મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર કેબિનેટ વિસ્તરણ માટે કમર કસી રહી છે અને તાજેતરમાં આ મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે સોમવારે આ મુદ્દે કવાયત હાથ ધરી શકાય છે. આ મુદ્દે મુખ્ય પ્રધાન કચેરી (સીએમઓ)ના અધિકારીએ પણ કહ્યું હતું કે આ કવાયત આગામી અઠવાડિયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દિલ્હીની મુલાકાત પછી તેના અંગે વીકએન્ડમાં નિર્ણય લઈ શકાય છે.
આ વખતના કેબિનટે વિસ્તરણમાં નવી ફોર્મ્યુલાનો અમલ થઈ શકે છે. ભાજપ અને શિંદે જૂથના અગિયાર-અગિયાર વિધાનસભ્યના બદલે સાત-સાત એમએલએ (વિધાનસભ્ય)ને સ્થાન મળે શકે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
આ મુદ્દે રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત કહ્યું કે તેઓ જિલ્લાના કામચલાઉ પાલક પ્રધાન છે. જોકે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રના પ્રધાનમંડળના વિસ્તરણ અંગે સંકેત આપતા કહ્યું હતું કે મહાડના શિવસેનાના વિધાનસભ્ય ભરત ગોગાવાલેને કેબિનેટમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે અને તેમને સંરક્ષક પ્રધાન તરીકે જિલ્લાનો હવાલો મળી શકે છે.
ગોગાવલેએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મેં પણ એવું સાંભળ્યું છે કે વિસ્તરણ લગભગ 10 દિવસમાં થઈ શકે છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગયા સપ્તાહના અંતમાં દિલ્હીની અચાનક ઝડપી મુલાકાત લીધી હતી અને તેમની મુલાકાતને સરકારના વિસ્તરણ પહેલાની કવાયત તરીકે પણ જોવામાં આવી રહી છે, એવું તેમણે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન કચેરી (સીએમઓ)ના એક વરિષ્ઠ અધિકારીએ એ વાતને સમર્થન આપતા કહ્યું હતું કે શિંદે શનિવારે મીટિંગ માટે દિલ્હી જશે અને રવિવારે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સુધી રાહ જોઈ શકો છો.
તેમની મુલાકાત દરમિયાન કેબિનેટ વિસ્તરણ સંબંધિત બેઠક થઈ શકે છે અને મહિનાના અંત સુધીમાં નક્કર નિર્ણય લઈ શકાય છે. 11-11 (અગિયાર-અગિયાર વિધાનસભ્ય)ના બદલે આ વખતે બંને ગઠબંધન ભાગીદારો (ભાજપ અને શિવસેના)ના માત્ર સાત-સાત વિધાનસભ્યને તક મળી શકે છે અને બાકીનાને આગામી વિસ્તરણ સુધી રાહ જોવી પડી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.