મહારાષ્ટ્રના રાજ્યપાલ હિંદુઓનું વિભાજન કરી રહ્યા છે: ઉદ્ધવ ઠાકરે

આમચી મુંબઈ

વિરોધ પ્રદર્શન: રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિવેદન સામે ભભૂકી ઊઠેલા આક્રોશને પગલે શનિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકીય પક્ષોએ દેખાવો કર્યા હતા, મુંબઈના પ્રતિષ્ઠિત હુતાત્મા ચોક પાસે એનસીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરનારા રાજકીય કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પાસેથી મુંબઈ સંબંધિત તેમના નિવેદન બાબતે માફીની માગણી કરી હતી અને જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે નક્કી કરવાનો કે રાજ્યપાલને પાછા ઘરે મોકલવા કે પછી જેલમાં મોકલવા.
ઠાકરેએ રાજ્યપાલ પર શાંતીથી એકસાથે રહેતા હિંદુઓના વિભાજનનો આરોપ લગાવ્યો હતો. મુંબઈમાં શુક્રવારે સાંજે એક સમારંભમાં ભગતસિંહ કોશ્યારીએ કહ્યું હતું કે મુંબઈના વિકાસમાં ગુજરાતી-મારવાડીઓનું ઘણું યોગદાન છે અને જો આ લોકો શહેર છોડીને જતા રહેશે તો મુંબઈ આર્થિક રાજધાની રહેશે નહીં. તેમની આ ટિપ્પણીને પગલે વિવાદ થયો હતો અને રાજ્યપાલે શનિવારે એવો ખુલાસો કર્યો હતો કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે મરાઠીભાષી લોકોની મહેનતને ઓછી લેખવાનો કોઈ પ્રયાસ નહોતો.
બીજી તરફ માતોશ્રીમાં પત્રકાર પરિષદને સંબોધતાં ઠાકરેએ કહ્યું હતું કે રાજ્યપાલ રાજ્યના મરાઠી લોકો પ્રત્યે જે દ્વેષભાવના ધરાવે છે તે આ સ્વરૂપે બહાર આવી છે. તેમણે મરાઠીભાષી લોકોના અપમાન માટે રાજ્યપાલ પાસેથી માફીની માગણી કરી હતી.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સરળ, સજ્જન વ્યક્તિ: રવિ રાણા
મુંબઈ: રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના મુંબઈ અંગેના નિવેદનનું વિધાનસભ્ય રવિ રાણાએ સમર્થન કર્યું છે. રાજ્યપાલ એક સરળ અને સજ્જન વ્યક્તિ છે. તેમણે મુંબઈ બાબતે જે નિવેદન કર્યું છે તે ભૌગોલિક દૃષ્ટિએ કર્યું હશે. તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવાની કોઈ આવશ્યકતા નથી. મુંબઈ દેશનું સૌથી વધુ હાઈટેક શહેર છે. આ દેશની આર્થિક રાજધાની છે. મુંબઈની શરૂઆત કાપડ મિલોથી થઈ હતી અને ત્યારબાદ અહીં અનેક વ્યાપારીઓ, જાતી-ધર્મના લોકો આવ્યા હતા. બધાનું મુંબઈના વિકાસમાં યોગદાન છે. મુંબઈ બધાની છે, એમ પણ રવિ રાણાએ જણાવ્યું હતું.
રાજ્યપાલ સાથે સહમત નહીં: આશિષ શેલાર
મુંબઈ:: મુંબઈના ભાજપના નેતા આશિષ શેલારે શનિવારે જણાવ્યું હતું કે તેઓ રાજ્યપાલના અમુક રાજ્યોના લોકો મુંબઈમાંથી જતા રહેશે તો મુંબઈ આર્થિક રાજધાની રહેશે નહીં એવા નિવેદન સાથે સહમત નથી, પરંતુ રાજકીય પક્ષોએ પોતાનો વિરોધ વ્યક્ત કરતી વખતે વાંધાજનક નિવેદનો કરવાથી દૂર રહેવું જોઈએ.
તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએકોશ્યારીનું અપમાન કરતાં જણાવ્યું હતું કે તેમને વિશ્ર્વવિખ્યાત કોલ્હાપુરી જોડા દેખાડવાની આવશ્યકતા છે.
રાજ્યપાલના નિવેદન સાથે સહમત નહીં: મુખ્ય પ્રધાન શિંદે
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે જણાવ્યું હતું કે તેઓ રાજ્યપાલના મુંબઈ અંગેના નિવેદન સાથે સહમત નથી અને ભારપુર્વક ઉમેર્યું હતું કે મુંબઈના વિકાસમાં મરાઠી લોકોએ આપેલું યોગદાન અવિસ્મરણીય છે.
તેમણે કહ્યું હતું કે રાજ્યપાલ બંધારણીય પદ ધરાવે છે અને તેમણે પોતાના નિવેદનથી કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.