ઠંડીની મોજ: રાજ્યમાં ફરી વળેલી ઠંડીની લહેરમાં શનિવારે સૂર્યાસ્તનો આનંદ માણવા નરીમાન પોઈન્ટની પાળ પર પહોંચી ગયેલા મુંબઈગરા.(અમય ખરાડે)
——–
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક તરફ ‘મંદોસ’ના વાવાઝોડાને કારણે મુંબઈ સહિત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે ત્યારે બીજી તરફ મુંંબઈ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન ઔરંગાબાદમાં ૭.૫ ડિગ્રી નોંધાયું હતું. તો મુંબઈમાં લઘુતમ તાપમાનનો પારો ૧૬.૫ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો.
રાજ્યના અનેક જિલ્લામાં એક તરફ કમોસમી વરસાદના ઝાપટાં પડી રહ્યાં છે, તો બીજી તરફ ઠંડીનું જોર પણ વધ્યું છે. મુંબઈમાં પણ વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા હતા અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ
જણાયો હતો. તો મુંબઈની નજીકના થાણે, નવી મુંબઈ, બદલાપુર જેવા વિસ્તારમાં પણ તાપમાનનો પારો નીચે ઊતરી ગયો હતો. મુંબઈમાં સાંતાક્રુઝમાં ૧૬.૫ ડિગ્રી, કોલાબામાં ૨૦.૬ ડિગ્રી, થાણેમાં ૧૫.૪ ડિગ્રી, ડોંબીવલીમાં ૧૩.૪ ડિગ્રી, કલ્યાણમાં ૧૨.૮ ડિગ્રી, ઉલ્હાસનગરમાં ૧૨.૪ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું.
જ્યારે રાજ્યમાં ઔરંગાબાદમાં ૭.૫ ડિગ્રી, જળગાંવમાં ૮.૫ ડિગ્રી, નાશિકમાં ૧૦.૪ ડિગ્રી, હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૧૨.૦ ડિગ્રી, પરભણીમાં ૧૧.૫ ડિગ્રી, ગોંદિયામાં ૧૨.૦ િ ડિગ્રી, માલેગાવંમાં ૧૩.૪ ડિગ્રી, નાંદેડમાં ૧૪.૦ ડિગ્રી, સાંગલીમાં ૧૪.૨ ડિગ્રી, કોલ્હાપુર ૧૬.૬ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું.
——
મુંબઈમાં હવાની ગુણવત્તામાં હળવો સુધારો
મુંબઈની હવામાં શનિવારે સુધારો જણાયો હતો. શુક્રવારે ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૯ જેટલો ઊંચો રહ્યો હતો, જેમાં શનિવારે મોટા પ્રમાણમાં ઘટાડો થઈને એક્યુઆઈ સરેરાશ ૨૧૧ જેટલો નીચો આવ્યો હતો. જોકે હજી પણ મુંબઈનું વાતાવરણ પૂર્ણ રીતે ચોખ્ખું થયું નથી. મુંબઈમાં સૌથી વધુ પ્રદૂષણ મઝગાંવમાં રહ્યું હતું. અહીં ૩૨૮ જેટલો ઊંચો એક્યુઆઈ નોંધાયો હતો. ચેંબુરમાં ૩૦૨, બીકેસી ૩૦૫, મલાડ ૨૯૦ જેટલો ઊંચો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો.