વિપક્ષે કર્યો હોબાળો: રાજીનામું માગ્યું * ઉદ્ધવના કાર્યકાળમાં લેવાયેલા નિર્ણયનો વિવાદ
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અગાઉની ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી સરકારમાં પ્રધાન હતા ત્યારે લેવાયેલા એક નિર્ણયને લઈને મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ધમાલ થઈ હતી. મુંબઈ હાઈ કોર્ટે ગરીબ ઝૂંપડાવાસીઓ માટેની જમીનો ખાનગી વ્યક્તિઓને હસ્તાંતરિત કરવાના એકનાથ શિંદેના સરકાર પર સ્ટેટ્સ ક્વો મૂક્યો છે. કોર્ટના ચુકાદાને પગલે વિપક્ષી વિધાનસભ્યોને મુખ્ય પ્રધાન સામે મોરચો માંડવાની તક મળી ગઈ હતી. વિધાનસભાના નાગપુરમાં ચાલી રહેલા શિયાળુસત્રના બીજા દિવસે વિપક્ષે મુખ્ય પ્રધાનનું રાજીનામું માગ્યું હતું અને વિધાનસભા પરિસરમાં દેખાવો પણ કર્યા હતા. બીજી તરફ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં શિંદે સરકારનો બચાવ કર્યો હતો અને મુખ્ય પ્રધાને કશું ખોટું કર્યું હોવાનું નકારી કાઢ્યું હતું.
જસ્ટિસ સુનિલ શુક્રે અને જસ્ટિસ એમ. ડબ્લ્યુ. ચાંદવાનીની મુંબઈ હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે ૧૪ ડિસેમ્બરના પોતાના આદેશમાં નોંધ્યું હતું કે ૨૦૦૪થી નાગપુર ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ (એનઆઈટી) દ્વારા રાજકારણીઓ અને અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓને જમીનની ફાળવણી કરવામાં આવી છે.
નાગપુરના સામાજિક કાર્યકર્તા અનિલ વડપલ્લીવારે પોતાની પિટિશનમાં રાજ્યસરકારના નગરવિકાસ વિભાગ દ્વારા સ્થાપવામાં આવેલી એનઆઈટીએ રાજકારણીઓ અને અન્યોને નજીવી કિંમતે જમીનોની ફાળવણી કરી છે.
૧૪ ડિસેમ્બરે આ કેસમાં અદાલત દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અમિકસ ક્યુરી એડવોકેટ આનંદ પરચુરેએ કહ્યું હતું કે એકનાથ શિંદેએ તેમના નગરવિકાસ ખાતાના પ્રધાન તરીકેના કાર્યકાળમાં (ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકારમાં નવેમ્બર ૨૦૧૯થી જૂન ૨૦૨૨) એનઆઈટીને એવા નિર્દેશ આપ્યા હતા કે ઝૂંપડાવાસીઓના ગૃહનિર્માણ માટે હસ્તગત કરવામાં આવેલી જમીનો ૧૬ ખાનગી વ્યક્તિઓને આપવાના નિર્દેશ પાઠવ્યા હતા.
આને પગલે કોર્ટે કહ્યું હતું કે આવો કોઈ આદેશ મોકલવામાં આવ્યો હોય તો તે અત્યંત ગંભીર બાબત છે અને ઓથોરિટીને આ મુદ્દે આગામી સુનાવણી સુધી સ્ટેટ્સ ક્વો જાળવી રાખવાનો આદેશ આપવામાં આવે છે.
હાઈ કોર્ટના આદેશને પગલે મહાવિકાસ આઘાડીના સભ્યોએ વિધાનભવન પરિસરમાં રાજ્ય સરકાર સામે દેખાવો કર્યા હતા.
તેમણે શિંદે-ભાજપ સરકા સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો અને મુખ્ય પ્રધાનનું રાજીનામું માગ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે તેમની સરકારે મોંઘા પ્લોટ કોઈને સસ્તા ભાવે આપ્યા નથી. જોકે, આ મુદ્દે થયેલી ધમાલને પગલે પરિષદનું કામકાજ ખોરવાયું હતું. વિપક્ષી અને સત્તાધારી વિધાનસભ્યો સામસામે આવી ગયા હતા.
વિધાનસભામાં વિપક્ષી નેતા અજિત પવાર, કૉંગ્રેસના નેતા નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, બાળાસાહેબ થોરાત, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના નેતા આદિત્ય ઠાકરે અને અન્ય સભ્યોએ વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિધાન પરિષદના વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ એવો આક્ષેપ કર્યો હતો કે એનઆઈટીએ ૪.૫ એકરનો એક પ્લોટ ગરીબોના ઝૂંપડાના પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે અનામત રાખ્યો હતો. જોકે, નગરવિકાસ ખાતાના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ શિંદેએ આ જમીન ૧૬ વ્યક્તિને રૂ. ૧.૫ કરોડમાં ફાળવી આપવાનો આદેશ આપ્યો હતો. જ્યારે આ જમીનની વાસ્તવિક કિંમત રૂ. ૮૩ કરોડ થવા જાય છે. આ એક ગંભીર બાબત છે અને મુંબઈ હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે જમીનના હસ્તાંતરણ પર સ્થગનાદેશ મૂક્યો છે. તેમણે એવી માગણી કરી હતી કે આ ૧૬ વ્યક્તિને પણ અન્ય લોકોની જેટલી જ કિંમત પ્લોટ માટે લેવામાં આવે અને તેમની પાસેથી પણ એટલો જ ડેવલપમેન્ટ ચાર્જ લેવામાં આવે જેટલો બાકીના લોકો પાસેથી લેવામાં આવ્યો હતો.
