Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મુંબઈ પોલીસે શનિવારે શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર આ આદેશ 10મી જુલાઇ સુધી શહેરમાં લાગુ રહેશે. થાણે જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લામાં પહેલેથી કલમ 144 લાગુ કરી દીધી છે અને 30 જૂન સુધી કોઇપણ પ્રકારના રાજકીય સરઘસ પર પ્રતિબંધ મૂકતો આદેશ જાહેર કર્યો છે.
નોંધનીય છે કે થાણે બળવાખોર નેતા એકનાથ શિંદેનો ગઢ છે. થાણે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર લાકડીઓ અથવા કોઇપણ પ્રકારના હથિયારો સાથે રાખવા, પોસ્ટકો સળગાવવા, પૂતહા દહન પર પ્રતિબંધ છે. સ્પીકર પર નારા લગાવવા અથવા ગીતો વગાડવાની પણ મંજૂરી નથી.
મુંબઈ પોલીસે પણ હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને તમામ પોલીસ સ્ટેશનોને શહેરના તમામ રાજકીય પક્ષોના કાર્યાલયોમાં સુરક્ષાની ખાતરી કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ આ દરમિયાન Social Media પર પણ નજર રાખવામાં આવી રહી છે.
નોંધનીય છે કે શિવસેના અને બળવાખોર જૂથ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. બીજી બાજુ મુંબઈમાં 144 કલમ લાગુ હોવા છતા આદિત્ય ઠાકરેને અહીં સભા કરવાની મંજૂરી આપવામાં આવી છે.
દરમિયાન શિવસેનાના કાર્યકરોએ એકનાથ શિંદેના દીકરા અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેની ઓફિસમાં તોડફોડ કરી છે. થાણેના ઉલ્લાસનગર વિસ્તારમાં આવેલી તેમની ઓફિસ પર શિવસૈનિકોએ પથ્થરમારો કર્યો હતો.