વિવિધ માંગણીઓ તરફ સરકારનું ધ્યાન દોરવા માટે મહારાષ્ટ્રના ખેડૂતોએ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના નેતૃત્વ હેઠળ 12 માર્ચના નાસિકથી મુંબઈ સુધીની યાત્રા કાઢી હતી અને આ પદયાત્રામાં ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. લાખો ખેડૂતો પોતાની માંગણીઓ માટે મુંબઈ તરફ કૂચ કરી રહ્યા છે.
આ માર્ચમાં ભાગ લેનાર ખેડૂતોનું કહેવું છે કે તેઓ ડુંગળી પર MSP ઈચ્છે છે. એટલું જ નહીં પણ ખેતપેદાશોના વાજબી ભાવ, વીજ બિલમાં માફી, જંગલ જમીનના હક અને કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનનું વળતર વગેરે તેમની મુખ્ય માંગણીઓ છે. ખેડુતો વધુમાં એવું પણ કહી રહ્યા છે કે તેમની આ માંગણીઓ વહેલી તકે પૂરી થવી જોઈએ આ જ કારણસર આ પદયાત્રા કાઢવામાં આવી રહી છે.
આ માર્ચનું નેતૃત્વ CPI(M)ના ભૂતપૂર્વ ધારાસભ્ય જેપી ગાવિત કરી રહ્યા છે. કૂચમાં સામેલ ખેડૂતોએ હાથમાં CPI(M)ના ઝંડા અને પ્લેકાર્ડ પકડ્યા છે, જેના પર લખ્યું છે કે ડુંગળી માટે MSP આપો. પૂર્વ ધારાસભ્ય ગાવિતે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ભલે અમારી સરકાર નથી, પરંતુ અમે ખેડૂતોના હક માટે કામ કરી રહ્યા છીએ, તેમના માટે અવાજ ઉઠાવીએ છીએ. અમે એવું કંઈ નહીં કરીએ જેનાથી સામાન્ય લોકોને મુશ્કેલી પડે.
આજે આ વિરોધીઓની મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ઘણા પ્રધાનો અને સચિવો પણ ભાગ લેશે. જોકે ખેડૂતોનું કહેવું છે કે જો બેઠકમાં કોઈ હકારાત્મક પરિણામ નહીં આવે તો અમારું આંદોલન ચાલુ રહેશે.
ડુંગળીના ભાવમાં ઘટાડો ખેડૂતો માટે સમસ્યા બની રહ્યો છે. ડુંગળીના ખેડૂતોને તેના પડતર ભાવ પણ મળી રહ્યા નથી. તાજેતરમાં, આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં ખેડૂતો રસ્તા પર ડુંગળી ફેંકતા અથવા ખેતરમાં ખેડતા જોવા મળે છે.