ફડણવીસે મુખ્ય પ્રધાનનો બચાવ કરતાં જણાવ્યું હતું કે આ નિર્ણય ૨૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ લેવામાં આવ્યો ત્યારે અનેક મહિનાઓ સુધી કોઈએ તેની સામે વાંધો ઉઠાવ્યો નહોતો.
એમિકસ ક્યુરીએ અદાલતને શિંદેના નિર્ણય અંગે નવેમ્બર મહિનામાં જાણ કરી હતી. કોર્ટે આ અંગે કોઈ આકરી ટિપ્પણી કરી નથી. તેમણે ફક્ત સરકાર પાસેથી વિગતો મગાવી છે અને આ કેસમાં ત્રીજી વ્યક્તિના અધિકારો સ્થાપિત ન થાય તે જોવા કહ્યું છે. આ સરકારે કોઈને પણ ઓછા ભાવમાં મોંઘા પ્લોટ ફાળવ્યા નથી. નાયબ મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે આ કેસની સુનાવણી અદાલતમાં ચાલી રહી હોવાથી આ બાબતે કોઈ વધુ ચર્ચા કરવામાં આવશે નહીં.
———
મુખ્ય પ્રધાને ભ્રષ્ટાચારના આરોપો નકાર્યા
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે નગરવિકાસ ખાતાના પ્રધાન તરીકે કોઈપણ ખોટું કર્યું હોવાના આરોપો નકારી કાઢ્યા હતા. વિપક્ષે મુખ્ય પ્રધાનનું રાજીનામું માગ્યું હતું.
વિધાનસભામાં બોલતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે જ્યારે આ બાબત એપેલેટ ઓથોરિટી તરીકે તેમની સામે આવી હતી ત્યારે આ જમીનના દર વધારવા કે પછી ઘટાડવાના કોઈ આદેશ આપ્યા નહોતા. તેમણે સરકારી નિયમો મુજબ પ્રવર્તમાન કિંમત વસૂલ કરવા જણાવ્યું હતું.
શિંદેએ કહ્યું હતું કે જ્યારે ગયા અઠવાડિયાનો હાઈ કોર્ટનો ચુકાદો તેમના ધ્યાનમાં લાવવામાં આવ્યો ત્યારે તેમણે ૨૦ એપ્રિલ, ૨૦૨૧નો જમીનની ફાળવણીનો આદેશ રદ કરી નાખ્યો હતો. મેં (મહાવિકાસ આઘાડી સરકારમાં) નગરવિકાસ ખાતાના પ્રધાન તરીકે મારી સત્તાનો કોઈ દુરુપયોગ કર્યો નથી અને મેં અદાલતના આદેશમાં પણ કોઈ હસ્તક્ષેપ કર્યો નથી, એમ શિંદેએ કહ્યું હતું.
તેમણે સમગ્ર પ્રકરણની વિગતો આપતાં જણાવ્યું હતું કે નાગપુરના ૪૯ લેઆઉટ સંબંધી આ પ્રકરણ છે અને તેમને સરકારના નિયમો મુજબ ૨૦૦૭માં નિયમિત કરવામાં આવ્યા હતા. ૨૦૦૯માં એક નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યાં લોકો રેડી રેકનરના દરે અથવા ગુંઠાના હિસાબે લેવાની જોગવાઈ કરવામાં આવી હતી.
૨૦૧૫માં ૩૪ લેઆઉટને માન્યતા આપવામાં આવી હતી. ૩૫મા લેઆઉટમાં ૧૬ પ્લોટ હતા, જેનો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે.
જ્યારે પ્લોટ માટે એનઆઈટીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સ્થાનિક સ્તરે પ્લાનિંગ ઓથોરિટીના ચેરમેને તેમને ગુંઠાના હિસાબે ચુકવણી કરવા જણાવ્યું હતું, પરંતુ ત્યારબાદ આવેલા ચેરમેને રેડી રેકનર દરે ચૂકવણી કરવાનું કહ્યું હતું.
જ્યારે મારી પાસે અપીલમાં આ બાબત આવી ત્યારે મેં એટલું જ કહ્યું હતું કે ૨૦૦૭માં જે અગાઉના લેઆઉટ માટે નિયમો લગાવવામાં આવ્યા હોય તે લાગુ કરવામાં આવે.
આ ૩૪ લેઆઉટમાં ૩,૦૦૦ લોકોએ તેમના ઘર બાંધ્યા છે, એવી માહિતી પણ તેમણે આપી હતી.
———
ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનનું રાજીનામું માગ્યું
નાગપુર: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના નેતા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું રાજીનામું માગ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ બાબત અત્યંત ગંભીર છે અને અમારા સભ્યો વિધાનમંડળના બંને ગૃહોમાં આ મુદ્દો ઉપસ્થિત કરશે. અમે સરકારના હસ્તક્ષેપનો વિરોધ કરીએ છીએ. આ કેસમાં સંડોવાયેલા પ્રધાન અત્યારે મુખ્ય પ્રધાન છે અને તેથી સરકાર હાઈ કોર્ટમાં જવાબ નોંધાવશે ત્યારે સરકારનો હસ્તક્ષેપ થવાની શક્યતા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ મંગળવારે નાગપુર એનઆઈટીના પ્રકરણની તપાસની માગણી કરતાં જણાવ્યું હતું કે ગેરબંધારણીય મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદી વિવાદ પરની ચર્ચાને સાંભળવા અને ચર્ચા કરવા તૈયાર નથી. ઉ