મુંબઈ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હાલ ત્રણ દિવસના મુંબઈ પ્રવાસે છે. આ દરમિયાન તે માયાનગરીમાં ઉદ્યોગપતિઓ, બૅન્કરો અને ફિલ્મજગતના લોકોને મળ્યા હતા. યોગીએ ઉદ્યોગપતિઓને ઉત્તર પ્રદેશમાં પણ રોકાણ કરવાની અપીલ કરી હતી. આવી જ રીતે તેમણે ફિલ્મ ઉદ્યોગને ઉત્તર પ્રદેશમાં ફિલ્મો બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. અનેક બેઠકો દ્વારા રોકાણકારોને ખાતરી આપી હતી કે ઉત્તર પ્રદેશ પણ રોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ છે. જ્યાં રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધા આપવા માટે કટિબદ્ધ છે. યોગીના મુંબઈ આગમન પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજભવનમાં તેમની મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ યોગી આદિત્યનાથ પાસે ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે જગ્યા આપવાની માંગ કરી હતી. જેને યોગી આદિત્યનાથે મંજૂરી આપી દીધી હતી.
જે બાદ એકનાથ શિંદેએ કહ્યું કે ટૂંક સમયમાં જ આપણે બધા ભગવાન શ્રીરામના દર્શન કરવા અયોધ્યા આવીશું. જેના પર યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ સરકાર વતી તેમને અયોધ્યા આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. આ ચર્ચા દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ અને બીજેપી સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશન પણ હાજર હતા. તો સાથે ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈક પણ હાજર હતા.
———-
રોકાણકારોને આકર્ષવા માટે ‘રોડ શો’ની શું જરૂર?: સંજય રાઉત
મુંબઇ: ઉદ્ધવ ઠાકરેના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મુંબઈ આવ્યા છે. તે પોતાના રાજ્યમાં રોકાણ માટે અહીંના ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરવા માંગે છે. તેમને આકર્ષવા માંગે છે ત્યાં સુધી તો બધું બરાબર છે માંગો છો. આ બાબતોમાં કોઈ નુકસાન નથી પણ તે માટે તેમને મુંબઈમાં રોડ શો કરવાની શું જરૂર છે. આખરે મુંબઈમાં રોડ શો યોજીને તે શું સાબિત કરવા માંગે છે?
સંજય રાઉતે એમ પણ કહ્યું કે યોગી આદિત્યનાથ અહીં મહારાષ્ટ્ર અને મુંબઈથી ઉદ્યોગોને ઉત્તર પ્રદેશમાં લઈ જવા આવ્યા છે તો અમે તેનો વિરોધ કરીએ છીએ. આખરે રોકાણ માટે રોડ શોની શું જરૂર છે? સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ દાઓસ જવાના છે. જેથી તેઓ ત્યાંથી મહારાષ્ટ્રમાં રોકાણ લાવી શકે. એનો અર્થ એ નથી કે તે ત્યાં જઈને રોડ શો કરશે. રાઉતે કહ્યું કે રોકાણકારોને તેમના રાજ્યમાં લઈ જવાના પ્રયાસો સામે તેમને કોઈ વાંધો નથી. પરંતુ આ રાજકારણ ચાલવા દેવામાં આવશે નહીં.
———
કોમી રમખાણો હવે થતા નથી
મુંબઇ: રમખાણો પર બોલતા યોગીએ કહ્યું કે તેમની સરકારમાં યુપીમાં કોઈ સાંપ્રદાયિક રમખાણો થયા નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં અને મહિલાઓની સુરક્ષામાં સુધારો થયો છે. લોકોને સરકાર અને વહીવટમાં વિશ્ર્વાસ છે. તેમણે કહ્યું કે, જાતિ અને ધર્મના પૂર્વગ્રહ વિના પારદર્શક પ્રક્રિયા દ્વારા ૫ લાખથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. યુપીના મુખ્ય પ્રધાને કહ્યું કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓને કોઈપણ પક્ષપાત વિના લાગુ કરી છે.
———–
યોગી અહીં કશુંક આપવા આવ્યા
હતા, લેવા નહીં: બાવનકુલે
પાલઘર: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મુંબઈની મુલાકાતે આવ્યા હતા અને તેઓ અહીં કશુંક આપવા માટે આવ્યા હતા, કંઇ પણ લઇ જવા માટે નહોતા આવ્યા, એવું મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત બાવનકુલેએ જણાવ્યું હતું. વિરોધ પક્ષોને આ પહેલાં એવો ભય હતો કે યોગી આદિત્યનાથની મુંબઈ મુલાકાત દરમિયાન તેઓ ઉદ્યોગને અહીંથી લઇ જશે. યોગીજી વિદ્વાન છે અને તેઓ ચોક્કસ રાજ્યને કંઇક આપીને જ જશે. તેઓ અહીં ઉદ્યોગને કે પછી બોલીવૂડને અહીંથી લઇ જવા માટે નહોતા આવ્યા, એવું બાવનકુલેએ પત્રકારોને અહીં જણાવ્યું હતું. રોકાણકારો સાથેની અમુક બેઠક સામાન્ય હતી, એવું કહીને તેમણે વધુમાં કહ્યું હતું કે આદિત્યનાથની મુલાકાતમાં કોઇ પણ પ્રકારનું રાજકારણ નહોતું. ઉત્તર ભારતીયોએ મહારાષ્ટ્રને મજબૂત બનાવ્યું છે અને રાજ્યની જીડીપીમાં પણ વધારો કર્યો છે, એવું બાવનકુલેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)
અયોધ્યામાં બનશે ‘મહારાષ્ટ્ર ભવન’, શિંદેની માગણીને યોગીએે આપી મંજૂરી
RELATED ARTICLES