CM બન્યા બાદ એકનાથ શિંદે પહેલી વાર કરશે PM મોદી સાથે મુલાકાત, ખાતા વહેચણી મુદ્દે અમિત શાહ સાથે ચાર કલાક સુધી થઈ ચર્ચા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રના નવા નિમાયેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દિલ્હીના પ્રવાસે છે. શનિવારે એટલે કે આજે સાંજે 4.30 વાગ્યે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરશે, એવી જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત તેઓ રક્ષા પ્રધાન રાજનાથ સિંહની પણ મુલાકાત લેશે. શિંદેની સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે શુક્રવારે રાત્રે પોણા દસ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી સીએમ શિંદે અને ફડણવીસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે કેબિનેટ વિસ્તરણની ચર્ચા કરી હતી.

સવા ચાર કલાકની બેઠકમાં વિવિધ મુદ્દે થઈ ચર્ચા
અમિત શાહ સાથે સવા ચાર કલાક સુધી ચાલેલી બેઠકમાં શિંદે જૂથના 16 વિધાનસભ્યોને વિધાનસભા ઉપાધ્યક્ષ નરહરિ જરિવલ દ્વારા મોકલવામાં આવેલી સસ્પેન્શન નોટિસ પર 11 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ્યબાણ પર પણ શિંદે જૂથે દાવો કર્યો હતો જોકે, પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે ધનુષ્યબાણથી શિવસેનાને કોઈ અલગ કરી શકે તેમ નથી. આ મામલે પણ અમિત શાહ સાથે શિંદેએ ચર્ચા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. એટલું જ નહીં ઠાકરે સરકારમાં પ્રધાનપદે રહેલા તમામ વિધાનસભ્યોને પ્રધાનપદ પાછું આપવાના ફોર્મુલા પર પણ મંથન કરવામાં આવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે.

એકનાથ શિંદેને જોઈએ છે ગૃહ વિભાગ
મળી રહેલી માહિતી અનુસાર પ્રધાનમંડળના 43 પ્રધાન પૈકી 10 કેબિનેટ અને પાંચ રાજ્ય કક્ષાના પ્રધાનના પદ શિંદે જૂથને આપવામાં આવે તેવી ચર્ચા થઈ રહી છે. ભાજપના ખાતે 28 પ્રધાનપદ આવે તેવી શક્યતા છે. એકનાથ શિંદે ગૃહ વિભાગ પોતાની પાસે રાખવા માંગે છે, પરંતુ આ ખાતું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળે તેવી શક્યતા વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.