મુંબઈઃ મહારાષ્ટ્રમાં નિરંતર રાજકીય ઉથલપાથલો થઈ રહી છે, જેમાં સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચમાં વર્તમાન અને તત્કાલીન સરકાર અટવાયેલી છે ત્યારે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર રાજ્યમાં વહેલી વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે, એવું એનસીપીનાં વરિષ્ઠ નેતાએ ભવિષ્ય ભાખ્યું હતું.
મહારાષ્ટ્રમાં સત્તા માટે નિરંતર સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં એકનાથ શિંદેએ બળવો કરીને એમવીએ સરકારને ઊથલાવીને નવી સરકાર બનાવ્યા પછી હવે નવી સરકાર માટે પણ કપરા ચઢાણ હોવાનું રાજકીય નેતાઓ ભવિષ્ય ભાકી રહ્યા છે. બુધવારે એનસીપીનાં વરિષ્ઠ નેતા અને સાંસદ સુપ્રિયા સૂળેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા યોજાઈ શકે છે અને તેનું સૌથી કારણ પણ વર્તમાન સરકાર પર વિશ્વાસ ઓછો છે.
આ મુદ્દે ચોંકાવનારી વાત જણાવતા સાંસદે કહ્યું હતું કે રાજ્યમાં અત્યારે જે બધુ ચાલી રહ્યું છે, તેના પરથી કહી શકું કે કંઈ પણ શક્ય છે, જે રીતે બધુ ચાલી રહ્યું છે, તેનાથી હું ખુશ નથી અને મને સૌથી વધારે અસંતોષ છે. સુપ્રીયા સૂળેએ કહ્યું હતું કે સમાંતર સંગઠન કામ કરી રહ્યું છે, જે તમામ નિર્ણયો લઈ રહ્યા છે અને મને મીડિયા મારફત જાણવા મળ્યું છે કે છ વિભાગનું કામકાજ ફક્ત એક વ્યક્તિ કરી રહી છે અને એ વ્યક્તિની પાસે તમામ સત્તા છે અને આ બધામાં ચિંતા અને વિશ્વાસ ઓછો જોવા મળે છે એ સ્પષ્ટ જોવા મળે છે.
સુપ્રિયા સૂળેને પૂછવામાં આવ્યું હતું કે શું ફરી એકવાર ગઠબંધન ચૂંટણી લડશે તો એના જવાબમાં તેમણે કહ્યું હતું કે જો ચૂંટણી ઝડપી યોજવામાં આવી તો મહાગઠબંધન કરવામાં આવશે. જોકે, જો તસવીર સારી હોય તો તેનો અર્થ એ નથી કે સ્થિતિ સારી છે, તેમાંય વળી જ્યારે લોકો હસતા હોય ત્યારે ચિંતા વધારે થતી હોય છે. આપણે આમ જનતાની સમસ્યાઓને આગળ લાવવાનું જરુરી છે. વાસ્તવમાં રોજગારી, મોંઘવારી અને આર્થિક વ્યવસ્થા વગેરે મુદ્દે ચર્ચા કરવાની આવશ્યકતા છે. લવ-જેહાદ અને હિન્દુત્વ વગેરે મુદ્દાથી કંઈ થશે નહીં, એવું તેમણે જણાવ્યું હતું.
બોલો, મહારાષ્ટ્રમાં વહેલી યોજાશે વિધાનસભાની ચૂંટણી!
RELATED ARTICLES