ક્યાંય પણ ફરવા જવાની વાત કરીએ તો સામાન્યપણે પણે દિવસે કે વહેલી સવાલે નીકળવાનું પસંદ કરીએ છીએ અને રાત સુધી કાં તો પાછા આવી જઈએ છીએ કાં તો એક ચોક્કસ સ્થળે તો રાત પડતાં સુધીમાં પહોંચી જઈએ છીએ. ટ્રક ડ્રાઈવર કે ટેક્સી ડ્રાઈવર મોટાભાગે રાતના સમયે પ્રવાસ કરવાનું પસંદ કરે છે.
રાતના સમયે રસ્તા પર પ્રવાસ કરવો એટલે સાથે હોય અંધારુ, ડર અને કેટલીક એવી શક્તિઓ કે જેના વિશે આપણે કાં તો લોકો પાસે સાંભળ્યું હશે કે પછી…આપણે પણ ઘણી વખત આપણા મિત્રો કે પરિવારના સભ્યો પાસેથી પણ રાતના સમયે અમુક તમુક રસ્તા પર પ્રવાસ કરવો નહીં ત્યાં અલૌકિક શક્તિના અહેસાસ થવાનો કે પછી કંઈક અજૂગતું ઘટના બની હોવાની વાતો સાંભળી જ હશે, બરાબર ને?
આજે આપણે અહીં મહારાષ્ટ્રના આવા જ કેટલાક રસ્તાઓ વિશે વાત કરીશું કે જ્યાં 24 કલાક રસ્તા પર મોત ફરતું હોય છે એવો દાવો લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઘણી વખત આ રસ્તા પર કોઈને માથું ના હોય એવો પુરુષ ગાડીને આડો ઉતરે છે તો કેટલીય વખત અહીં લોકોને મધરાતે રસ્તા પર વિચિત્ર મહિલા ફરતી દેખાય છે…
કસારા ઘાટ, મુંબઈ નાશિક હાઈવે
મુંબઈ નાશિક હાઈવે પર આવેલા કસારા ઘાટ રહસ્યમયી ઘટનાઓને કારણે અનેક વખત ચર્ચામાં રહે છે. આ રસ્તા પર પ્રવાસ કરનારા અનેક પ્રવાસીઓએ પોતાના ડરામણા અનુભવો શેયર કર્યા છે. અનેક લોકોને આ રસ્તા પર રાતના સમયે એક મહિલા ફરતી જોવા મળે છે, જેનું માથું કપાયેલું હોય છે. આ પહેલાં પણ આ ઠેકાણે અનેક એક્સિડન્સ્ટ્સ વગેરે થઈ ચૂક્યા છે.
કશેળી ઘાટ, મુંબઈ ગોવા હાઈવે
મુંબઈ ગોવા હાઈવે પર આવેલું કશેળી ઘાટ અનેક વખત એક્સિડન્ટ કે વિવિધ કારણોસર ચર્ચામાં આવતો હોય છે. માત્ર કશેળી ઘાટ જ નહીં પણ આખો મુંબઈ-ગોવા હાઈવે પર જ લોકોને જાત-જાતના અનુભવો થાય છે. આ હાઈવે પર પ્રવાસ કરનારા અનેક લોકોએ પોતાની સાથે વિચિત્ર ઘટના બની હોવાનો અનુભવ શેયર કર્યો છે. ઘણી વખત કારમાં પ્રવાસ કરી રહેલાં લોકોની કારમાં રહેલી નોનવેજ વાનગીઓ પોતાની જાતે જ ગાયબ થઈ જાય છે…
ઈસ્ટર્ન એક્સપ્રેસ વે થાણે
મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર થાણે નજીક પ્રવાસ કરનારા લોકોએ આ રસ્તા પર રાતના સમયે ભૂત જોયું હોવાનો અનુભવ શેયર કર્યો છે. રસ્તા પર જોવા મળનારી આ આકૃતિનું માથું કપાયેલું છે. ઘણા લોકોએ આવું ભૂત જોયું હોવાનો દાવો કર્યો છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર પણ અનેક વખત લોકોને રહસ્યમયી અનુભવો થયા હોવાનું કહેવાય છે.
પારસી સ્મશાનભૂમિ રોડ, નાગપુર
પારસી સ્મશાનભૂમિ, નાગપુરની ગણતરી પણ ભૂતિયાસ્થળોમાં થાય છે. પારસી સ્મશાનભૂમિ એ શહેરની સૌથી કુખ્યાત જગ્યા માનવામાં આવે છે અને મોટાભાગના લોકો અહીં રાતના સમયે આવવાનું ટાળે છે. લોકોની એવી માન્યતા છે કે જે પણ આ સ્મશાનમાં જાય છે એ લાંબા સમય માટે બીમાર પડી જાય છે અને ઘણી વખત તો આ બીમારી એટલી લાંબી ચાલે છે કે વ્યક્તિ મોતના મોઢામાં પહોંચી જાય છે. આ પાછળનું કારણ એવું છે કે આ સ્મશાનમાં બૂરી શક્તિનો વાસ છે, જે ત્યાં જનારને નુકસાન પહોંચાડે છે…
(આ બધી વાતો કે ઘટનાઓ ઈન્ટરનેટ પર લોકોએ શેર કરેલા તેમના અનુભવો પરથી લેવામાં આવી છે. મુંબઈ સમાચાર આ લેખના માધ્યમથી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન કે સમર્થન નથી આપતું.)