મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ: ગુજરાતીઓની અવગણના

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

૧૮ પ્રધાને શપથ લીધા,પરંપરાગત વિશ્ર્વાસુ ગુજરાતી મતદારો સાથે વિશ્ર્વાસઘાત

પ્રધાનમંડળનું વિસ્તરણ:મહારાષ્ટ્રના કેબિનેટના મંગળવારે યોજાયેલા વિસ્તરણ સમારંભમાં રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના અન્ય સભ્યો. (અમય ખરાડે)

નવી દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શપથગ્રહણ કર્યાના ૪૧ દિવસ બાદ મંગળવારે તેમના બે સભ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું હતું. આ પ્રધાનમંડળમાં એક પણ ગુજરાતીનો સમાવેશ કરવામાં ન આવ્યો હોવાને કારણે પરંપરાગત વિશ્ર્વાસુ ગુજરાતી મતદાતાઓ પોતાની સાથે વિશ્ર્વાસઘાત થયો હોવાની લાગણી અનુભવી રહ્યા છે. એકનાથ શિંદેના પ્રધાનમંડળમાં એક પણ મહિલાનો સમાવેશ કરવામાં ન આવ્યો હોવાને કારણે મહિલાઓમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે.
ભાજપના રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સહિત ૧૮ ધારાસભ્યોએ દક્ષિણ મુંબઈસ્થિત
રાજભવન ખાતે કેબિનેટ પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા.
કેબિનેટ પ્રધાન તરીકે શપથગ્રહણ કરનાર ૧૮માંથી ૧૭ ભૂતપૂર્વ પ્રધાન છે.
આ સાથે જ મહારાષ્ટ્રના પ્રધાનમંડળનું કદ વધીને હવે ૨૦નું થયું છે, જે મંજૂર કરવામાં આવેલા સંખ્યાબળ કરતા અડધાથી પણ ઓછું છે.
રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીએ આ તમામને પ્રધાન તરીકે શપથગ્રહણ કરાવ્યા હતા.
શપથગ્રહણ સમારોહ ૧૧:૦૦ વાગે શરૂ થવાનો હતો, પરંતુ તે નિર્ધારિત સમય કરતા ૧૫ મિનિટ મોડો શરૂ થયો હતો.
૩૦મી જૂને એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા.
મંગળવારે જેમણે પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા તેમાં નવ શિવસેના જૂથના અને નવ ભાજપ જૂથના નેતાનો સમાવેશ થતો હતો.
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સંજય રાઠોડ, અબ્દુલ સત્તાર અને વિજયકુમાર ગાવિતનો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે.
રાઠોડ અગાઉ ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની એમવીએ સરકારમાં પ્રધાન હતા. પુણેમાં મહિલાનાં મૃત્યુ સાથે સંકળાયેલા હોવાને કારણે ગયા વરસે તેમણે રાજીનામું આપી દીધું હતું.
વર્ષ ૨૦૧૯-૨૦માં ટિચર્સ ઍલિજિબિલિટી ટેસ્ટ (ટીઈટી)માં કથિત છેતરપિંડી બદલ જેમના પર પ્રતિબંધિત મૂકવામાં આવ્યો હતો તેવા ૭,૮૮૦ ઉમેદવારોની યાદીમાં અબ્દુલ સત્તારની ત્રણ પુત્રી અને એક પુત્રનું નામ આવતા સત્તાર પણ વિવાદમાં સપડાયા હતા.
પ્રધાનમંડળમાં નવા સમાવિષ્ટ કરવામાં આવેલા ભાજપના નેતા વિજયકુમાર ગાવિતને વર્ષ ૨૦૦૪થી વર્ષ ૨૦૦૯ દરમિયાન આદિવાસી વિકાસ ખાતામાં ગેરરીતિ આચરવા અને ભ્રષ્ટાચાર કરવા બદલ પાંચ વર્ષ અગાઉ દોષી જાહેર કરવામાં આવ્યા હતા.
મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે દાવો કર્યો હતો કે ભાજપ વૉશિંગ મશિન જેવો છે. એકવાર નેતા ભાજપમાં જોડાય કે તે એકદમ સ્વચ્છ બનીને બહાર આવે છે.
———
કેબિનેટ પ્રધાનો
૧) રાધાકૃષ્ણ વિખે પાટીલ
૨) સુધીર મૂનગંટીવાર
૩) ચંદ્રકાંત પાટીલ
૪) વિજયકુમાર ગાવિત
૫) ગિરીશ મહાજન
૬) ગુલાબરાવ પાટીલ
૭) દાદાજી ભુસે
૮) સંજય રાઠોડ
૯) સુરેશ ખાડે
૧૦) સાંદીપન ભુમરે
૧૧) ઉદય સામંત
૧૨) તાનાજી સાવંત
૧૩) રવીન્દ્ર ચવ્હાણ
૧૪) અબ્દુલ સત્તાર
૧૫) દીપક કેસરકર
૧૬) અતુલ સાવે
૧૭) શંભુરાજ દેસાઈ
૧૮) મંગલપ્રભાત લોઢા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.