(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાલ સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુઠવાઈ રહ્યું છે ત્યારે તેની અસર મહારાષ્ટ્રને પણ વર્તાઈ રહી છે. મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં સોમવારે તાપમાનનો પારો ૫.૦ ડિગ્રી જેટલો નીચો ઊતરી ગયો હતો. મધ્ય મહારાષ્ટ્રનું જળગાંવ પાંચ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું રહ્યું હતું. મરાઠવાડાના ઔરંગાબાદ સહિત પરભણીમાં પણ ૫.૭ ડિગ્રી જેટલુ નીચું તાપમાન નોંધાયું હતું. મુંબઈમાં પણ સોમવારે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા.
છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં શિયાળો બરોબર જામ્યો ન હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. હવે જોકે રાજ્યના અનેક જિલ્લામાં કડકડતી ઠંડી પંડી રહી છે. તાપમાનનો પારો
ખાસ્સો એવો નીચે ઊતરી ગયો છે. અનેક ઠેકાણે તાપમાનનો પારો સિંગલ આંકડા પર નોંધાઈ રહ્યો છે.
રાજ્યમાં તાપમાનનો પારો સતત નીચે ગગડી રહ્યો છે. દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના જળગાંવમાં પાંચ ડિગ્રી જેટલુ નીચું તાપમાન નોંધાયું હતું. એ સાથે જ સોમવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. મરાઠાવાડના ઔરંગાબાદમાં ૫.૭ ડિગ્રી અને પરભણીના પણ અમુક વિસ્તારમાં ૫.૭ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું.
વિદર્ભના મોટાભાગના જિલ્લામાં ૧૦ ડિગ્રીની નીચે તાપમાન નોંધાયું હતું, જેમાં ગોંદિયામાં ૭.૦ ડિગ્રી, નાગપુર અને યવતમાળમાં ૮.૫ ડિગ્રી, ગઢચિરોલીમાં ૯.૬ ડિગ્રી, અમરાવતી અને વર્ધામાં ૯.૯ ડિગ્રી, બુલઢાણા અને ચંદ્રપુરમાં ૧૦.૦ ડિગ્રી, બ્રહ્મપુરી અને અકોલામાં ૧૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મરાઠવાડાના ઓસ્માનાબાદમાં ૮.૫ અને નાંદેડમાં ૧૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મધ્ય મહારાષ્ટ્રમાં નાશિકમાં ૮.૭ ડિગ્રી, હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૧૧.૧ ડિગ્રી જેટલુ નીચું તાપમાન રહ્યું હતું.
આગામી બે દિવસમાં તાપમાનનો પારો હજી ઘટવાની શક્યતા છે. ત્યારે મુંબઈમાં પણ સોમવારે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. સોમવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૯.૪ ડિગ્રી અને કોલાબામાં ૨૨.૦ ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના કહેવા મુજબ મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં આગામી બે દિવસમાં ઠંડીનું જોર હજી વધવાની શક્યતા છે.
હવાની ગુણવત્તા કથળી
મુંબઈ સહિત નવી મુંબઈમાં હવાની ગુણવત્તા સતત ત્રીજા દિવસે પણ કથળી ગઈ હતી. મુંબઈમાં રવિવારે ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૪ નોંધાયો હતો, તેમા સોમવારે થોડો ઘટાડો થઈને આ આંકડો ૨૦૮ થયો હતો. તો નવી મુંબઈમાં સતત ત્રીજા દિવસે ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૨૨ નોંધાયો હતો. મુંબઈમાં કોલાબામાં ૨૧૫, મઝગાંવમાં ૨૭૩, ચેંબુરમાં ૩૦૩, બીકેસીમાં ૨૦૮ અને મલાડમાં એક્યુઆઈ ૨૨૮ નોંધાયો હતો.