રાજ્યની ૧૧૬૬ ગ્રામપંચાયતની ચૂંટણીનું મુહૂર્ત નીકળ્યું શિંદે અને ઠાકરે જૂથની પ્રતિષ્ઠા લાગશે દાવ પર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: રાજ્યની ગ્રામપંચાયતીની ચૂંટણીનાં પડઘમ વાગી ચૂક્યાં છે ત્યારે ચૂંટણી પંચે ૧૧૬૬ ગ્રામપંચાયતની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. ૧૮ જિલ્લાની આ ગ્રામપંચાયત માટે ૧૩ ઓક્ટોબરના રોજ મતદાન થવાનું હોઇ બીજા દિવસે એટલે કે ૧૪મી ઓક્ટોબરે મતગણતરી થવાની છે. રાજ્ય ચૂંટણી કમિશનર યુ.પી.એસ. મદાને બુધવારે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. મદાને કહ્યું હતું કે સંબંધિત તહેસીલદાર ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ચૂંટણી અંગેની નોટિસ રજૂ કરશે.
નોમિનેશન ફોર્મ ૨૧મીથી ૨૭મી સપ્ટેમ્બરની વચ્ચે ભરવામાં આવશે. શનિવાર અને રવિવારની રજાને કારણે ૨૪ અને ૨૫મી સપ્ટેમ્બરના રોજ નામાંકન પત્ર ભરી શકાશે નહીં. નોમિનેશન ફોર્મની સ્ક્રૂટિની ૨૮મી સપ્ટેમ્બરના રોજ થશે. નોમિનેશન ફોર્મ પાછું લેવાની અંતિમ મુદત ૩૦મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૩ વાગ્યા સુધી હોવાનું જણાવવામાં આવ્યું હતું. એ જ દિવસે ચૂંટણી ચિહન આપવામાં આવશે. મતદાન ૧૩મી ઓક્ટોબરના રોજ સવારે સાડાસાતથી સાડાપાંચ વાગ્યા દરમિયાન થશે.
નક્ષલગ્રસ્ત વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યાનો સમય રહેશે. મતગણતરી ૧૪મી ઓક્ટોબરના રોજ થશે. સમર્પિત પછાત વર્ગ કમિશને ભલામણ કરેલી ટકાવારી પ્રમાણમાં આ ચૂંટણી માટે નાગરિકોની પછાત શ્રેણીને બેઠક આપવામાં આવી છે. વાસ્તવમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓ પાર્ટીના ચિહન પર લડવામાં આવતી નથી. જોકે વિધાનસભા મતદારસંઘનું પ્રતિનિધિત્વ કરનારા વિધાનસભ્ય સહિત સ્થાનિક નેતા આ ચૂંટણી માટે પોતાના રાજકીય પક્ષનું જોર લગાવતા હોય છે. કારણ કે આ ચૂંટણીમાં મળેલી તાકાત આગળ જતાં તાલુકા સ્તરની ચૂંટણી માટે કામ આવતી હોય છે. એમાં રાજ્યમાં થોડા મહિના પહેલાં થયેલી ઊથલપાથલને કારણે તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીની આક્રમકતા સામે જાય એવી શક્યતા છે.
શિવસેનામાં થયેલા બળવો અને રાજ્યમાં સત્તાપલટા બાદ થઇ રહેલી ચૂંટણી તરફ આખા રાજ્યની નજર ચોંટેલી છે. આ ચૂંટણીમાં કયા પક્ષનું પલડું ભારે છે, હવે એ જોવાનું રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.