મહારાષ્ટ્રઃ બ્રેઈન-ડેડ મહિલાએ 2 જવાન સહિત 5ને જીવનદાન આપ્યું

દેશ વિદેશ

એક યુવાન બ્રેઈન-ડેડ મહિલાએ શુક્રવારે પુણેની કમાન્ડ હોસ્પિટલ સધર્ન કમાન્ડ (CHSC) ખાતે તેના અંગોનું દાન કરીને ભારતીય સેનાના બે સૈનિકો સહિત પાંચ લોકોના જીવ બચાવવામાં મદદ કરી હતી.
બ્રેઈન ડેડ થયેલી 34 વર્ષીય મહિલાના પરિવારજનો તેના અંગોનું દાન કરવા સંમત થયા પછી, પુણેમાં આર્મીના દક્ષિણ કમાન્ડની હોસ્પિટલના સત્તાવાળાઓએ ગંભીર રીતે બીમાર પાંચ દર્દીને નવજીવન બક્ષ્યું હતું. આ મહિલા એક નિવૃત્ત સૈનિકની પત્ની હતી. તેને ગુરુવારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને બ્રેઈન ડેડ જાહેર કર્યા પછી તેનો પરિવાર તેના અંગો આપવા માટે સંમત થયો હતો.

પરિવારની ઈચ્છા હતી કે મહિલાના અંગો એવા દર્દીઓને દાન કરવામાં આવે જેમને તેમની સખત જરૂર હોય.
જરૂરી મંજૂરીઓ પછી, કમાન્ડ હોસ્પિટલ (સધર્ન કમાન્ડ) ખાતે ટ્રાન્સપ્લાન્ટ ટીમને તાત્કાલિક સક્રિય કરવામાં આવી હતી અને આર્મી ઓર્ગન રીટ્રીવલ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટી અને ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન સેન્ટરને પણ સૂચના આપવામાં આવી હતી.

બ્રેઈન ડેડ મહિલાની કિડનીનું ભારતીય સેનાના બે સૈનિક જેઓ હજી પણ સક્રિય ફરજ પર છે તેમનામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. આંખોને આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ સંકુલની આય બેંકમાં સાચવવામાં આવી હતી અને પુણેના અન્ય એક દર્દીને લીવરનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.
આમ મૃત્યુ પછી અંગ દાન અને હોસ્પિટલના સંકલિત પ્રયાસથી ગંભીર રીતે બીમાર પાંચ દર્દીઓને જીવન અને દ્રષ્ટિ મળી છે.
નોંધનીય છે કે દેશમાં બે લાખથી વધુ લોકો છે જેમને વિવિધ કારણસર અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે, પરંતુ આપણા દેશમાં અંગ દાન અંગે જાગરૂકતાનો અભાવે આમાંના માંડ દસ ટકા લોકો જ અવયવ-દાન મેળવી શકે છે અને બાકીના લોકો રિબાતા રહે છે અથવા મોતને ભેટે છે. આવા સમયે જો અંગદાન પ્રત્યે યોગ્ય જાગૃતિ ફેલાવવામાં આવે તો અનેક લોકોના જીવ બચાવી શકાય એમ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.