથ બનાવનાર એકનાથ શિંદે સામે કાયદાકીય ગુંચવણ ઊભી થઇ છે. જો બે તૃતીયાંશ ધારાસભ્યોનું જૂથ તેમની સાથે હોય તો પણ તેમની પાસે અન્ય પક્ષમાં ભળી જવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. આ વાતને ધ્યાનમાં રાખીને રાજકીય હિલચાલ તેજ થઇ છે અને એવામાં સંકટમોચન બનીને મનસેના રાજ ઠાકરે શિંદેની મદદે આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેને આ જ વાતનો ડર હતો અને તેમનો ડર સાચો પડી રહ્યો છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ બે દિવસ પહેલા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ બરોડા ખાતે મધ્ય રાત્રિએ મુલાકાત કરી હતી.. તેમની બેઠકમાં આ મુદ્દા પર જ ચર્ચા થઇ હતી. કાયદાકીય માર્ગે લડવામાં ઘણો સમય નીકળી જાય એમ છે અને ધારાસભ્યો પાસે એટલી ધીરજ નથી. પોતાના મતવિસ્તારમાં નકારાત્મક વાતાવરણ સર્જાય એ પહેલા તેઓ આ સમસ્યાનું સમાધાન ઇચ્છે છે.
દરમિયાનમાં ઉદ્ધવ ઠાકરે શિવસેના અને સરકારને બચાવવાની કવાયતમાં વ્યસ્ત છે. હવે રાજ ઠાકરે પણ મહારાષ્ટ્રના રાજકીય જંગમાં ઉતર્યા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે બે વાર ફોન પર વાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને બંને વચ્ચે વાતચીત થઈ છે.
કાયદાશાસ્ત્રીઓના મતે જો બે તૃતીયાંશ સભ્યો આવીને એક સાથે બીજી પાર્ટીમાં જોડાય તો જ તેમનું વિધાનસભ્ય પદ રહે. તેથી હવે બળવાખોર ધારાસભ્યનું જૂથ મનસેમાં જોડાઇ શકે છે. રાજ ઠાકરે પોતાની પાર્ટીમાં બાળાસાહેબ ઠાકરેનો, તેમના કાર્યનો તેમના ફોટાનો ઉલ્લેખ અને ઉપયોગ કરે છે. રાજ ઠાકરે હિંદુત્વનો સૂત્રોચ્ચાર કરે છે. એકનાથ શિંદેને ખાતરી છે કે આ બધી વાત તેમના ફાયદામાં જ રહેશે.
ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન બન્યા પછી તરત જ પોતાના પુત્ર આદિત્યને રાજકારણમાં ભાવિ નેતા તરીકે આગળ કર્યો ત્યારે લોકોને સહેજે પ્રશ્ન થયો હતો કે તો પછી શિવસેનાના વરિષ્ઠ નેતાઓનું શું? રાજ ઠાકરે સાથે એવું નથી. તેઓએ ક્યારેય કહ્યું નથી કે તેઓ મુખ્ય પ્રધાન બનવા માગે છે. તેમના હાથમાં સત્તા આપો. તેઓ હંમેશા રાજનીતિમાં ફેરફાર લાવવાનું કહે છે. તેમનો પુત્ર પણ રાજકારણમાં નવેસરથી આગળ આવવાનો પોતાની રીતે પ્રયાસ કરી રહ્યો છે. આ તમામ સંજોગોને જોતા બળવાખોર જૂથ મનસેમાં જોડાય એમ લાગી રહ્યું છે.
એકનાથ શિંદે માટે વિન-વિન સ્થિતિ છે. તેઓ ભાજપમાં જોડાયા નથી, પરંતુ તેઓ લોકોને કહી શકશે કે હિંદુત્વના મુદ્દે તેઓ મનસેમાં ગયા છે. રાજ ઠાકરે પણ કૉંગ્રેસ-એનસીપી સામે નવેસરથી બેઠા થવા પ્રયત્ન કરી રહ્યા છે. બળવાખોર જૂથના મુખ્ય દુશ્મન કૉંગ્રેસ-એનસીપી છે, એટલે તેઓ ‘દુશ્મન કા દુશ્મન, અપના દોસ્ત’ની નીતિ અપનાવી રહ્યા છે.
બીજી તરફ શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહારો કર્યા છે. શિવસેનાએ ભાજપ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો પણ આરોપ લગાવ્યો છે અને આક્ષેપ કર્યો છે કે મહારાષ્ટ્રમાં ભાજપે રાજકીય સ્ક્રિપ્ટ લખી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.