મુંબઈઃ ગયા અઠવાડિયામાં ચૂંટણી પંચના ચૂકાદા બાદથી મહારાષ્ટ્રનું રાજકારણ ધગધગતા જ્વાળામુખીની જેમ ઉકળી રહ્યું છે. આજે જ ઠાકરે જુથના પ્રમુખની એક મહત્ત્વની બેઠક પાર પડી હતી. ઠાકરે જુથના જિલ્હાપ્રમુખોની બેઠક સેનાભવનમાં યોજાઈ હતી અને આ બેઠકમાં ઉદ્ધવે જિલ્લા પ્રમુખોને મહત્ત્વની સૂચનાઓ આપી હતી. આ બેઠક બાદ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પત્રકારોને ઉદ્દેશીને કહ્યું હતું કે તમે લોકો મારી પાસે આવ્યા છો કારણ કે મારું નામ અને ચિન્હ બંને ચોરી લેવામાં આવ્યા છે અને આ એક સમજી-વિચારીને રચવામાં આવેલું કાવતરું હતું. હું બાળાસાહેબનો દીકરો છું અને આ સૌભાગ્ય શિંદે જુથને નબીં મળે અને આવું ભાગ્ય તેમને એમના દિલ્હીવાળાઓ પણ આપી શકવાના નથી. આજે જે પરિસ્થિતિ શિવસેનાની થઈ છે એવી પરિસ્થિતિ દેશના કોઈ પણ પક્ષની થઈ શકે છે. જો આનો અત્યારે સામનો નહીં કરવામાં આવે તો કદાચ 2024ની ચૂંટણી એ છેલ્લી ચૂંટણી હોઈ શકે છે, કારણ કે એ પછી તો તાનાશાહીનું ગંદુ રાજકારણ ખેલાશે.
ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલો નિર્ણય એ અયોગ્ય છે. એટલું જ નહીં ઉદ્ધવેએ તો ચૂંટણી અધિકારીઓ પર પણ સવાલો ઉપસ્થિત કર્યા હતા અને કહ્યું હતું કે સૌથી વિવાદાસ્પદ ચૂંટણી કમિશનર પદ પર બિરાજી રહ્યા છે. ચૂંટણી પંચે નિર્ણય લેવામાં ઉતાવળ કરવાની જરૂર હતી જ નહીં. એવું પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આગળ ઉદ્ધવે એવું પણ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ એ સુલતાન નથી. ચૂંટણી પંચની પણ ચૂંટણીઓ થવી જોઈએ. મને શરદ પવાર, મમતા બેનર્જી સહિત અન્ય નેતાઓના ફોન આવ્યા હતા અને આ પ્રકરણ આખા દેશભરમાં ગાજશે.